Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

છોકરીઓને શિક્ષણ આપવાની બાબતમાં ગુજરાત નાપાસ

૬ થી ૧૭ વર્ષની વય વચ્ચેના જુથમાં ગુજરાતનો રેકોર્ડ માત્ર આસામ કરતા જ સારો : ગુજરાતમાં ૬ થી ૧૭ વર્ષની રર ટકા છોકરીઓ અને ૧૬ ટકા છોકરાઓ શાળાએ જતા નથી

નવી દિલ્હી તા.૧પ : ગુજરાત સરકાર એવો દાવો કરી શકે છે કે ધો.૧માં ૧૦૦ ટકા સંખ્યા છે પરંતુ નેશનલ ફેમીલી હેલ્થ સર્વે ર૦૧પ-૧૬નો ડેટા કંઇક અલગ જ વાત જણાવે છે. એ ડેટા જણાવે છે કે ૬ થી ૧૭ વર્ષની વય વચ્ચેની રર ટકા છોકરીઓ અને ૧૬ ટકા છોકરાઓ સ્કુલે જતા નથી. છોકરીઓની શાળાએ જવાની વાત આવે છે ત્યારે ગુજરાત માત્ર આસામ કરતા જ આ બાબતમાં આગળ છે. આસામમાં ર૩ ટકા ૬ થી ૧૭ વર્ષની વય વચ્ચેની છોકરીઓ શાળાએ જતી નથી. આ આંકડો દેશમાં સૌથી ઓછો છે. ડેટા જણાવે છે કે ગુજરાતમાં સરેરાશ ૧૯ ટકા બાળકો શાળાએ જતા નથી. જેમાં રર ટકા ગ્રામીણ વિસ્તારના અને ૧પ ટકા શહેરી વિસ્તારના છે. ૬ થી ૧૭ વર્ષની વય વચ્ચેની છોકરીઓમાં ર૬ ટકા ગ્રામીણ વિસ્તારની અને ૧૬ ટકા શહેરી વિસ્તારની છોકરીઓ શાળાએ જતી નથી.

 

ડેટા એવુ સુચન કરે છે કે, હેલ્થ સર્વે દ્વારા ર૦૦પ-૦૬માં છોકરાઓ અને છોકરીઓની હાજરી અંગે જે વિગતો બહાર પાડી હતી તેના કરતા હાજરીમાં થોડો સુધારો થયો છે. ર૦૦પ-૦૬માં લગભગ ર૯ ટકા છોકરીઓ અને છોકરાઓ શાળાએ જતા ન હતા. ર૦૦પ-૦૬નો રિપોર્ટ જણાવે છે કે ૬ થી ૧૭ વર્ષની વયના ૭૧ ટકા બાળકો શાળાએ જાય છે. રિપોર્ટ જણાવે છે કે, ૭૪ ટકા શહેરી વિસ્તારમાં અને ૬૯ ટકા ગ્રામીણ વિસ્તારમાં આ હાજરી છે. ૬ થી ૧૦ વર્ષના બાળકોમાંથી ૯૦ ટકા શાળાએ જાય છે. સ્કુલમાં હાજરી આપવાની ટકાવારી ૧૧ થી ૧૪ વર્ષના ગ્રુપના બાળકોમાં ઘટીને ૭૪ ટકા થઇ ગઇ છે. જયારે ૧પ થી ૧૭ વર્ષની વયમાં આ ટકાવારી ઘટીને ૩ર ટકા થઇ ગઇ છે.

સ્કુલની હાજરી ઉપરાંત આ રિપોર્ટ પીવાના પાણી, સેનીટેશન, વેલ્થ, હાથ ધોવાની પ્રેકટીસ, શૈક્ષણિક વાતાવરણ, જન્મ નોંધણી, બાળકોની રહેવાની સગવડતા અને વાલીઓ વિશેની વિગતો પણ આપી રહ્યો છે.

શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાંત સુખદેવ પટેલ જણાવે છે કે રાજયના નબળા શૈક્ષણિક રેકોર્ડ માટે વાલીઓ પણ જવાબદાર છે જેઓ પોતાની દિકરીઓને ભણવા દુર મોકલતા નથી. જો શાળા નજીક હોય તો તેઓ મોકલે છે. તેઓ જણાવે છે કે રાજયમાં સરકારી શાળાઓ કરતા પ્રાઇવેટ સ્કુલો વધુ છે અને તેને કારણે અનેક વાલીઓ પોતાની છોકરીઓને પ્રાઇવેટ સ્કુલોમાં ભણાવતા નથી. તેઓ પોતાના છોકરાઓને તેમાં ભણવા મુકવાનો આગ્રહ રાખતા હોય છે. (૩-૬)

(10:52 am IST)