Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

છ મહિનામાં જ બધા પૈસા ચુકવવા નિરવ મોદી તૈયાર

નિરવ મોદી હાલ બેંક અધિકારીઓના સંપર્કમાં : નિરવ હાલમાં સ્વિત્ઝર્લેન્ડમાં હોવાના અહેવાલ : નિરવ મોદી થોડાક મહિનાની મહેતલ મેળવી લેવાના ફિરાકમાં

નવીદિલ્હી,તા. ૧૫ : પંજાબ નેશનલ બેંકને ૧૧૩૦૦ કરોડનો ફડકો આપનાર નિરવ મોદી હાલમાં સ્વિત્ઝર્લેન્ડમાં હોવાની માહિતી મળી રહી છે અને તે બેંક અધિકારીઓના સંપર્કમાં હોવાની પણ વિગત પ્રાપ્ત થઇ છે. નિરવ બેંકની ૫૦૦૦ કરોડથી વધુની રકમ પરત આપવા માટે તૈયાર હોવાના સંકેત મળી રહ્યા છે. પંજાબ નેશનલ બેંકને લખવામાં આવેલા પત્રમાં છ મહિનાની અંદર તમામ પૈસા ચુકવી દેવાની વાત પણ કરવામાં આવી છે. ૧૧૩૦૦ કરોડના આ કૌભાંડના મુખ્ય આરોપીએ જંગી નાણા પરત કરવાની વાત કરીને સમય આપવા માટે રજૂઆત કરી છે. નિરવ મોદી બાકી રકમ ચુકવી દેવા માટે થોડાક મહિનાની મહેતલ આપવાની રજૂઆતમાં લાગેલો છે. બીજી બાજુ કેન્દ્રીય નાણા મંત્રાલયે પીએનબીના કૌભાંડને લઇને બેંક પાસેથી એક સપ્તાહની અંદર રિપોર્ટની માંગ કરી છે. એક સપ્તાહની અંદર તમામ શંકાસ્પદ લેવડદેવડ અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ કૌભાંડમાં અનેક મોટા બેંક અધિકારીઓના નામ ખુલે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. વર્ષ ૨૦૧૦માં રિટેલ કારોબારી મોડેથી કરવામાં આવેલી શરૂઆત છતાં નિરવ મોદીએ ઝડપથી હોલીવુડ સ્ટારના ઇન્ડિયન જ્વેલર્સ તરીકે લોકપ્રિયતા હાસલ કરી હતી. ૨૦૧૩ સુધી નિરવ અબજોપતિની ફોર્બ્સની યાદીમાં પણ સામેલ થઇ ગયા હતા. તેમની સામે ફ્રોડના કેસને લઇને હવે તેમની બ્રાન્ડની ચમકને માઠી અસર થઇ છે. જો કે, પૈસા ચુકવવાની તૈયારી દર્શાવ્યા બાદ આને લઇને કેટલાક લોકો રાહત પણ અનુભવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેંક મહાછેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી નીરવ મોદીની સામે આખરે કાર્યવાહી શરૂ કરવામાં આવી ચુકી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ હિરાકારોબારી નિરવ મોદી અને તેમના સગાસંબંધીઓ તથા અન્યો સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કરી દીધો છે. સાથે સાથે આજે દેશભરમાં નિરવ મોદીના આવાસ અને અન્ય પ્રોપર્ટી ઉપર વ્યાપક દરોડા પાડ્યા હતા. દેશભરમાં જુદા જુદા શહેરોમાં ફ્રોડના કેસમાં આ દરોડાના કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ૧૧૩૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસના સંબંધમાં આજે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોદીના મુંબઈમાં આવેલા કુર્લા ખાતેના આવાસ, કાલાઘોડા વિસ્તારમાં તેમના જ્વેલરી શો રુમ, બાંદરા અને લોઅર પારેલમાં આવેલી ત્રણ કંપનીઓ, ગુજરાતના સુરતમાં ત્રણ સ્થળો, ચાણક્યપુરીમાં મોદીના શો રુમ અને દિલ્હીમાં ડિફેન્સ કોલોની પર દરોડાની કાર્યવાહી એક સાથે હાથ ધરવામાં આવી હતી. નિરવ મોદી પર સકંજો વધુ મજબૂત કરાઈ રહ્યો છે.

(9:16 pm IST)