Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

બાટલા હાઉસ કેસ : જુનેદના બીજા સાથીઓની શોધખોળ

એનઆઈએની તપાસ ટીમ વધુ સક્રિય થઇ : જુનેદની ધરપકડ બાદ વધુ સફળતા મળવાની પુરી આશા

આઝમગઢ, તા. ૧૫ : દિલ્હીમાં ૧૦ વર્ષ પહેલા થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયેલા અને ફરાર થયેલા આતંકવાદી જુનેદની ધરપકડ બાદ તેના અન્ય ચાર સાગરિતોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. એનઆઈએની ટુકડી તપાસમાં લાગી ગઈ છે. આ ત્રાસવાદીઓના કનેક્શન ઇન્ડિયન મુઝાહીદ્દીન સાથે હોવાના અહેવાલ મળી રહ્યા છે.  બિહારના મુઝફ્ફરપુરથી જુનેદ ૨૦૦૪-૦૫ના એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે બહાર જતો રહ્યો હતો પરંતુ તે કોની કોની સાથે સંપર્કમાં રહ્યો હતો. પરિવારના સભ્યોને આ અંગે કોઇ માહિતી નથી. તેમના વતન ગામથી ૨૦૦૮માં નિકળી ગયા બાદ તે ક્યાં ક્યા રોકાયો હતો. આટલા દિવસ ગાયબ રહેવા પર પરિવારના સભ્યોએ પોલીસને સૂચના કેમ આપી ન હતી તેવા જુદા જુદા પ્રશ્નો તમામને સતાવી રહ્યા છે. જો કે, પોલીસને પરિવારના સભ્યો પાસેથી કોઇ માહિતી મળી રહી નથી. જુનેદની ધરપકડ બાદ આઝમગઢ જિલ્લાનું નામ ફરી એકવાર સપાટી ઉપર આળ્યું છે. બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને જુનેદ ફરાર થઇ ગયો હતો. જુનેદ ઉર્ફે આરીઝની સાથે ચાર શખ્સો જેના પર એનઆઈએ દ્વારા ૧૦-૧૦ લાખનું ઇનામ જાહેર કર્યું છે તેમની શોધખોળ વધુ તીવ્ર કરી દેવામાં આવી છે. દિલ્હીના બાટલા હાઉસ અથડામણમાં ૧૯મી સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે જિલ્લાના સંજરપુર ગામના નિવાસી મોટા આતીફ સહિત સાજીદનું મોત થઇ ગયું હતું. જ્યારે ઘટના સ્થળથી સૈફની ધરપકડ કરાઈ હતી. આઝમગઢ જિલ્લાના આશરે દોઢ ડઝન જેટલા યુવકોના નામ સપાટી ઉપર આવ્યા હતા જેમાં સલમાન, આરીફ, શાહનવાઝ, દાનિશ, અસદુલ્લા અખ્તરની ધરપકડ કરવામાં આવી હતી. હવે જુનેદની ધરપકડ બાદ સાજીદ, શાહનવાઝ, શાદાબ બેગ અને ખાલીદની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એનઆઈએને સફળતા મળવાની આશા છે.

(7:42 pm IST)