Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ધરતીકંપના આચંકાથી ધ્રુજી ઉઠયું પાકિસ્‍તાનઃ રિક્‍ટર સ્‍કેલ પર નોંધાઈ ૫.૬ની તીવ્રતા

જમ્‍મુ-કાશ્‍મીરમાં રિક્‍ટર સ્‍કેલ પર ૫.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો : ઉત્તર ભાગમાં આવેલા ખૈબર પખ્‍તુનખ્‍વા પ્રાંતના ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા

નવી દિલ્‍હી,તા. ૧૫: ગઇ કાલ રાત્રે પાકિસ્‍તાનના ઉત્તરીય ભાગમાં ૫.૬ની તીવ્રતાનો ભૂકંપનો  આંચકો અનુભવાયો હતો. પાકિસ્‍તાનના હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર હાલમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્‍યા નથી. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર દેશમાં ૫.૬ની તીવ્રતાના ભૂકંપનું કેન્‍દ્ર અફઘાનિસ્‍તાન-તાજિકિસ્‍તાન સરહદી વિસ્‍તારમાં ૧૦૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. પેશાવર, માનશેરા, બાલાકોટ અને ચારસદા સહિત ખૈબર-પખ્‍તુનખ્‍વાના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરમાં ગિલગિટ-બાલ્‍ટિસ્‍તાન વિસ્‍તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્‍યું કે હાલમાં કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનના સમાચાર સામે આવ્‍યા નથી.
આ પહેલા ૧ જાન્‍યુઆરીએ પાકિસ્‍તાનમાં પણ ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો હતો.પાકિસ્‍તાનના ઉત્તર ભાગમાં આવેલા ખૈબર પખ્‍તુનખ્‍વા પ્રાંતના ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા પ્રાંતની રાજધાની પેશાવરમાં પણ અનુભવાયા હતા, જેના કારણે અહીં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પાકિસ્‍તાનના હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, ભૂકંપ અફઘાનિસ્‍તાન-તાજિકિસ્‍તાન સરહદે લગભગ ૬.૧૫ વાગ્‍યે આવ્‍યો હતો, જેમાં સ્‍વાત, પેશાવર, લોઅર ડીર, સ્‍વાબી, નૌશેરા, ચિત્રાલ, મર્દાન, બાજૌર, મલાકંદ, પબ્‍બી, અકોરા, ઈસ્‍લામાબાદ રાજધાની અને તેના વિસ્‍તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે જ સમયે, ૮ ડિસેમ્‍બરે, કરાચીના ભાગોમાં ૪.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો હતો.
આ પહેલા મંગળવારે અમેરિકાના અલાસ્‍કામાં ભૂકંપ આવ્‍યો હતો. ભૂકંપના ઘણા આંચકા અહીંના અલેયુટિયન ટાપુઓમાં અનુભવાયા હતા. આમાં સૌથી મજબૂત ભૂકંપ ૬.૮ની તીવ્રતાનો હતો. આમાંના ઘણા ધરતીકંપોનું કેન્‍દ્ર ઉત્તર પેસિફિકમાં સમુદ્રની નીચે હતું, અલાસ્‍કાના ઓછા વસ્‍તીવાળા પ્રદેશમાં આંચકા અનુભવાયા હતા.
અલાસ્‍કાના ધરતીકંપ કેન્‍દ્રના સિસ્‍મોલોજીસ્‍ટ નતાલિયા રુપર્ટે જણાવ્‍યું હતું કે આટલા જોરદાર ભૂકંપો સતત આવતા રહે તે તદ્દન અસામાન્‍ય છે. મોડી રાત્રે લગભગ ૨.૩૬ કલાકે સૌથી ભયાનક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા ૬.૮ હતી અને થોડીવાર બાદ ભૂકંપના આફ્‌ટરશોક પણ અનુભવાયા હતા. તેનું કેન્‍દ્ર નિકોલ્‍સ્‍કીના દક્ષિણપૂર્વમાં લગભગ ૪૦ માઈલ (૬૪ કિમી) હતું. નિકોલ્‍સ્‍કી એ અલાસ્‍કાના ઉન્‍માક આઇલેન્‍ડ પર ૩૯ રહેવાસીઓનો સમુદાય છે.
શુક્રવારે જમ્‍મુ-કાશ્‍મીરમાં રિક્‍ટર સ્‍કેલ પર ૫.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અધિકારીઓએ જણાવ્‍યું કે રાત્રે ૯:૪૩ કલાકે આવેલા આ ભૂકંપનું કેન્‍દ્ર અફદ્યાનિસ્‍તાનના હિન્‍દુકુશ પર્વતોમાં હતું. નેશનલ સેન્‍ટર ફોર સિસ્‍મોલોજી અનુસાર, ભૂકંપની ઊંડાઈ ૮૧ કિમી હતી. ભૂકંપનું કેન્‍દ્ર અફઘાનિસ્‍તાનના ફૈઝાબાદથી ૧૭૭ કિમી દક્ષિણપૂર્વમાં હતું. અધિકારીઓએ જણાવ્‍યું કે ભૂકંપના કારણે જમ્‍મુ અને કાશ્‍મીરમાં અત્‍યાર સુધી કોઈ જાનહાની થઈ નથી.

 

(10:39 am IST)