Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

કમલનાથ અને જયોરાદિત્ય વચ્ચેનો ઝઘડો સોનિયા ગાંધી સુધી પહોંચ્યો

ભોપાલ, તા.૧૫: મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના કદાવર નેતા જયોતિરાદિત્ય સિંધિયા વચ્ચેની લડાઈ હવે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સુધી પહોંચી છે.

કમલનાથે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને એવુ મનાય છે કે, આ દરમિયાન તેમણે સિંધિયા દ્વારા સરકારના કરવામાં આવેલા વિરોધ અંગે નારાજગી જાહેર કરી હતી.

ગુરુવારે સિંધિયાએ શિક્ષકોને સંબોધિત કર્યા હતા અને કહ્યુ હતુ કે, જો રાજયમાં સરકાર પોતાના ચૂંટણી ઢંઢેરામાં કરેલા વાયદાઓનો અમલ નહી કરે તો પોતાની જ સરકાર સામે હું રસ્તા પર ઉતરતા નહી ખચકાઉં.હું શિક્ષકોને કહેવા માંગુ છું કે, તમારી માંગણી સરકારના ઢંઢેરામાં છે અને તે પૂરી ના થાય તો તમે એકલા નથી.હું પણ તમારી સાથે રસ્તા પર ઉતરીશ.સરકાર હજી એક વર્ષ પહેલા જ બની છે અને તમારે થોડી ધીરજ રાખવી પડશે અને જો તમારી માંગણી પુરી ના થાય તો હું તમારી ઢાલ અને તલવાર બંને બનીશ.

બીજી તરફ મધ્ય પ્રદેશ સરકારના મંત્રી ગોવિદં સિંહે સિંધિયા પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, તેમણે રસ્તા પર ઉતરવાની જરુર નથી.તેઓ રાજયના નેતા છે અને તેમને હું સલાહ આપીશ કે , પ્રદેશની આર્થિક સ્થિતિ જોઈને તેમણે સીએમ સાથે ચર્ચા કરવી પડશે.

મધ્યપ્રદેશમાં ગેસ્ટ ટીચર કાયમી નોકરીની માંગણી કરી રહ્યા છે અને તેને સિંધિયાએ સમર્થન આપ્યુ છે.

(3:41 pm IST)