Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

હમારા બજાજ... ૧૪ વર્ષ બાદ બજાજ કંપની દ્વારા પોતાની જાણીતી બ્રાન્ડ ચેતકને ઇલેકટ્રીક સ્‍કૂટર સ્‍વરૂપે બજારમાં લોન્ચ કરાયું

નવી દિલ્હી: હમારા બજાજ... હવે ફરીથી તમારી જીભે ચઢવાનો છે. 14 વર્ષ બાદ આજે 14 જાન્યુઆરીએ બજાજે પોતાની સૌથી જાણીતી બ્રાન્ડ ચેતકને બજારમાં ફરીથી લોન્ચ કરી દીધી. આ વખતે કંપનીએ ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર બજારમાં ઉતાર્યું છે. આ વખતે તેની સૌથી મોટી ખાસિયત એ છે કે એકવાર ચાર્જ કરો તો આ સ્કૂટર 95 કિમી દોડે છે. ગ્રાહક નવું ચેતક સ્કૂટર માત્ર 2000 રૂપિયામાં બુક કરાવી શકે છે.

આ છે ચેતકની નવી કિંમત

શાનદાર પરફોર્મન્સ આપવા માટે કંપનીએ ચેતકના લુક પર ખુબ મહેનત કરી છે. તેને અર્બન લુકની સાથે જ ખુબ સ્મુધ અને ડિજિટલ ફિચરથી લેસ કરાયું છે. કંપનીએ ચેતકની એક્સ-શોરૂમ પ્રાઈઝ એક લાખ રૂપિયા રાખી છે. સાથે જ બુકિંગની કિંમત માત્ર 2000 રૂપિયા છે. નવું સ્કૂટર પુણે અને બેંગ્લુરુથી લોન્ચ થઈ રહ્યું છે.

અનેક આકર્ષક ફીચર

આ ઈલેક્ટ્રીક સ્કૂટરની ખાસ વાત એ છે કે સિંગલ ચાર્જમાં લગભગ 95 કિમી દોડશે પરંતુ આ સાથે જ બાઈકમાં એલઈડી લાઈટ્સ પણ લગાવવામાં આવી છે. તથા તે ડિજિટલ મીટિર, પ્યોર રેટ્રો થીમ અને એલઈડી ટર્ન ઈન્ડિકેટરથી સુસજ્જિત હશે. આ સાથે જ તેમાં અલોય વ્હિલ હશે. પહેલીવાર તેમા રિવર્સ ડ્રાઈવિંગ ફિચર પણ સામેલ કરાયા છે. તેમાં ડિજિટલ ડિસપ્લેથી તમે સ્પીડ, બેટરી લેવલ, રાઈડિંગ મોડ, ટાઈમ, રેન્જ જેવી જરૂરી જાણકારીઓ જોઈ શકશો.

સમયનો ખાસ રખાયો છે ખ્યાલ

અત્રે જણાવવાનું કે બજાજના અત્યંત લોકપ્રિય સ્કૂટર ચેતકનું વેચાણ 14 વર્ષ પહેલા બંધ કરી દેવાયું હતું. કંપની છેલ્લા બે મહિનાથી આ નવા સ્કૂટરને લોન્ચ કરે તેવી અટકળો હતી. પરંતુ 14 નંબરનો સંયોગ જોતા કંપનીએ તેને બજારમાં ઉતારવા માટે 14 જાન્યુઆરી નક્કી કરી નાખી. કંપનીને આશા છે કે હાલના ઈલેક્ટ્રીક સ્કૂટર બજારમાં તે શાનદાર પ્રદર્શન કરશે.

(4:45 pm IST)