Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ફાસ્ટેગ ફરજિયાત બન્યુ : કાર ચાલકોમાં ફેલાયેલી નારાજગી

ફાસ્ટેગ નહીં લાગ્યુ હોય તો ડબલ ટોલ ટેક્સ પડશે : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વાહનની લાંબી કતારો : કારચાલકો-ટોલકર્મી વચ્ચે બોલાચાલીના બનાવો

અમદાવાદ, તા.૧૫  : કેન્દ્ર સરકારે તા.૧૫ જાન્યુઆરીથી ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સ ફરજિયાત બનાવ્યું છે. પરંતુ કેન્દ્ર સરકારના આ ઉતાવળિયા નિર્ણયને પગલે વાહનચાલકોમાં ખાસ કરીને કારચાલકોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાયેલી જોવા મળી હતી. લોકોએ કેન્દ્ર સરકાર પર આક્રોશ ઠાલવ્યો હતો કે, વ્યવસ્થિત અને પૂરતા આયોજન વિના આ પ્રકારે તાત્કાલિક ધોરણથી ફાસ્ટેગનો અમલ બિલકુલ ગેરકાયદે અને ગેરવાજબી છે, આ લોકોની હાલાકી અને માનસિક ત્રાસ વધારવાની સરકારની નીતિ છે. લોકોએ ખુલ્લેઆમ કેન્દ્રના નિર્ણયનો વિરોધ કર્યો હતો. કેન્દ્ર દ્વારા અગાઉ તા.૧૫ ડિસેમ્બરથી ફાસ્ટેગ ફરજિયાત કરાયો હતો પરંતુ એક મહિનો મુદ્દત વધારી હતી. અગાઉ ટોલ પર ફાસ્ટેગનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

               આજથી કોઈ વ્યક્તિ પોતાની કારમાં આ ફાસ્ટેગ નહીં લગાવે તો તેણે ડબલ ટોલ ચૂકવવો પડશે. આજથી ટોલ ટેક્સ માટે ફાસ્ટેગ અમલી બનતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વાહનોની લાંબી કતાર લાગી હતી. ફાસ્ટેગની લાઈન પર ફાસ્ટેગ લગાડ્યા વગરના વાહનો પણ ઘૂસતા ટોલ કર્મીઓ સાથે વાહનચાલકોની બબાલના બનાવ સામે આવ્યા હતા. ફાસ્ટેગનું સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. ફાસ્ટેગની માન્યતા ખરીદી પછી ૫ાંચ વર્ષ સુધીની છે. વાહનચાલકોએ આ સમયગાળા દરમ્યાન તેને રિચાર્જ કરાવતા રહેવું પડશે.

            ફાસ્ટેગને નેટબેન્કિંગ, ક્રેટિડ/ડેબિટ કાર્ડ, યૂપીઆઈ અને અન્ય રીતે પણ રિચાર્જ કરી શકાય છે. ફાસ્ટેગ એક રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ છે જે વાહનના વિન્ડશિલ્ડ (આગળના કાચ) પર લગાવવામાં આવે છે, જેથી ગાડી જ્યારે ટોલ પ્લાઝા પરથી પસાર થાય તો પ્લાઝા પરનાં સેન્સર ફાસ્ટેગને રીડ કરી શકે. ત્યાં લાગેલા ઉપકરણ ઓટોમેટિક રીતે ટોલ ટેક્સ વસૂલ કરી લેશે. તેનાથી ડ્રાઈવરનો સમય પણ બચશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઇ)ના આંકડાના દર્શાવ્યા પ્રમાણે, વર્તમાનમાં દેશનાં ૫૩૭ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. ફાસ્ટેગ ખરીદતી વખતે માયફાસ્ટેગ એપની મદદથી બેંક અકાઉન્ટ લિંક કરી શકાય છે. તેમાં યુઝરે વ્હિકલ રજિસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે, ત્યારબાગ ફાસ્ટેગ એક્ટિવેટ થઈ જશે. એપ પર યૂપીઆઈ પેમેન્ટ દ્વારા યુઝર ફાસ્ટેગને રિચાર્જ કરી શકે છે.

(7:54 pm IST)