Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

પાકિસ્‍તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની મજાક હવે એક ફિલ્મના માધ્યમથી ઉડાવાતા ભારે ચર્ચા

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન પરમાણુ હુમલાની લુખ્ખી ધમકી આપતું રહે છે. પરંતુ સત્ય તો એ છે કે પાકિસ્તાન એક ડરપોક દેશ છે. જેના વડાપ્રધાનની મજાક હવે એક ફિલ્મના માધ્યમથી ઉડાવવામાં આવી રહી છે. હાલ THE DONKEY KING ચર્ચામાં છે, જે દુનિયામાં સૌથી વધુ જોવાયેલી પાકિસ્તાનની પહેલી ફિલ્મ બની ગઈ છે. જેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ ઈમરાન (Imran khan) ને વિચારીને બનાવવામાં આવી છે.

પાકિસ્તાનના એક ફિલ્મી ગધેડાનું ઈમરાન સાથે કનેક્શન

પાકિસ્તાનની આ એનિમેશન ફિલ્મનું નામ THE DONKEY KING છે. આ ફિલ્મ પાકિસ્તાનના રાજકીય પરિસ્થિતિ પર 2018માં બની હતી. પરંતુ આજે તે દુનિયામાં સૌથી વધુ જોવાયેલી પહેલી પાકિસ્તાની ફિલ્મ બની ચૂકી છે.

10 ભાષાઓમાં કરાઈ છે ડબ

આ ફિલ્મ એટલે કે, THE DONKEY KING અંદાજે 10 ભાષાઓમાં ડબ કરાઈ ચૂકી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, દક્ષિણ કોરિયામાં રિલીઝ થયેલી તે પહેલી પાકિસ્તાની ફિલ્મ બની છે. આ સાથે જ ફિલ્મ સ્પેન, રશિયા, તુર્કી સહિત અંદાજે 7 દેશોમાં રિલીઝ થઈ ચૂકી છે. વૈશ્વિક સ્તર પર પણ આ ફિલ્મ હીટ સાબિત થઈ રહી છે. પાકિસ્તાની સિનેમા આ ફિલ્મને કારણે વૈશ્વિક સ્તર પર પહોંચી ગયું છે.

10 ભાષાઓમાં ડબ થયેલી આ ફિલ્મ એક ગધેડા મંગુની કહાની છે, જેનું નસીબ તેને રાજા બનાવી દે છે. રાજકીય વ્યંગવાળી આ ફિલ્મમાં મંગુને એક સીધા સરળ ગધેડાના પાત્રમાં બતાવવામાં આવ્યો છે. જે નસીબનું પાસુ પલટાતા રાજા બની જાય છે અને તેને અહેસાસ થાય છે કે, તે હકીકતમાં એક સારો રાજા નથી. તેના બાદ તે ખુદને સારો રાજા બનાવવાના તમામ પ્રયાસો કરે છે.

THE DONKEY KING ની કહાની ઈમરાનની સચ્ચાઈ

લોકો આ ફિલ્મને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની જિંદગી સાથે જોડીને જુએ છે. ઈરાન અને આ ફિલ્મના અનેક વીડિયો મિક્સ કરીને શેર કરવામાં આવ્યા છે.

જોકે, ફિલ્મના ડાયરેક્ટર અઝીઝ જિંદાનીએ સ્પષ્ટતા કરી કે, તેઓને વર્ષ 2003માં આ ફિલ્મનો વિચાર આવ્યો હતો. 2013માં ફિલ્મના નિર્માણનું કામ શરૂ થઈ ગયું હતું. તેથી ફિલ્મનું ઈમરાન સાથે કોઈ કનેક્શન નથી. પરંતુ આ ગધેડાની વાર્તા એવી છે કે, લોકો ગધેડાના રૂપમાં ઈમરાનને જોઈ રહ્યાં છે અને ઈમરાનની મજાક દુનિયાભરમાં ઉડી રહી છે.

(4:42 pm IST)