Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ડુ યુ વેલેન્ટાઇન મી...

... એમ પૂછીને થાય નહી પ્રેમ!! દરિયાના મોજા કંઇ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ... એમ પૂછીને થાય નહી પ્રેમ...

પ્રેમ... અઢી અક્ષરના આ શબ્દને ઘૂંટવાનો સમય ફરી આવી ગયો છે. ફરી પ્રેમની મોસમ જામવાની છે, દરેકના દિલમાં, વાતાવરણમાં પ્રેમ પ્રસરી જશે. ફરી ગીફટ, કાર્ડની મોસમ, બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને શું ગીફટ આપવી, ઘરે શું બહાનુ કરીને મળવા માટે જવુ, કયા શોની ટિકીટ લેવી તો અનૂકુળ રહેશે, ફલાવર્સ લેતા કોઇ જોઇ તો નહી જાય ને. દિલના ધક ધક ધબકતા ધબકારા વચ્ચે પણ વેલેન્ટાઇન ડે મનાવવાની મજા કંઇક અલગ જ હોય છે. પણ તમને સાચો પ્રેમ થઇ જાય, તમારી લાગણી કોઇને વ્યકત કરવી હોય તો શું ખરેખર ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેની રાહ જોવી જરૂરી છે?

પ્રેમમાં વેલેન્ટાઇન ડે કે કાર્ડ કે કેલેન્ડરની જરૂર નથી, તે કોઇ દિવસ કે ઋતુની રાહ નથી જોતો. અને પ્રેમ કોઇ છોકરા અને છોકરી વચ્ચે જ થોડી થાય. પ્રેમ તો કોઇની પણ સાથે થઇ શકે છે. ભાઇ-બહેન, માતા-પિતા, ફ્રેન્ડ્સ કોઇની પણ સાથે થઇ શકે છે, પ્રેમની કોઇ જ સીમા નથી. શરીરથી આત્મા સુધીની યાત્રા, એકમેકના મન સુધી જવાની સફરમાં માણસ કયાં ખોવાઇ જાય છે એ એને જ ખબર નથી રહેતી. માણસ તેની જાતને, તેની પસંદને સામેવાળી વ્યકિતની પસંદમાં ઢાળી દે છે. સામેવાળી વ્યકિતને જે પસંદ હોય એ તેની પસંદ પણ બની જાય છે. પ્રેમ માપવાની નહીં પણ કંઇક આપીને પામવાની બાબત છે.

રેડ કલરના ચળકતા પેપરમાં પેક કરેલી ગીફટ કે દિલના આકારવાળુ કિચેઇન કે પછી કેંડલ લાઇટ ડીનર એ તમામથી માણસ પાર થઇ જાય છે જયારે માણસને પ્રેમ થાય છે. હકીકત તો એ છે કે પ્રેમનો થોડો અમથો પણ અનુભવ થાય તો પછી કંઇ લખવામાં તેને બયાં કરવામાં હાંફી જવાય છે તેમ છતાં જે અનુભવ હોય તે તો કયારેય વર્ણવી નથી શકાતો. જયાં સુધી આપણે કોઇ રિલેશનશીપમાં ન હોઇએ ત્યાં સુધી આપણે 'સીધા' ગણાઇએ છીએ. પણ જયારે એકવાર ખબર પડે કે આ છોકરીને આ છોકરો ગમે છે કે પછી આ છોકરાને આ છોકરી ગમે છે, ત્યારે વાત કેરેકટર પર આવે છે બસ બધી કહાની અહીંથી શરૂ થાય છે. છોકરીને મોઢે બુકાની પહેરીને તેના બોય ફ્રેન્ડને મળવા જવુ પડે છે. જયારે સમાજમાં દારૂ, જુગાર રમો, મોટા મોટા કૌભાંડો આચરો ત્યારે કોઇને કંઇ જ શરમ નથી આવતી. ત્યારે કોઇએ મોં બાંધવાની જરૂર નથી પડતી? આ યુગમાં મિત્રને મળવા જવા માટે મોઢે દુપટ્ટો બાંધીને જવુ પડે તે એક શરમજનક બાબત છે. આઇ હેટ હર કે હીમ આપણે જાહેરમાં બોલી શકીએ પરંતુ આઇ લવ હર કે હીમ એ આપણે જાહેરમાં ન બોલી શકીએ.

પ્રેમ એટલે ફકત હું નહીં, પ્રેમ એટલે એ પાત્ર માટેની કાળજી, જવાબદારી, પ્રિયપાત્ર માટે માન અને સંપૂર્ણ સમજ. એટલે જો કોઇ મળવાની ના કહેતુ હોય, ફોન રિસીવ ન કરતુ હોય તો સમજવુ કે કાઇક તકલીફ કે કોઇ મજબૂરી હશે. પ્રેમમાં માણસ સ્ટ્રેસ પણ સહન કરી શકે છે, એ સ્ટ્રેસથી પણ પ્રેમ થઇ જાય છે. તમને માત્ર શારીરિક આકર્ષણ છે તો તેને પ્રેમ ન કહી શકાય. તેને પ્રેમનું નામ આપવુ એ વ્યર્થ છે. વેલેન્ટાઇન દિવસ માત્ર ગીફટ, બહાર હરવા ફરવા જવા માટેનો જ નથી. પરંતુ આ દિવસે તમે એકબીજાને સારી રીતે સમજવાની કોશિશ કરો. એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યકત કરો જો તમે બોલીને વ્યકત ન કરી શકતા હોવ તો લખીને વ્યકત કરો. તમે સામેવાળી વ્યકિત માટે શું વિચારો છો એ તેમને પણ જાણવાનો પૂરેપૂરો હક છે.(૨૧.૬)

(9:46 am IST)