Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

કોરોના વાયરસ ભારતીય કંપનીઓને હચમચાવશેઃ સપ્લાય ચેઈન અટકી

ઈલેકટ્રીકલ મશીનરી, મશીનરી અને મિકેનીકલ એપ્લાયન્સીસ, ઓર્ગેનિક કેમીકલ્સ, પ્લાસ્ટિક અને ઓપ્ટીકલ-સર્જીકલ ઈન્સ્ટુમેન્ટ વગેરે આવતા બંધ થયા : ફાર્મા કંપનીઓ ચિંતાતુરઃ કાચો માલ પણ આવતો બંધ થઈ ગયોઃ કપાસની નિકાસને પણ ફટકોઃ ચીનમાં ફેકટરીઓ અને ઉદ્યોગો બંધ થઈ ગયા છે

નવી દિલ્હી, તા. ૧૫ :. ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે ભારતના કન્સ્ટ્રકશન, ઓટો, કેમીકલ અને ફાર્મા સેકટરને માઠી અસર પડે તેવી શકયતા છે. આ પાંચેય સેકટરની સપ્લાય ચેઈન અસ્તવ્યસ્ત થઈ જવા પામી છે. આપણે પાંચ વસ્તુઓ ચીન ઉપર આધાર રાખીને બેઠા છીએ. જેમાં ઈલેકટ્રીકલ મશીનરી, મશીનરી અને મીકેનિકલ એપ્લાયન્સીસ, ઓર્ગેનિક કેમીકલ્સ, પ્લાસ્ટિક અને ઓપ્ટીકલ તથા સર્જીકલ ઈન્સ્ટુમેન્ટનો સમાવેશ થાય છે. ભારત આ બધી વસ્તઓની આયાત કરે છે. હાલ ૨૮ ટકા ભારતીય આયાતને નુકશાન પહોંચે તેવી શકયતા છે.

આયાત અસ્તવ્યસ્ત થવાને કારણે કન્સ્ટ્રકશન, કેમીકલ અને મશીનરી મેન્યુફેકચરીંગ, ટ્રાન્સપોર્ટ વગેરેને માઠી અસર થવાની શકયતા છે. ભારતની નિકાસને પણ માઠી અસર પડે તેવી શકયતા છે. ભારતની કુલ નિકાસના ૫ ટકા ચીનમાં નિકાસ થાય છે. કપાસની નિકાસને પણ માઠી અસર પડવાની શકયતા છે.

૨૦૧૮માં ભારતની કુલ ૫૦૭ બીલીયન ડોલરની આયાતમાં ચીનનો હિસ્સો ૧૪ ટકા અથવા તો ૭૩ બીલીયન ડોલરનો રહ્યો છે. કોરોના વાયરસને કારણે ૧૭મી ફેબ્રુઆરીથી અનેક ફેકટરીઓ અને ઈન્ડસ્ટ્રીયલ હબ ચાઈનામાં બંધ રહે તેવી શકયતા છે. જેના કારણે પ્રોડકશન ઠપ્પ થઈ જશે અને ભારત આવતી વસ્તુઓ બંધ થઈ જશે.

સૌથી મોટી કટોકટી ઓર્ગેનિક કેમીકલ ક્ષેત્રે થશે. ભારત ૪૦ ટકા તેની આયાત કરે છે. અમેરિકા અને સિંગાપુર પણ ચીન પર આધારીત હોય છે.

ભારત ૪૦ ટકા જેટલી ઈલેકટ્રીકલ મશીનરી પણ ચાઈનાથી આયાત કરે છે. તેનો હિસ્સો ૫૭ ટકા છે.

ઓપ્ટીકલ અને સર્જીકલ ઈન્સ્ટુમેન્ટને પણ માઠી અસર થવાની શકયતા છે. આપણે ૫૪ ટકા ચીન પર આ બાબતે નિર્ભર રહેવુ પડે છે. એટલુ જ નહિ ઘર આંગણાની ફાર્મા કંપનીઓની સપ્લાય ચેઈન પણ અસ્તવ્યસ્ત થઈ જવાની શકયતા છે. કાચો માલ ચીનથી આવતો હોય છે જેનો ઉપયોગ એન્ટીબાયોટીક, વિટામીન, એન્ટી ડાયાબીટીસ, એન્ટીઈન્ફેકટીવ વગેરેમાં થતો હોય છે.

(3:28 pm IST)