Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

વાહનોના વેચાણમાં ધરખમ ઘટાડો

વિશ્વમાં પાંચમાં નંબરનું વાહન માર્કેટ છે ભારત

મુંબઇ તા. ૧૫ : વિશ્વના પાંચમાં નંબરના સૌથી મોટા વાહન બજાર ભારતમાં ચાલુ નાણાકીય વર્ષના ઓકટોબર ડીસેમ્‍બર ત્રિમાસીકમાં વાહનોનું વેચાણ છેલ્લા કેટલાય વર્ષોના નીચલા સ્‍તરે રહ્યું. મહામારીના કારણે સપ્‍લાય અને માંગને અસર થવાના કારણે વાહનોના વેચાણ પર અસર થઇ છે. વાહન ઉત્‍પાદકોના સંગઠન સાયમે કહ્યું કે, કાચા માલની કિંમતોમાં સતત વધારાની સાથે સુરક્ષા અને પ્રદૂષણના નિયમોના કારણે ભાવો પણ વધારવા પડયા છે જેના કારણે વાહનોના વેચાણને માર પડયો છે. સાયમે કહ્યું કે, ચાલુ ત્રિમાસિક અપેક્ષા કરતા સારૂં રહેવાની આશા છે પણ મહામારી અંગે અનિヘતિતા જોતા કોઇ અનુમાન કરવાનું તેણે બંધ કરી દીધું છે.
ડીસેમ્‍બરમાં બધી શ્રેણીના વાહન ડીલરો પાસે વેચાણ અથવા સપ્‍લાય ઘટીને ૧૨,૫૩,૬૦૪ વાહનોનું રહ્યું હતું, જે ગયા વર્ષે આ સમય દરમિયાન ૧૪,૦૩,૩૯૧ હતું. ડીસેમ્‍બર ૨૦૧૯માં ૧૩,૨૬,૫૯૪ વાહનોનું વેચાણ થયું હતું. ૨૦૧૭ના ડીસેમ્‍બર ત્રિમાસીકથી લઇને ૨૦૨૧ના ડીસેમ્‍બર ત્રિમાસીક સુધી પેસેન્‍જર વાહનોના સીએજીઆરમાં ૦.૪૭ ટકા ઘટાડો થયો છે. થ્રી વ્‍હીલરની વાત કરીએ તો તેમાં ૧૬.૧૯ ટકા અને દ્વિચક્રી વાહનોમાં ૬ ટકાનો ઘટાડો થયો છે.
સાયમના અધ્‍યક્ષ કેનિચી આયુકાવાએ કહ્યું, ‘ચાલુ નાણાકીય વર્ષનો ત્રીજો ત્રિમાસીક ગાળો મોટાભાગની વાહન શ્રેણીઓમાં આશાને અનુરૂપ નથી રહ્યો. તહેવારોની સીઝન પણ ગત વર્ષોની સરખામણીમાં નબળી રહી. મહામારીની બીજી લહેર પછી તરત માંગમાં તેજી આવી હતી પણ ઉદ્યોગને સેમીકન્‍ડકટરની અછત સામે લડવું પડયું. નિયમન તથા કાચા માલના ભાવમાં તેજીના કારણે પ્રાથમિક સ્‍તરના ગ્રાહકો માટે વાહનોની કિંમત બહુ વધી ગઇ છે.'
આયુકાવાએ કહ્યું કે, આના લીધે ત્રીજા ત્રિમાસીકમાં પેસેન્‍જર વાહનોનું વેચાણ પાંચ વર્ષના નિચલા સ્‍તરે પહોંચી ગયું છે. જ્‍યારે દ્વિચક્રીનું વેચાણ ૯ વર્ષના તળીયે અને કોમર્શિયલ વાહનોનું વેચાણ ૫ વર્ષના સ્‍તરે તથા ત્રણ પૈડાના વાહનોનું વેચાણ ૧૩ વર્ષના નીચલા સ્‍તરે પહોંચી ગયું છે.

 

(3:53 pm IST)