Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ભાજપે ગોરખપુરથી યોગી આદિત્યનાથને ઉતાર્યા ચૂંટણી મેદાને:ગઢમાં ચૂંટણી લડાવવાં પાછળ મહત્વની રણનીતિ

વર્ષ 1967થી લઇને આજ દિન સુધી થયેલી તમામ ચૂંટણીમાં પહેલા ભારતીય જનસંઘ અને હવે ભાજપની ક્યારેય હાર નથી થઇ: ગોરખપુર અને બસ્તી મંડળની 41 બેઠકો પર જીત સુનિશ્ચિત કરવા સહિતના જાણો કારણો

નવી દિલ્હી :ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તે જાણવાની સૌ કોઇને ઇંતેજારી હતી. પરંતુ ભાજપ દ્વારા યોગી આદિત્યનાથને તેમના જ ગઢ ગોરખપુરથી જ ફરી ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરવામાં આવી હતી

જો કે યોગી અયોધ્યા તેમજ મથુરાથી ચૂંટણી લડશે તેવી અટકળો લગાવાઇ રહી હતી. પરંતુ યોગી ગોરખપુરથી જ ચૂંટણી લડશે તેવા સંકેત ભાજપે અગાઉ જ આપી દીધા હતા

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીની દશા અને દિશા નક્કી કરનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સમર્થકો ઉપરાંત રાજકીય નિષ્ણાંતોને પણ એ જાણવાની તાલાવેલી હતી. કે આખરે યોગી આદિત્યનાથ કઇ બેઠક પરથી ચૂંટણી લડશે. આખરે ભાજપે યોગી આદિત્યનાથની બેઠક જાહેર કરી. ન તો એ ભગવાન રામની નગરી અયોધ્યા છે. કે ન તો ભગવાન કૃષ્ણની ભૂમિ મથુરા છે. એ છે યોગી આદિત્યનાથનો પોતાનો ગઢ. એટલે કે ગોરખપુર. નાથ સંપ્રદાયના ગુરૂ ગોરખનાથની નગરી. ગોરખપુર.

ગોરખપુર બેઠકને ભારતીય જનતા પાર્ટીનો અજેય ગઢ માનવામાં આવે છે. વર્ષ 1967થી લઇને આજ દિન સુધી થયેલી તમામ ચૂંટણીમાં પહેલા ભારતીય જનસંઘ અને હવે ભાજપની ક્યારેય હાર નથી થઇ. ગોરખપુર બેઠક પર છેલ્લી 4 વિધાનસભા ચૂંટણી એટલે કે વર્ષ 2002. 2007. 2012 અને 2017માં રાધા મોહનદાસ અગ્રવાલ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવતા રહ્યા છે. પરંતુ ભાજપે આ વખતે તેની ટિકીટ કાપી છે. અને આ માટે ભાજપ પાસે કેટલાક મહત્વના કારણો પણ છે.

ગોરખપુર બેઠક પરથી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને ચૂંટણી લડાવી ભાજપનો પ્રયાસ ગોરખપુર અને બસ્તી મંડળની 41 બેઠકો પર જીત સુનિશ્ચિત કરવાનો છે. વર્ષ 2017ની ચૂંટણીમાં અહીં 41 પૈકી 37 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. ગોરખપુર જિલ્લાની 9 પૈકી 8 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. આવા સંજોગોમાં વર્ષ 2017ની ભવ્ય સફળતાનું પુનરાવર્તન કરવાની જવાબદારી હવે યોગી આદિત્યનાથના શિરે રહેશે.

યોગીની અયોધ્યા અને મથુરાથી ચૂંટણી લડવાની પણ અટકળો હતી. જો કે ભાજપે અગાઉ જ સંકેત આપી દીધો હતો કે સીએમ યોગી ગોરખપુર શહેર બેઠક પરથી જ ચૂંટણી લડી શકે છે. ઓક્ટોબર-2021માં યોગીને ગોરખપુર બેઠક પર પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા. યોગીને બૂથ નંબર 246માં પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા. ત્યારથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે યોગી આદિત્યનાથ ગોરખપુરથી ચૂંટણી લડી શકે છે. ભાજપના સાંસદો. ધારાસભ્યો અને પદાધિકારીઓને તેમના મત વિસ્તારમાં પેજ પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી રહી હતી. એ સમયે જ મુખ્યપ્રધાન યોગીને પણ પેજ પ્રમુખ બનાવ્યા. આથી જાણકારો અનુમાન લગાવતા હતા કે યોગી તેમના ગઢમાં જ ચૂંટણી લડશે. અને આખરે તેમનું અનુમાન સાચું પડ્યું છે

(12:20 am IST)