Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ડુંગળીની સરકારી કિંમત કિલોના ૨૨ રૂપિયા પણ લોકોને મળી રહી છે ૭૦ રૂપિયામાં

નવી દિલ્હી, તા.૨૨: કેન્દ્રીય ખાદ્ય અને આપૂર્તિ મંત્રી રામવિલાસ પાસવાને મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ડુંગળીની ઉપલબ્ધતા અને કિંમતોની જાણકારી આપતા કહ્યું હતું કે સરકાર લોકોને મોંદ્યવારીથી રાહત આપતા હવે માત્ર ૨૨ રૂપિયા પ્રતિ કિલોની કિંમતથી ડુંગળી આપવામાં આવી રહી છે. જોકે રિટેલમાં હજુ પણ કિંમતો ૭૦ રુપિયા પ્રતિ કિલો છે. કેન્દ્ર સરકાર તરફથી નાફેડ અને રાજય સરકાર તરફથી વિશેષ સ્ટોલ બનાવીને ડુંગળી વેચવામાં આવી રહી છે. આમ છતા લોકોને મોંદ્યી ડુંગળીથી રાહત મળતી નથી.

સરકાર તરફથી ૨૨ રુપિયા પ્રતિ કિલો ડુંગળી ઉપલબ્ધ કરાવ્યા છતા રિટેલ બજારમાં તેની કિંમતો ઓછી થવાનું નામ લેતી નથી. દિલ્હી-એનસીઆર સહિત દેશના મોટા શહેરોમાં ડુંગળીની કિંમત ૭૦ રુપિયા પ્રતિ કિલો સુધી મળી રહી છે. આ સિવાય ઘણા રાજયોમાં કેન્દ્રીય કોટાથી મળી રહેલી ડુંગળી સમય પર મળી રહી નથી. જેના કારણે કિંમતોમાં તેજી બનેલી છે.

સરકાર અત્યાર સુધી ૧૮ હજાર ટન ડુંગળી આયાત કરી ચુકી છે. આ બધા પ્રયત્નો છતા અત્યાર સુધી ફકત ૨૦૦૦ ટન ડુંગળીનું વેચાણ થયું છે. કિંમતો પર કાબુ મેળવવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. આ માટે સરકારે વિદેશોમાં મોટી માત્રામાં ડુંગળીનો ઓર્ડર આપ્યો છે.

રામવિલાસ પાસવાને કહ્યું હતું કે અત્યાર સુધી દેશમાં ૧૨૦૦૦ ટન ડુંગળી આયાત કરી છે. અસમ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઓરિસ્સાએ શરુઆતમાં ક્રમશ ૧૦,૦૦૦ ટન, ૩૪૮૦ ટન, ૩૦૦૦ ટન અને ૧૦૦ ટન ડુંગળીની માંગણી કરી હતી. જોકે સંશોધિત માંગમાં આ રાજયોથી આયાત કરેલ ડુંગળી ખરીદવાની ના પાડી દીધી છે.

(10:17 am IST)