Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

જયારે એક સેક્‍સ વર્કર સંબંધ માટે ના પાડી શકે તો પત્‍ની કેમ નહીં ? કોર્ટની ટકોર

હાઈકોર્ટ દ્વારા મેરિટલ રેપની અરજીઓ પર સુનાવણી કરતી વખતે મહત્‍વની ટિપ્‍પણી કહી : પતિ જબરજસ્‍તી સંબંધ બનાવે તો પત્‍ની કાયદાકીય મદદ લઈ શકે છેઃ કોર્ટ

નવી દિલ્‍હી,તા.૧૫: દિલ્‍હી હાઈકોર્ટે મેરિટલ રેપની અરજીઓ પર સુનાવણી કરતી વખતે એક મહત્‍વની ટિપ્‍પણી કરી છે. મંગળવારે કોર્ટે પૂછ્‍યું કે, કઈ રીતે એક પરિણીત મહિલાને સેક્‍સની ઈચ્‍છા નહીં હોવાના અધિકારથી વંચિત રાખી શકાય. જયારે કે બીજાની સહમતિ વગર સંબંધ બાંધવા પર બળાત્‍કારની ફરિયાદ નોંધાવવાનો અધિકાર છે.
દિલ્‍હી હાઈકોર્ટના જજ રાજીવ શકધર અને જજ હરિ શંકર અરજીઓ પર સુનાવણી કરી રહ્યા હતા. આ દરમિયાન બેંચે ટિપ્‍પણી કરી હતી. જસ્‍ટિસ શકધરે કહ્યું કે સેક્‍સ વર્કર્સને પણ પોતાના ગ્રાહકોને ના કહેવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે જયારે પતિની વાત આવે છે તો એક મહિલાને કે જે એક પત્‍ની પણ છે, તેને આ અધિકારથી કઈ રીતે દૂર રાખી શકાય? એમિક્‍સ ક્‍યૂરી અને વરિષ્ઠ અધિવક્‍તા રાજશેખર રાવે કહ્યું કે જો કોઈની સાથે જબરજસ્‍તી કરવામાં આવે તો સેક્‍સ વર્કર્સને પણ તે વ્‍યક્‍તિ સામે આરોપ લગાવવાનો અધિકાર છે.
અરજકર્તાઓમાંથી એકે અધિવક્‍તા કરુણા નંદીએ કહ્યું કે લગ્નના મામલે સેક્‍સની આશા છે, માટે સેક્‍સ વર્કર્સ સાથે પણ આવું થાય છે. જોકે, જસ્‍ટિસ શંકરે કહ્યું કે, બન્ને બાબત એક રીતે ના કહી શકાય. તેમણે કહ્યું, તેમાં કોઈ શક નથી કે મહિલાને તકલીફ થઈ છે. પરંતુ તેમાં વ્‍યક્‍તિના પરિણામોને ધ્‍યાનમાં રાખવા જોઈએ જેને ૧૦ વર્ષની સજા થઈ શકે છે.. હું ફરી કહું છું કે ૩૭૫ની જોગવાઈ એ નથી કહેતી કે બળાત્‍કારીને સજા ના કરવી જોઈએ. સવાલ એ છે કે શું તેને બળાત્‍કારીની જેમ જ સજા કરવી જોઈએ?
અઠવાડિયાની શરુઆતમાં દિલ્‍હી હાઈકોર્ટે મંગળવારે કહ્યું હતું કે વિવાહિત અને અવિવાહિત મહિલાઓના સમ્‍માનમાં અંતર ના રાખી શકાય, અને કોઈ મહિલા પરણેલી હોય કે ના હોય તેની સાથે અસહમતિથી બનાવવામાં આવેલા શારીરિક સંબંધને ના કહેવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે મહત્‍વપૂર્ણ વાત એ છે કે એક મહિલા, મહિલા હોય છે અને તેને કોઈ સંબંધમાં અલગ રીતે તોલી ના શકાય. હાઈકોર્ટે કહ્યું, ‘એ કહેવું કે, જો કોઈ મહિલા સાથે તેનો પતિ જબરજસ્‍તી શારીરિક સંબંધ બનાવે છે તો તે મહિલા ઈન્‍ડિયન પીનલ કોડ ૩૭૫ (બળાત્‍કાર)નો સહારો લઈ શકતી નથી, અને તે અન્‍ય ફોજદારી કે દીવાની કાનૂનનો સહારો ના લઈ શકે, તે ઠીક ના કહેવાય.'
મેરિટલ રેપને ગુનો ગણતી અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે પૂછ્‍યું, ‘જો તે પરણિત છે તો તેને ‘ના' કહેવાનો અધિકાર નથી?' જસ્‍ટિસ રાજીવ શકધર અને જસ્‍ટિસ સી. હરિ શંકરની પીઠે કહ્યું કે આઇપીસી ૩૭૫ હેઠળ પતિ પર કાર્યવાહીને લઈને એક દિવાલ ઉભી થઈ ગઈ છે, હવે કોર્ટે એ જોવાનું છે કે આ દિવાલ બંધારણના અનુચ્‍છેદ ૧૪ અને ૨૧નું ઉલ્લંઘન કરે છે કે નહીં?.

 

(10:39 am IST)