Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ભારતીય સેના દેશની મૂલ્યવાન સંસ્થાઃ ચીન-પાકિસ્તાન સરહદ પર તૈનાત સૈનિકો સતર્ક રહેઃ જનરલ નરવણે

આજે ૭૩મો આર્મી-ડેઃ સીડીએસ બિપીન રાવત, સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણે, નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ અને વાયુસેના પ્રમુખ ભદૌરીયાએ શહીદોને શ્રધ્ધાંજલી આપી : ભારતની સેના મા ભારતીની આન,બાન,શાન છે. આર્મી ડે અવસરે હું દેશના બધા સૈનિકોના અદમ્ય સાહસ, શોર્ય અને પરાક્રમને સલામ કરૂ છું : નરેન્દ્રભાઇ

 નવી દિલ્હીઃ દેશ આજે ૭૨માં સેના દિવસની ઉજવણી કરી રહ્યો છે. સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું ભારતીય સેના દેશની મૂલ્યવાન સંસ્થા છે. આ અવસરે દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં પરેડ યોજાયેલ. જેમાં સેનાના મહિલા કેપ્ટન તાનિયા શેરગિલ પુરુષ બટાલિયન નેતૃત્વ કરેલ.

તાનિયા ૨૦૧૭માં ચેન્નાઈની ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં જોડાઈ હતી. તેમણે ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશનમાં બી ટેક કર્યું છે. તેમના પિતા, દાદા અને પરદાદા પણ સેનામાં સેવા આપી ચુકયા છે. તે ચોથી પેઢીની પહેલી મહિલા અધિકારી છે, જે પુરુષોના પરેડનું નેતૃત્વ કરશે. ગત વર્ષે કેપ્ટન ભાવના કસ્તૂરીએ ગણતંત્ર દિવસ પર પુરુષ બટાલિયનનું નેતૃત્વ કર્યું હતું.

સેના દિવસની મોડી સાંજે જવાનોને સંબોધિત કરતા જનરલ નરવણે કહ્યું કે,ભારતીય સેના યુદ્ઘ સંગઠન અથવા રાષ્ટ્રીય શકિતનું સાધન નથી.તેનું દેશમાં એક વિશેષ સ્થાન છે.

ચીન પાકિસ્તાન સરહદ પર તહેનાત સૈનિકો અને કાશ્મીરમાં 'પ્રોકસી વોર'લડનારાઓએ સતર્ક રહેવું જોઈએ. જવાનોની તમામ જરૂરિયાતો કોઈ પણ કિંમતે પુરી કરવામાં આવશે.

 ફીલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાના સન્માનમાં દર વર્ષે ૧૫ જાન્યુઆરીએ સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. કરિયપ્પા ભારતીય સેનાના પહેલા કમાંડર-ઈન-ચીફ હતા. તેમણે ૧૯૪૭ના ભારત-પાકિસ્તાન યુદ્ઘ દરમિયાન પશ્વિમ સરહદ પર ભારતીય સેનાનું નેતૃત્વ કર્યું હતું. કરિયપ્પાએ ૧૫ જાન્યુઆરી ૧૯૪૯ના રોજ સર ફ્રાંસિસ બુચર પાસેથી ચાર્જ સંભાળ્યો હતો.

નરેન્દ્રભાઇએ પણ ટવીટ દ્વારા ૭૨માં સેના દિવસની વધામણી આપી હતી. ટવીટમાં તેમણે જણાવેલ કે ભારતની સેના મા ભારતીની આન,બાન,શાન છે. આર્મી ડે અવસરે હું દેશના બધા સૈનિકોના અદમ્ય સાહસ, શોર્ય અને પરાક્રમને સલામ કરૂ છું.

(3:38 pm IST)