Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

વન નેશનવન ટેકસ નહીં, વન ટેકસ-રેટ પણ લાવો

વેપારીઓને જ નહીં, CAને પણ GSTની પ્રક્રિયા સ્ટ્રેસભરી લાગી રહી છેઃ GSTના સમયાંતરે બદલાતા નિયમો અને રેટના ફેરફારથી CA પણ કંટાળી ગયા છે

મુંબઇ તા.૧૫: ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેકસ (GST)ની રિટર્ન ભરવાની પળોજણથી અને આઠ મહિના પછી પણ GSTના સમયાંતરે બદલતા નિયમો અને રેટના ફેરફારથી વેપારીઓ જ નહીં, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટો (CA) પણ કંટાળી ગયા છે. એને કારણે પચાસ વર્ષ વટાવી ગયેલા CA GSTના સ્ટ્રેસથી બચવા તેમના પ્રોફેશનમાં પરિવર્તન લાવવાની તૈયારીમાં છે, જ્યારે નાની ઉંમરના CA કહે છે કે સરકારે વન નેશન વન ટેકસની સાથે વિશ્વના અન્ય દેશોની જેમ વન ટેકસ-રેટ લાવવાની પણ જરૂર છે જેથી રિટર્ન ભરવાની પળોજણ ઓછી થાય.

નરેન્દ્ર મોદીની સરકારે ગયા વર્ષની પહેલી જુલાઇથી દેશમાં GSTનું અમલીકરણ કર્યુ, પણ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ટેકસનો એક જ રેટ હજી સુધી નક્કી કરી શકી નથી. આજે પણ આઇટમો મુજબ GSTના રેટમાં વિવિધતા છે. દુબઇમાં આપણી સાથે જ GSTની શરૂઆત કરવામાં આવી હતી, પણ ત્યાં GSTના રેટ એક જ હોવાથી દુબઇના વેપારીઓમાં અને CA માં દર બીજે દિવસે અસમંજસની પરિસ્થિતિ ઊભી થતી નથી. આજે દેશમાં વેપારીઓ અને CA GSTથી નહી પણ એના માટે કરવી પડતી પળોજણથી કંટાળી ગયા છે. તેમનો વિરોધ પળોજણ સામે છે,  GSTસામે નહીં. GST આવ્યા પછી CA GSTના રિટર્ન્સ ભરવા માટે વેપારીઓ પાસેથી મહિનાના એક હજાર રૂપિયાથી દસ હજાર રૂપિયા સુધીની પ્રોફેશનલ ફી વસૂલ કરે છે. જોકે આટલા રૂપિયા આપ્યા પછી પણ નથી વેપારીઓને સંતોષ કે આટલી ફી વસૂલ કર્યા પછી CAને સંતોષ. બન્ને જાણ GST કાઉન્સિલના રવૈયાથી ત્રાસી ગયા છે.

આ બાબતની માહિતી આપતા દાદરમાં CAની પ્રેકિટ્સ કરી રહેલા ભવન મહેતાએ 'મિડે-ડે'ને કહ્યું હતું કે 'GSTના રેટ એક નથી. સમયાંતરે  એમાં ફેરફાર થતા રહે છે. અમે માંડ  અમારા સોફટવેરને સેટ કરીએ ત્યાં  GST કાઉન્સિલ તરફથી એક નવું નોટિફિકેશન બહાર પડે છે જે અમારી કરેલી મહેનત પર પાણી ફેરવી નાખે છે GST આવ્યા પછી અમે અમારા કલાયન્ટોને કાઉન્સિલે તૈયાર કરેલા GSTના કાયદા અને નિયમો પ્રમાણે કવોટેશન આપી દીધું હતું. એમાં કલાયન્ટનું ટર્નઓવર, બિલોની સંખ્યા અને અન્ય સર્વિસોને ધ્યાનમાં રાખીને અમે અમારી પ્રોફેશનલ ફી નક્કી કરી દીધી હતી. જોકે કાઉન્સિલ તરફથી બદલાતા જતા નિયમોને કારણે અમે છેલ્લા છ મહિનાથી કલાયન્ટોને અમારી પ્રોફેશનલ ફીના બિલો મોકલી શકયા નથી.

જે રિટર્ન્સ ભરવાનું કામ અડધો કલાકમાં થઇ જશે એવી અમારી ધારણા હતી એ રિટર્ન્સ સ્લો ચાલતા સર્વરને કારણે છ કલાક સુધી પણ અમે પુરૂ કરી શકતા નથી એમ જણાવતા કાંજુરમાર્ગમાં ઓફિસ ધરાવતા CA મિલન શાહે કહ્યું હતું કે 'સરકાર નવો ટેકસ લાવી, પણ એની સાથે સરકારી ઓફિસમાં GST માટે નવી ટેકનોલોજી વિકસાવી શકી નથી. આથી ફકત અમે જ નહીં, વેપારીઓ પણ નાસીપાસ થઇ જાય છે અને અમારા માણસો પણ કંટાળી જાય છે. રિટર્ન્સ ભરવાની આખરી તારીખે અથવા તો એક દિવસ પહેલા કાઉન્સિલ તરફથી એક નવો ફતવો બહાર પડે છે જે અમારી પ્રક્રિયાને સ્લો કરી નાખે છે. કાઉન્સિલ એની આખરી તારીખમાં પણ છેલ્લી ક્ષણોએ ફેરફાર કરે છે જેને લીધે રિટર્ન્સ ભરવામાં ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થાય છે. સરકારની સિસ્ટમ બરાબર ન હોવાથી GSTના રિટર્ન્સ ભરવાની પળોજણમાં વધારો થાય છે'

વેપારીઓ GSTના કાયદાથી અને એના નિયમોથી હજી સો ટકા વાકેફ નથી એમ જણાવતા દાદરમાં પ્રેકિટસ કરી રહેલા CA  વિવેક ખંડોરેએ કહ્યુ હતું કે 'સરકારની રોજ બદલાતી નીતિ અને કાઉન્સિલ દ્વારા રોજ બદલાતા રેટ અને નિયમોથી વેપારીઓ અને તેમનાં અસોસિએશનો પણ પૂરાં વાકેફ નથી. આથી વેપારીઓ રિટર્ન્સ ભરવા માટે તેમના ડેટા તેમના CAને સમયસર આપી શકતા નથી. એમાં કોઇ જ શંકા નથી કે આપણા દેશમાં GSTની પ્રક્રિયા સરળ અને સુવિધાજનક નથી. રિટર્ન્સ ભરવાના સમયે અમારા કલાયન્ટનો મોબાઇલ વર્કિગમાં હોવો અત્યંત જરૂરી છે, કારણ કે તેમના મોબાઇલ પર જ વન ટાઇમ પ્રાસવર્ડ આવે છે જે અમને સમયસર ન મળે તો અમે રિટર્ન્સ ભરી શકતા નથી અને આખી પ્રક્રિયા ફરી કરવી પડે છે. આ એટલી સ્ટ્રેસભરી પ્રેકિટસ છે કે અમુક મોટી ઉંમરના CA ની તબિયત પણ લથડી ગઇ છે. આથી જ મોટી ઉંમરના અને વર્ષોથી આ પ્રોફેશનમાં કમાઇને બેઠેલા CAને GSTની પ્રેકિટસ કરવામાં રસ નથી. લાખો રૂપિયાની વર્ષે ફી મળતી હોવા છતાં તેઓ આ પ્રેકિટસ બંધ કરીને બીજા યુવાન CAને તેમને કારોબાર સોંપી રહ્યા છે.'

(12:28 pm IST)