Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

દ.આફ્રિકાઃ ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા રાષ્ટ્રપતિ જૈકબ જુમાએ આપ્યું રાજીનામુ

૨૦૧૯માં તેમનો કાર્યકાળ પૂરો થવાનો હતોઃ પોતાની પાર્ટીના નિર્ણયથી તેઓ અસહમત

કેપટાઉન તા. ૧૫ : સાઉથ આફ્રિકાના ૭૫ વર્ષનાં પ્રેસિડન્ટ જેકબ ઝુમાએ બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) પાર્લામેન્ટમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને તેમને હટાવવાની ફિરાકમાં જ હતી. ઝુમાએ કહ્યું કે પોતાની પાર્ટીના નિર્ણયથી સહમત નથી, પરંતુ હું મારા ઓર્ગેનાઈઝેશનનો અનુશાસિત સભ્ય છું. કરપ્શન મામલે ભારતીય મૂળના બિઝનેસમેન ગુપ્તા બ્રધર્સ- અજય, અતુલ અને રાજેશની ધરપકડ પછી રાષ્ટ્રપતિ જેકબ ઝુમાની મુશ્કેલી વધી ગઈ હતી. ઝુમા પર ગુપ્તા બ્રધર્સને ખોટી રીતે ફાયદો પહોંચાડવાના આરોપ છે.

 ઝુમાએ નેશનલ ટેલીવિઝન પર પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમને કહ્યું કે, 'હું તાત્કાલિક પ્રભાવથી સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ પદેથી રાજીનામું આપુ છું.' રાજીનામું આપતાંની સાથે જ ઝુમાનું ૯ વર્ષનું ટેન્યોર ખતમ થઈ ગયું. તેઓ બીજી અને અંતિમ વખત પ્રેસિડન્ટ બન્યાં હતા. ૨૦૧૯માં તેમનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો.ઝુમાની જગ્યાએ સાઇરિલ રામફોસાને અંતરિમ રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે. ઝુમાએ કહ્યું કે, 'રામાફોસાને પ્રેસિડન્ટ બનાવવાનો નિર્ણય યોગ્ય નથી.' રામાફોસાને બે માસ પહેલાં જ ANCના પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા હતા.

 ઝુમાએ તેમ પણ કહ્યું કે, 'પ્રેસિડન્ટ પદ છોડ્યાં પછી પણ હું પાર્ટીની સેવા કરતો રહીશ.' 'મને મારા વિરૂદ્ઘ કોન્ફિડેન્સ મોશન કે ઈમ્પીચમેન્ટ લાવવાનો ડર ન હતો. અમારા સુંદર દેશમાં પ્રેસિડન્ટને સત્તા પરથી હટાવવા માટે એક કાયદાકીય પ્રક્રિયા છે.' ઝુમા વિરૂદ્ઘ વિરોધ પક્ષ દ્વારા અનેક વખત અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.૨૦૦૫માં ડેપ્યુટી મિનિસ્ટર રહેલાં ઝુમા પર રેપનો આરોપ લાગ્યો હતો. ત્યારે પ્રેસિડન્ટ રહેલાં થાબો મબેકીએ તેમને પદ પરથી હટાવી દીધા હતા. જે બાદ ઝુમા તમામ આરોપોમાંથી નિર્દોષ બહાર નીકળ્યાં હતા.

(4:15 pm IST)