Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ગુજરાતના બેરોજગારને મળશે રૂ.૩૦૦૦થી રૂ. ૧૦૦૦૦ સુધીનું ભથ્થું

પહેલા વર્ષે ૧ લાખ યુવાનોને મળશે લાભઃ કેન્દ્રની મદદથી કરાશે યોજના સાકાર

નવી દિલ્હી તા. ૧૪ : ગુજરાત રાજયમાં નજીકના ભૂતકાળમાં યોજાયેલ ચૂંટણીમાં વિરોધ પક્ષ કોંગ્રેસે બેરોજગારીના મુદ્દે ભાજપને બેકફૂટ પર મોકલી દીધું હતું. રાજયમાં સતત વધી રહેલા બેરોજગારી આંકને લઈને છેલ્લા ૨૨ વર્ષથી સત્તામાં રહેલું ભાજપ સવાલોના ઘેરમાં છે. ત્યારે નવી ભાજપ સરકારે રાજયમાં બેરોજગારી ભથ્થુ અને યુવાનોને સ્કિલ ટ્રેનિંગ માટે રૂ. ૩૦૦૦થી રૂ.૧૦૦૦૦ સુધીનું માસિક ભથ્થુ અથવા સ્ટાઇપેન્ડ આપવા ગંભીરતાથઈ વિચારી રહી છે.

 

રાજય સરકારના આ પગલાને શિક્ષિત અને થોડુંઘણું બેરોજગાર યુવાનો વચ્ચે વ્યાપેલા અસંતોષને ઓછો કરવાનો પ્રયાસ ગણવામાં આવી રહ્યો છે. શ્રમ અને રોજગાર વિભાગના પ્રધાન દિલિપ ઠાકોરે કહ્યું કે, 'પહેલા વર્ષે ઓછામાં ઓછા ૧ લાખ યુવાનો આ યોજનાથી લાભાન્વિત થાય તેવી અમારી ઇચ્છા છે.'

 

તેમણે કહ્યું કે, 'રાજય સરકાર કેન્દ્ર સાથે મળીને બેરોજગાર શિક્ષિત યુવાનો અને અક્ષરજ્ઞાન ધરાવતા યુવાનોને ટેકિનકલ અને નાણાંકીય મદદ મળી રહે તે માટે એક યોજના તૈયાર કરશે. જે અંતર્ગત પહેલા વર્ષે ઓછામાં ઓછા ૧ લાખ યુવાનોને પ્રાઇવેટ સેકટરમાં જોબ મળી રહે તે માટે ટ્રેનિંગ દેવામાં આવશે.'

આગામી બજેટમાં આ માટે સરકાર ખાસ બજેટરી પ્રોવિઝન લઈને આવશે. સૂત્રો મુજબ બેરોજગાર યુવાનોને ૧ વર્ષ સુધી સ્ટાઇપેન્ડ અને સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ માટે સરકાર પ્રાઇવેટ કંપનીઓ સાથે કોન્ટ્રાકટ કરશે. જે યુવાનોને ઓન-જોબ ટ્રેનિંગ આપશે અને સાથે ટોકન મની પણ આપશે.

ઠાકોરે કહ્યું કે, 'કોઈપણ કંપનીમાં નોકરી લાગે ત્યારે તેના નવા એમ્પ્લોયીને ટ્રેનિંગ આપવા પાછળ તેઓ ખર્ચો કરતા જ હોય છે. જયારે અહીં તેમને ખૂબ જ ઓછા ખર્ચામાં તેમની કંપનીના કામને અનુરુપ વર્કફોર્સ મળી રહેશે અને યુવાનોને રોજગાર મળી રહેશે.'

એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, 'આ યોજનાને સાકાર કરવા નાણાંકીય અને ટેકિનકલ મદદ માટે અમે કેન્દ્ર સરકારનો સંપર્ક સાધ્યો હતો. જયારે રાજય સરકાર આ યોજના માટે રૂ. ૩૫૦ કરોડનું ફંડ ફાળવશે.' (૨૧.૮)

(12:39 pm IST)