Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

અમિતાભ-જયાનાં વેવાણ રિતુ નંદાનું નિધનઃ દિલ્હીમાં અંતિમ સંસ્કાર

રિતુ નંદા બોલીવૂડના શોમેન સ્વ. રાજકપૂરના પુત્રી હતાં અને અભિનેતાઓ રણધીર, રિશી અને રાજીવ કપૂર, અને રીમાનાં બહેન હતાં

નવી દિલ્હી, તા.૧૫: બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન અને એમના પત્ની જયા બચ્ચનનાં વેવાણ, અમિતાભ-જયાનાં પુત્રી શ્વેતાનાં સાસુ રિતુ નંદાનું કેન્સરની બીમારીને કારણે સોમવારે રાતે નિધન થયું હતું. આજે બપોરે દિલ્હીના લોધી રોડ સ્મશાનભૂમિ ખાતે એમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રિતુ નંદા ૭૧ વર્ષનાં હતાં.

રિતુ નંદા જાણીતા ઉદ્યોગપતિ રાજન નંદા (એસ્કોર્ટ્સ ગ્રુપનાં વડા)ને પરણ્યાં હતાં. એમનાં પુત્ર નિખિલ નંદા સાથે શ્વેતાનાં લગ્ન થયાં છે. રિતુ નંદાનાં પરિવારમાં પુત્ર નિખિલ પુત્રવધુ શ્વેતા, પુત્રી નતાશા અને પૌત્ર-પૌત્રી છે.

અંતિમ સંસ્કાર વખતે અમિતાભ બચ્ચન, શ્વેતાનો ભાઈ અભિષેક, અભિષેકની પત્ની ઐશ્વર્યા, શ્વેતાની પુત્રી નવ્યા નવેલી અને પુત્ર અગસ્ત્ય, કપૂર પરિવારનાં સભ્યો, રિશી કપૂરની પુત્રી રિદ્ઘિમા કપૂર-સાહની હાજર રહ્યાં હતાં.

રિતુ નંદા રિતુ નંદા ઈન્શ્યોરન્સ સર્વિસીસ કંપનીનાં ચેરપર્સન હતાં. એમણે વીમા ક્ષેત્રમાં અનેક વિક્રમો સજર્યાં હતાં અને ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) તરફથી શ્નબેસ્ટ ઈન્શ્યૂરન્સ એડવાઈઝર ઓફ ધ ડેકેડલૃસહિત અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યાં હતાં.

રિતુ નંદાએ એક જ દિવસમાં ૧૭ હજાર પેન્શન પ્લાન પોલિસીઓ વેચીને વિક્રમ સજર્યો હતો. એ માટે એમનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સામેલ થયું છે.

છેલ્લા ચાર દાયકાથી રિતુ નંદા બોલીવૂડની ટોચની હસ્તીઓ માટે વીમા સલાહકાર તરીકેની પ્રતિષ્ઠા પામ્યાં હતાં. એમણે આશરે કરોડો રૂપિયાની રકમની વીમા પોલિસીઓ કઢાવી આપી હતી.

રિતુ નંદાએ એમનાં દંતકથાસમાન પિતા રાજકપૂર વિશે સત્તાવાર જીવનચરિત્ર પુસ્તક પણ લખ્યું હતું – 'રાજ કપૂરઃ ધ વન એન્ડ ઓન્લી શોમેન'. એ પુસ્તકને રશિયન ભાષામાં પણ અનુવાદિત કરવામાં આવ્યું હતું જેની એક લાખ કોપી રશિયામાં વેચાઈ હતી.

(12:00 pm IST)