Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

PNB તો શરૂઆતઃ NPAની પોલ ખુલે તો કૌભાંડોની વણઝાર

બેંકોનું એનપીએ અધધધ... રૂ.૮,ર૯,૩૩૮ કરોડઃ મોદીના યુગમાં ચારગણુ વધ્યુઃ મોટા મગરમચ્છોને બેંકોએ આડેધડ લોનો આપીઃ વસુલાતમાં મીંડુઃ પ્રજાના પૈસા ચાંઉ થઇ ગયાઃ સરકાર વસુલાત માટે ગંભીર નથી : મહાકૌભાંડમાં માત્ર પંજાબ નેશનલ બેંક જ નહી પરંતુ યુનિયન બેંકને ર૩૦૦ કરોડ, અલ્હાબાદ બેંકમાં ર૦૦૦ કરોડ, એસબીઆઇ (ઓવરસીઝ બેંક) ૯૬૦ કરોડનો ચૂનો લાગ્યો

નવી દિલ્હી તા.૧પ : દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકમાં થયેલા મહાકૌભાંડે દેશમાં નવુ રાજકીય તોફાન ઉભુ કરી દીધુ છે. ૧૧,પ૦૦ કરોડ રૂપિયાના ફ્રોડમાં અબજપતિ નિરવ મોદી ઉપર એફઆઇઆર પણ નોંધવામાં આવી છે. અબજો રૂપિયાનુ આ કૌભાંડ માત્ર એક બ્રાન્ચનુ છે. એવામાં સવાલ ઉઠવા લાગ્યા છે કે, શું બીજી બેંકોની અન્ય શાખામાં પણ આ પ્રકારના કૌભાંડોની આશંકાથી ઇન્કાર થઇ શકે તેમ નથી. ગોટાળાથી દેશની તમામ બેંકોનુ એનપીએ સતત વધી રહ્યુ છે. તાજેતરમાં જ એસબીઆઇ ર૪૧૬ કરોડની ખોટ નોંધાવી છે. આનુ કારણ એનપીએ છે. બેંકોનુ એનપીએ છેલ્લા ૪ વર્ષમાં જે ઝડપથી વધ્યુ છે તેનાથી બેંેંકોની આર્થિક હાલત હલબલી ઉઠી છે.

માર્ચ-ર૦૧૪માં જ એનપીએ ર૦૪ર૪૯ કરોડ હતુ તો જુન-ર૦૧૭માં તે વધીને ૮ર૯૩૩૮ કરોડ પહોંચી ગયુ છે. માત્ર મોદીના યુગમાં જ એનપીએ ચારગણુ વધી ગયુ છે. બેંકો એનપીએની જાળમાં ફસાયેલી છે. જો કે સરકાર અગાઉની સરકાર ઉપર દોષ ઢોળી રહી છે. બેંકોનું એનપીએ જોઇએ તો એસબીઆઇ ૧૮૮૦૬૮ કરોડ, પીએનબી પ૭૭ર૧ કરોડ, બીઓઆઇ પ૧૦૧૯ કરોડ, આઇડીબીઆઇ પ૦૧૭૩ કરોડ, બીઓબી ૪૬૧૭૩ કરોડ, આઇસીઆઇસીઆઇ ૪૩૧૪૮ કરોડ, કેનેરા ૩૭૬પ૮ કરોડ, યુબીઆઇ ૩૭ર૮૬ કરોડ, આઇઓબી ૩પ૪પ૩ કરોડ, સેન્ટ્રલ બેંક ૩૧૩૯૮ કરોડ, યુકો બેંક રપ૦પ૪ કરોડ, ઓબીસી ર૪૪૦૯ કરોડ, એકસીસ રર૦૩૧ કરોડ, કોર્પો.બેંક ર૧૭૧૩ કરોડ, અલ્હાબાદ બેંક ર૧૦૩ર કરોડ, સીન્ડીકેટ બેંક ર૦૧૮૪ કરોડ, આંધ્ર બેંક ૧૯૪ર૮ કરોડ, બીઓએમ ૧૮૦૪૯ કરોડ, દેના બેંક ૧ર૯૯૪ કરોડ, યુનાઇટેડ બેંક ૧ર૧૬પ કરોડ, ઇન્ડિયન બેંક ૯૬૦પ૩ કરોડ, એચડીએફસી બેંક ૭ર૪૩ કરોડ, વિજયા બેંક ૬૮૧ર કરોડ, પંજાબ એન્ડ સિંધ ૬૬૯૩ કરોડ અને જે.કે.બેંક પ૬૪૧ કરોડ.

રપ બેંકોની આ યાદી જણાવે છે કે પ્રજાના પૈસા કઇ રીતે લોન તરીકે ધનવાનોને આપી દેવામાં આવ્યા હતા. બેંકોને પાછા ન અપાયા એટલે એનપીએમાં નાખી દેવાયા. એનપીએની પોલ ખુલશે તો હજારો કરોડના કૌભાંડો સામે આવશે. જે ચૂંટણી દરમિયાન સરકારને મુંઝવી દેશે.

દરમિયાન પંજાબ નેશનલ બેંકના મામલામાં નવો ખુલાસો થયો છે. ફ્રોડના વ્યવહારો માત્ર પીએનબી જ નહી પરંતુ અન્ય બેંકોમાં પણ થયા હતા. જેમાં યુનિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, એકસીસ બેંક અને અલ્હાબાદ બેંક પણ સામેલ છે. જેમાં યુનિયન બેંકમાં ર૩૦૦ કરોડ, અલ્હાબાદ બેંકમાં ર૦૦૦ કરોડ, એસબીઆઇ ૯૬૦ કરોડના વ્યવહારો થયા હતા.

દરમિયાન કેજરીવાલે અને કોંગ્રેસે આ મામલે મોદી સરકારને આડે હાથ લીધી છે. ભાજપ સરકાર ઉપર આંખ બંધ રાખવાનો આરોપ મુકાયો છે.

(4:05 pm IST)