Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

રૂપિયાને નબળો પડતો રોકવા રિઝર્વ બેન્ક દ્વારા કરન્સી માર્કેટમાં યુએસ ડોલરનું વેચાણ કરાયું

છેલ્લા બે મહિનાથી ભારતના વિદેશી હૂંડિયામણાં સતત ઘટાડો

નવી દિલ્હી :છેલ્લા બે મહિનાથી ભારતના વિદેશી હૂંડિયામણાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને તેની પાછળનું કારણ ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડો તેમજ રિઝર્વ બેન્ક દ્વારા ડોલરની વેચવાલી હોવાનું જણાવાય છે. તાજેતરમાં રિઝર્વ બેન્ક દ્વારા કરન્સી માર્કેટમાં યુએસ ડોલરનું વેચાણ કરવામાં આવ્યુ હોવાનુ જણાય છે.

અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે, જેને રોકવા માટે રિઝર્વ બેન્કને પોતાના વિદેશી હૂંડિયામણના ફોરેન કરન્સી એસેટ્સમાં રહેલા યુએસ ડોલરનું કરન્સી માર્કેટમાં વેચાણ કરવાની ફરજ પડી રહી છે. વિદેશી હૂંડિયામણમાં રહેલી ડોલર કરન્સીનું વેચાણ કરીને રિઝર્વ બેન્ક ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડો કરવાની કોશિશ કરે છે. ઉપરાંત નિકાસકારો તરફથી ડોલરની માંગને પૂરી કરવા માટે પોતાની પાસે રહેલા ડોલર વેચ્યા છે.

અત્રે નોંધનિય છે કે, ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ફોરેન કરન્સી એસેટ્સમાં સૌથી વધુ હિસ્સેદારી ધરાવે છે. ડોલર ઉપરાંતની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ ફોરેન કરન્સી એસેટ્સ પર થાય છે.

ભારતીય મધ્યસ્થ બેન્કના આંકડા મુજબસ 7 સાત જાન્યુઆરી 2022ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન દેશનું ફોરેક્સ રિઝર્વ 89.7 કરોડ ડોલર ઘટીને 632.7 અબજ ડોલર થયુ છે, આ ઘટાડાનું કારણ ગોલ્ડ રિઝર્વ અને ફોરેન કરન્સી એસેટ્સમાં ધોવાણ છે. સમીક્ષાધીન સમયગાળામાં વિદેશી હૂંડિયામણના મુખ્ય ભાગ રહેલા ફોરેન કરન્સી એસેટ્સ 49.7 કરોડ ડોલર ઘટીને 569.39 કરોડ ડોલર થયુ હતુ. તો ગોલ્ડ રિઝર્વ પણ 36 કરોડ ડોલરના ઘટાડામાં 39.04 અબજ ડોલર નોંધાયુ છે.

નોંધનિય છે કે, ભારતનું વિદેશી હૂંડિયામણ 2021માં 3 સપ્ટેમ્બરના રોજ 642.45 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યુ હતુ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ્સમાં ભારતના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ 1.6 કરોડ ડોલર ઘટીને 19.09 અબજ ડોલર અને દેશની રિઝર્વ પોઝિશન 50 લાખ ડોલરના ઘટાડે 5.02 અબજ ડોલરે આવી ગઇ હતી.

(9:34 pm IST)