Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ટીવી, ફોન કે ફ્રીઝ ગમે છે? અત્યારે ખરીદી લો, પૈસા પછી આપજો

સ્માર્ટ ફોન, ટીવી, ફ્રીઝ વગેરેના વેચાણમાં મંદી આવતા કંપનીઓ હવે ગ્રાહકો માટે હમણા ખરીદો, પૈસા પછી આપજો જેવી આકર્ષક સ્કીમો લઈને આવી રહી છે

કલકત્ત્।ા: સ્માર્ટ ફોન, ટીવી, ફ્રીઝ વગેરેના વેચાણમાં મંદી આવતા કંપનીઓ હવે ગ્રાહકો માટે હમણા ખરીદો, પૈસા પછી આપજો જેવી આકર્ષક સ્કીમો લઈને આવી રહી છે. આ સ્કીમ અંતર્ગત માલ ખરીદ્યા પછી તરત EMIનું ભારણ નહિ આવી પડે. ગ્રાહક ચીજ ખરીદ્યાના થોડા મહિના પછી પણ પૈસા ચૂકવવાનું ચાલુ કરી શકશે.

ઈલેકટ્રોનિકસ ઈન્ડસ્ટ્રીના ત્રણ ટોચના એકિઝકયુટિવ્ઝનું કહેવું છે કે અગાઉ આવી સ્કીમ માત્ર રિયલ એસ્ટેટ ક્ષેત્રે જોવા મળતી હતી પરંતુ હવે બજાજ ફાયનાન્સ, કેપિટલ ફર્સ્ટ, હોમ ક્રેડિટ ઈન્ડિયા જેવી નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની પણ ખરીદદારોને ઈલેકટ્રોનિક ગેઝેટ્સ જેવા વ્હાઈટ ગુડ્સ ખરીદવા આકર્ષવા માટે આવી સ્કીમ્સ લઈને આવી રહી છે.

આ ઉપરાંત રિપેમેન્ટની શરતો ૨૪ મહિનાથી લંબાવી ૩૦ મહિના કરી દેવાઈ છે. NBFC ફાયનાન્સિંગના વિકલ્પો અગ્રણી રાષ્ટ્રીય અને સ્થાનિક રિટેલ ચેઈન સાથે મળીને ગ્રાહકો સમક્ષ રજૂ કરી રહી છે.એમેઝોન અને ફિલપકાર્ટ જેવા ઈકોમર્સ માર્કેટનો પણ આ સ્કીમ દર્શકો સુધી પહોંચાડવા માટે ધૂમ ઉપયોગ થઈ રહ્યો છે.

બજાજ અને કેપિટલ ફર્સ્ટ સાથે કામ કરતી રિટેલ ચેઈન ગ્રેટ ઈસ્ટર્ન એપ્લાયન્સીસના ડિરેકટર પુલકિત બૈદે જણાવ્યું, 'આ ગ્રાહકોને ખરીદીનો નિર્ણય લેવા આકર્ષવા માટે છે.' આ સ્કીમમાંથી ગ્રાહકોને જ ફાયદો થશે. તે મિડિયમથી માંડી પ્રીમિયમ સેગમેન્ટના સ્માર્ટફોનનું વેચાણ પણ વધારશે. કેટલીક કન્ઝયુમર ફાયનાન્સ કંપનીઓ આવા પ્લાન પાછળ થતો ખર્ચો પણ પોતે માથે ઉઠાવે છે.

ટીવીના વેચાણમાં ઓકટોબરથી જંગી ઘટાડો આવ્યો છે. જયારે વોશિંગ મશીન અને ફ્રીઝના વેચાણમાં પણ ૨થી ૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. કંપનીઓનું માનવું છે કે તેમની ઈન્ડસ્ટ્રી પર હજુ પણ નોટબંધીની અસર છે. બીજી ઈલેકટ્રોનિક આઈટમ્સ કરતા સ્માર્ટ ફોનના વેચાણમાં ૧૦થી ૧૨ ટકાનો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ નવા લોન્ચ થયેલા ફોન, પ્રમોશન અને ડિસ્કાઉન્ટ છે. જો કે જાન્યુઆરી પછી સ્માર્ટફોનનું વેચાણ પણ થોડુ ઘટ્યુ છે. કંપનીઓનું માનવું છે કે આવા સમયે ગ્રાહકોને ખરીદી વખતે પૈસા ચૂકવવામાં રાહત અપાય તો વેચાણ વધે તેમ છે. રિઝર્વ બેન્કના ડેટા અનુસાર ગ્રાહકોને આપાતી કન્ઝયુમર લોનમાં પણ ઘટાડો થયો છે. મર્ચ ૨૦૧૭માં લોન ૨૦,૮૦૦ કરોડ જેટલી હતી જે હવે ઘટીને ૧૮,૨૦૦ કરોડ થઈ ગઈ છે.

(4:41 pm IST)