Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

નદવીએ મસ્જીદનો દાવો છોડવાના બદલામાં ૫૦૦૦ કરોડ માંગ્યા

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના એકઝીકયુટીવ મેમ્બર રહી ચુકેલા સલમાન નદવી ઉપર શ્રી શ્રીના વિશ્વાસુનો સનસનીખેજ આરોપઃ ૫૦૦૦ કરોડ ઉપરાંત અયોધ્યામાં ર૦૦ એકર જમીન અને રાજયસભાની એક બેઠક માંગી હતીઃ અયોધ્યામાં વિવાદમા નવો વળાંક

લખનૌ તા.૧પ : ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના એકઝીકયુટીવ મેમ્બર રહેલા સલમાન નદવી ઉપર અમરનાથ મિશ્રાએ મોટો આરોપ મુકયો છે. મિશ્રાનું કહેવુ છે કે, નદવી મસ્જીદનો દાવો છોડવાના અવેજમાં પ૦૦૦ કરોડની ડીલ ઇચ્છતા હતા.

 

રામ જન્મભુમિ સદ્દભાવના સમિતિના અધ્યક્ષ અને શ્રી શ્રી રવિશંકરના સૌથી વિશ્વાસુ અમરનાથ મિશ્રાએ આરોપ મુકયો છે કે જે ફોર્મ્યુલાને લઇને સલમાન નદવી અને સુન્ની સેન્ટ્રલ બોર્ડના અધ્યક્ષ શ્રી શ્રી રવિશંકરને મળવા ગયા હતા. એ ફોર્મ્યુલા પાછળ એક મોટી ડીલ કરવાની તૈયારી હતી.

અમરનાથ મિશ્રાએ કહ્યુ હતુ કે, આ ફોર્મ્યુલા હકીકતે એમની હતી જે તેઓએ પ ફેબ્રુઆરીએ નદવી અને બીજા મુસ્લિમ નેતાઓને આપી હતી પરંતુ એ મુલાકાત દરમિયાન સલમાન નદવીએ આ ડીલના અવેજમાં પ૦૦૦ કરોડ રૂપિયા, અયોધ્યામાં ર૦૦ એકર જમીન અને રાજયસભાની એક બેઠક માંગી હતી.

અમરનાથ મિશ્રાના જણાવ્યા પ્રમાણે અમારી સાથે એ વાત એટલા માટે કરવામાં આવી હતી કે, નદવીની ઓફર મંદિર નિર્માણ સાથે જોડાયેલા લોકો અને મુખ્યમંત્રી તથા વડાપ્રધાન સુધી પહોંચાડી શકાય અને કોઇપણ પ્રકારે આ ડીલ નક્કી થઇ શકે.

 તેમણે કહ્યુ હતુ કે, આ ડીલની વાત બધા નેતાઓને જણાવી દેવામાં આવી છે એટલુ જ નહી શ્રી શ્રીને પણ ખબર છે.

મિશ્રાએ કહ્યુ હતુ કે, મંદિર નિર્માણના કોર્ટની બહાર સેટલમેન્ટની ફોર્મ્યુલા લઇને મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અનેક સભ્યો પાસે ગયા હતા. આ ફોર્મ્યુલા નદવીને પણ આપી હતી કે જેથી લો બોર્ડની બેઠકમાં ચર્ચા થઇ શકે અને ચર્ચાનો ભરોસો નદવીએ અમને આપ્યો હતો. મિશ્રાએ દાવો કર્યો છે કે આ મામલે બોર્ડમાં ચર્ચા કરવાને બદલે નદવી આ ફોર્મ્યુલાને લઇને સીધા શ્રી શ્રીની પાસે ગયા અને ત્યાંથી તેમણે આ ફોર્મ્યુલાનું એલાન કર્યુ. (૩-પ)

(10:51 am IST)