Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

જાન્યુઆરીમાં WPI ફુગાવો ઘટી ૨.૮૪ ટકા : ખાદ્યાન્ન વસ્તુ સસ્તી

શાકભાજીની વધતી કિંમતો વચ્ચે ડબલ્યુપીઆઈ ફુગાવો ઘટ્યો : ડબલ્યુપીઆઈ ફુગાવો ઘટીને છ મહિનાની નીચી સપાટી પર પહોંચતા કેન્દ્ર સરકાર અને આરબીઆઈને રાહત થઇ : ડુંગળીના ભાવમાં રેકોર્ડ ઉછાળો

મુંબઈ, તા. ૧૫ : હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં છ મહિનાની નીચી સપાટી ઉપર પહોંચી ગયો છે. ફુગાવો ૨.૮૪ ટકાની નીચી સપાટીએ પહોંચતા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને રાહત થઇ છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થયો છે. બીજી બાજુ શાકભાજીની કિંમતોમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઈ)ના આધાર પર ગણતરી કરવામાં આવતા ફુગાવો ડિસેમ્બર ૨૦૧૭માં ૩.૫૮ ટકા હતા. જ્યારે જાન્યુઆરી ૨૦૧૭માં ૪.૨૬ ટકા હતો. જાન્યુઆરી ૨૦૧૮માં ડબલ્યુપીઆઈ ફુગાવો ૨.૮૪ ટકા થયો છે જે છ મહિનાની સૌથી નીચી સપાટી છે. અગાઉની સૌથી નીચી સપાટી જુલાઈ મહિનામાં ૧.૮૮ ટકા હતી. આજે જારી કરવામાં આવેલા સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ખાદ્યાન્ન ચીજવસ્તુઓમાં ફુગાવો જાન્યુઆરી મહિનામાં ત્રણ ટકા રહ્યો છે. જે ડિસેમ્બર ૨૦૧૭માં ૪.૭૨ ટકા હતો. શાકભાજીમાં ફુગાવો જાન્યુઆર મહિનામાં વાર્ષિક આધાર પર ૪૦.૭૭ ટકા રહ્યો છે જે અગાઉના મહિનામાં ૫૬.૪૬ ટકા રહ્યો હતો. રસોડામાં સૌથ ઉપયોગી ગણાતા ડુંગળીમાં જાન્યુઆરી મહિનામાં ૧૯૩.૮૯ ટકાનો અભૂતપૂર્વ વધારો થયો છે જ્યારે કઠોળના ફુગાવામાં ઘટાડો થતાં આ આંકડો વાર્ષિક આધાર પર ૩૦.૪૩ ટકા રહ્યો છે. આવી જ રીતે ઘઉં અને અનાજમાં ફુગાવા ક્રમશઃ ૬.૯૪ અને ૧.૯૮ ટકા છે. પ્રોટીનથી ભરપુર ગણાતી ચીજવસ્તુઓ ઇંડા, માંસ અને ફીશની કિંમતોમાં નજીવો વધારો થયો છે. ફળફળાદીનો ફુગાવો જાન્યુઆરી મહિનામાં વધીને ૮.૪૯ ટકા રહ્યો છે. ફ્યુઅલ અને પાવર સેગ્મેન્ટમાં હોલસેલ ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૪.૦૮ ટકા અને મેન્યુફેક્ચર્ડ વસ્તુઓ માટે ફુગાવો ૨.૭૮ ટકા રહ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં જારી કરવામાં આવેલા ડેટામાં જણાવવામાં આવ્યું હતું કે, રિટેલ ફુગાવો ૫.૦૭ ટકા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોઇપણ ફુગાવાને ધ્યાનમાં લેતી વેળા રિટેલ અને હોલસેલ બંને ફુગાવાના આંકડાને ધ્યાનમાં લઇને નિર્ણય કરવાની ફરજ પડતી હોય છે. રિઝર્વ બેંકે હાલમાં તેની પોલિસી સમીક્ષામાં તમામ ચાવીરુપ રેટ યથાવત રાખ્યા હતા જેમાં રેપોરેટ અને રિવર્સ રેપોરેટને યથાવત રાખવામાં આવ્યા હતા. એપ્રિલ-સપ્ટેમ્બર માટે આરબીઆઈ દ્વારા ફુગાવો ૫.૧ અને ૫.૦૬ ટકા રહેવાની આગાહી કરી હતી.

(7:47 pm IST)