Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

DSP દેવેન્દરસિંહની ત્રાસવાદી નેટવર્ક મામલે પુછપરછ થઇ

ત્રાસવાદીઓ પાસેથી પૈસા વસુલ કરતા હતા : એનઆઈએ દ્વારા ઉંડી તપાસ : શ્રીનગરમાં આવાસ પર તપાસ કરી અનેક ચીજવસ્તુ જપ્ત થઇ : નવી વિગત ખુલશે

શ્રીનગર, તા. ૧૫ : આતંકવાદી કનેક્શનને લઇને વિવાદોના ઘેરામાં આવેલા દેવેન્દરસિંહ પાસે આતંકવાદી નેટવર્કના સંદર્ભમાં અનેક માહિતી રહેલી છે. તેમની હવે આકરી પુછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએ અને અન્ય ગુપ્તચર સંસ્થાઓ દ્વારા તેમની પુછપરછ ચાલી રહી છે. ડીએસપી દેવેન્દરસિંહ પાસેથી કેટલીક ચોંકાવનારી વિગતો મળી શકે છે. આતંકવાદીઓને પોતાની સાથે લઇને જઈ રહેલા જમ્મુ કાશ્મીરના ડીએસપી દેવેન્દરને લઇને કેટલાક ખુલાસા થઇ રહ્યા છે. કેટલાક ગંભીર આરોપો પણ લાગી રહ્યા છે. દેવેન્દ્ર બનીહાલ સુરંગ પાર કરવા માટે આતંકવાદીઓની પાસેથી પૈસા લઇ રહ્યા હતા. વિવાદોના ઘેરામાં આવેલા દેવેન્દરસિંહ એસઆઈ તરીકે ૧૯૯૦ના શરૂઆતના વર્ષોમાં જમ્મુ કાશ્મીર પોલીસમાં જોડાયા હતા. જમ્મુ કાશ્મીર પોલીસમાં રહ્યા બાદ ૧૯૯૪માં જમ્મુ કાશ્મીર પોલીસની ખુબ જ કુશળ ફોર્સની ટ્રેનિંગ લીધી હતી.

         એસઓજીની સ્થાપના બાદ દેવેન્દરને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન શક્તિના ખોટા ઉપયોગના આક્ષેપ બાદ માર્ચ ૨૦૦૩માં તત્કાલિન મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઇદે એસઓજીને ખતમ કરવાની જાહેરાત કરી હતી. આ ગાળા દરમિયાન એસઓજીના  ૫૩ અધિકારીઓની સામે માનવ અધિકાર ભંગના ૪૯ કેસ દાખલ કરાયા હતા. આમાથી ૨૫ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એસઓજીનો ભંગ કરવામાં આવ્યા બાદ દેવેન્દરને ટ્રાફિક વિભાગમાં મોકલવામાં આવ્યા હતા. મોડેથી અહીંથી તેમને શ્રીનગર પોલીસ કન્ટ્રોલ રુમ સહિત અનેક પદ પર ટ્રાન્સફર કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર પોલીસની એન્ટી હાઈજેકિંગ ટીમમાં પણ ભૂમિક ભજવી હતી. શ્રીનગર એરપોર્ટ પર દેવેન્દર અને આર્મી, ટોચના અધિકારીઓ, નેતાઓ, સાંસદો વચ્ચે એક કનેક્શન તરીકે તેઓ પુરવાર થયા હતા. દેવેન્દર સારીરીતે જાણતા હતા કે, કાશ્મીર કોણ આવી રહ્યા છે. કાશ્મીરમાંથી કોણ જઇ રહ્યા છે.

એસઓજીમાં પોતાની સેવા દરમિયાન દેવેન્દર આતંકવાદીઓની સામે પોતાની કાર્યવાહી માટે જાણિતા હતા. દેવેન્દર કાશ્મીર ખીણમાં ટેરર નેટવર્કના સંદર્ભમાં ઘણી માહિતી ધરાવતા હતા. અનેક વખત વિપરિત સ્થિતિમાં મોરચા સંભાળ્યા હતા. જમ્મુ કાશ્મીર પોલીસની અંદર તેમની છાપ મુંબઈની જેમ જ એક એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે થતી હતી. તમામ વિવાદો છતાં તેઓ લોકપ્રિયતામાં રહ્યા હતા. ૧૧મી જાન્યુઆરીના દિવસે કુલગામ જિલ્લામાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે ઉપર એક કારમાં તેમની ધરપકડ કરાઈ હતી. હિઝબુલ કમાન્ડર સઇદ નવીદ, એક બીજા ત્રાસવાદી રફી રૈદર અને હિઝબુલના અન્ય એક શખ્સ સાથે તેમની ધરપકડ કરાઈ હતી. પુલવામા હુમલામાં ત્રાસવાદીઓની મદદ કરવાનો પણ તેમના ઉપર આક્ષેપ કરાયો હતો જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા. આ સંદર્ભમાં પણ પુછપરછ ચાલી રહી છે. એનઆઈએ દ્વારા ઉંડી પુછપરછ અને તપાસ ચાલી રહી છે. તેમના આવાસ ઉપર પણ તપાસ થઇ છે. શ્રીનગરમાં ઇન્દિરાનગરના તેમના આવાસ ઉપર તપાસ કરવામાં આવ્યા બાદ કેટલીક ચીજવસ્તુઓ મળી આવી છે. તે આતંકવાદીઓના હેન્ડલરો સાથે સંપર્કમાં હતા.

(7:53 pm IST)