Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પીએનબી ફ્રોડ : નિરવ કેસમાં ૫૧૦૦ કરોડની સંપત્તિ જપ્ત

દરોડા દરમિયાન ડાયમંડ જ્વેલરી, ગોલ્ડ જપ્તઃ નિરવ મોદી અને મેહુલ ચોક્સીના પાસપોર્ટ પરત ખેંચાશે

નવીદિલ્હી, તા. ૧૫, એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુંબઈ, દિલ્હી અને ગુજરાતમાં આજે અબજોપતિ જ્વેલરી ડિઝાઈનર નિરવ મોદી સંબંધિત પ્રોપર્ટી ઉપર દરોડા પાડ્યા હતા અને ૫૧૦૦ કરોડની કિંમતના ડાયમંડ, જ્વેલરી અને સોનું જપ્ત કર્યું હતું. નિરવ મોદી અને તેમના પાર્ટનર મેહુલ ચોકસીના પાર્ટનર રિવોક કરવા વિદેશ મંત્રાલયને ઇડી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. બીજી બાજુ સરકારે કહ્યું છે કે, કોઇપણ વ્યક્તિને કેસમાં છોડવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, સરકાર તરફથી તેઓ પહેલાથી જ કહી ચુક્યા છે કે, બેંકિંગ સિસ્ટમને ખોરવી નાંખવાના પ્રયાસ કરનારને છોડવામાં આવશે નહીં. કોઇ કેટલી પણ મોટી વ્યક્તિ હશે તો પણ કાર્યવાહી કરાશે. આજે દરોડાની કાર્યવાહી ચાલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અબજોપતિ જ્વેલરી ડિઝાઈનર નિરવ મોદી સીબીઆઈને પંજાબ નેશનલ બેંક તરફથી ફરિયાદ મળે તેના ખુબ પહેલા દેશ છોડી ચુક્યા હતા. પહેલી જાન્યુઆરીના દિવસે નિરવ મોદી દેશ છોડીને જતા રહ્યા હતા. ૨૯મી જાન્યુઆરીના દિવસે સીબીઆઈને ૨૮૦ કરોડ રૂપિયાના ફ્રોડના સંદર્ભમાં માહિતી મળી હતી. તેમના ભાઇ મિશાલ જે બેલ્જિયમના નાગરિક છે. તેઓ પણ પહેલી જાન્યુઆરીના દિવસે દેશ છોડીને જતાં રહ્યા હતા. તેમના પત્નિ અમી જે યુએસના નાગરિક છે અને બિઝનેસ પાર્ટનર મેહુલ ચોક્સી જે ગીતાંજલિ જ્વેલર્સ ચેઇનના ભારતીય પ્રમોટર છે તે છઠ્ઠી જાન્યુઆરીના દિવસે દેશ છોડી ચુક્યા હતા. આ તમામ ચારેય સામે એજન્સી દ્વારા સરક્યુલર જારી કરવામાં આવ્યું છે. તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ સરક્યુલર જારી કરીને તપાસ હાથ ધરાઈ હતી.

(11:31 pm IST)