Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ફલોરિડાની સ્કુલમાં અંધાધુંધ ફાયરીંગઃ ૧૭ના મોત

સ્કુલમાંથી હાંકી કાઢવામાં આવેલ વિદ્યાર્થીનું કારસ્તાનઃ ફાયરીંગમાં ૨૦ને ઇજાઃ હત્યારો ઝડપાયોઃ સ્ટોનમેન ડગલસ હાઇસ્કુલની ઘટનાઃ ફાયરીંગના વોશિંગ્ટનમાં પડઘાઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પે દુઃખ વ્યકત કર્યું: તપાસનો ધમધમાટ

પાર્કલેન્ડ તા. ૧૫ : બુધવારે અમેરિકા ફરી એક વાર શૂટઆઉટથી ધણધણી ઉઠ્યું. એક બંદૂકધારીએ ફલોરિડાની હાઈસ્કૂલમાં આડેધડ ફાયરિંગ કરતા ૧૭ જેટલા લોકોના મોત થયાની આશંકા છે. ગોળીબાર દરમિયાન ૨૦ સ્ટૂડન્ટ્સ ગંભીર રીતે ઘવાયા હતા. તેમની ચીસાચીસથી સમગ્ર સ્કૂલ ધ્રુજી ઉઠી હતી. સ્થાનિક સમય અનુસાર આ ઘટના બપોરે અઢી વાગ્યાની આસપાસ બની હતી.

 

એબીસી ન્યૂઝે ઘટના સ્થળ પર હાજર બે અધિકારીઓને ટાંકતા આ શૂટઆઉટમાં ૧૭ લોકોના મોત થયાનું જણાવ્યું છે, જયારે સીએનએને મૃતકોની સંખ્યા ૧૫ જણાવી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, મૃતકોનો આંક ૧૭ને આંબી ગયો છે. ડિસ્ટ્રિકટ શેરિફના જણાવ્યા અનુસાર, સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના પાર્કલેન્ડની માર્જરી સ્ટોનમેન ડગલસ હાઈસ્કૂલમાં થઈ છે. આ શહેર મિયામીથી ૮૦ કિલોમીટર ઉત્તરમાં આવેલું છે.

આ ઘટનામાં ૧૪ લોકો ઘાયલ થયા છે, જેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાર્કલેન્ડના મેયર ક્રિસ્ટિન હન્સચોફસ્કીએ સીએનએનને જણાવ્યું હતું કે, અમારા માટે આ દુઃખદ સમય છે. તેમણે કેટલાક સ્ટૂડન્ટ્સ સાથે પોતે વાત કરી હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે સ્ટૂડન્ટ્સ ખૂબ જ ડરેલા છે, અને તેઓ સ્કૂલની બહાર આવ્યા ત્યારે પણ આઘાતમાં હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ઘટના પર પોતાની સંવેદના વ્યકત કરી છે. તેમણે લખ્યું છે કે, મારી પ્રાર્થના અને સંવેદના ફલોરિટામાં થયેલા ફાયરિંગના પીડિતો અને તેમના પરિવાર સાથે છે. ગન કંટ્રોલનું અભિયાન ચલાવી રહેલી એક સંસ્થાના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી ૨૦૧૩થી દેશભરની સ્કૂલોમાં ફાયરિંગની ૨૮૩ ઘટનાઓ બની ચૂકી છે. મતલબ કે, આવી ઘટના છેલ્લા પાંચ વર્ષથી સપ્તાહમાં એક વાર બની રહી છે, જેનો ભોગ માસૂમ વિદ્યાર્થીઓ બની રહ્યા છે.

૨૦૧૭માં પણ અમેરિકામાં ગોળીબારની અનેક ઘટનાઓ ઘટી હતી. આડેધડ ફાયરિંગના કિસ્સાઓ બાદ દેશમાં હથિયાર રાખવાને લઈને કડક કાયદો બનાવવાની ચર્ચા ફરી શરૂ થઈ શકે છે. અમેરિકામાં દર વર્ષે ૩૩ હજાર લોકો ફાયરિંગ સાથે સંકળાયેલી ઘટનાઓમાં મોતને ભેટે છે.(૨૧.૫)

(11:22 am IST)