Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

ગુજરાતમાં ઉતરાયણ, મહારાષ્ટ્રમાં મકરસંક્રાતિ, તમિલનાડુમાં પોંગલ અને પંજાબમાં લોહડીનો તહેવાર ઉત્સાહભેર ઉજવાશે

ખીહરનાં પૌરાણિક નામથી પણ પ્રચલિત તહેવાર ભારત ઉપરાંત સમગ્ર એશિયા ખંડમાં વિવિધ સ્વરૂપે મનાવવામાં આવે છે

નવી દિલ્હી : ઉતરાયણ અથવા મકરસંક્રાંતિ એક માત્ર એવો તહેવાર જે ભારતના અંગ્રેજી વર્ષ મુજબ આવે છે. દર વર્ષે ૧૪ જાન્યુઆરીનાં રોજ ભારતમાં ઉતરાયણ અથવા મકરસંક્રાતિ તરીકે જાણીતો તહેવાર ખીહરનાં પૌરાણિક નામથી પણ પ્રચલિત છે. આ તહેવાર ભારત ઉપરાંત સમગ્ર એશિયા ખંડમાં વિવિધ સ્વરૂપે મનાવવામાં આવે છે. ભારત સહિત એશિયાઈ દેશો કૃષિ સાથે સંકળાયેલા હોવાથી આ તહેવારનું એક મહત્વ પાકની લણણી સાથે જોડાયેલુ છે.

૧૪ જાન્યુઆરી ઉતરાયણનાં દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને થોડો ઉત્તર દિશા તરફ ખસે છે. આથી તેને મકરસંક્રાતિ સાથે ઉતરાયણ પણ કહેવામા આવે છે. ઉતરાયણ - મકરસંક્રાતિનો તહેવાર દેશના તમામ ભાગોમાં હર્ષોલ્લાસ સાથે વિવિધ રીતે ઉજવાય છે. આ તહેવારને ભારત સરકારે રાષ્ટ્રીય તહેવાર જાહેર કરેલો છે. ઉતરાયણનાં દિવસે દાન-પુણ્ય કરવાનું વિશેષ મહત્વ છે. ગ્રામ્ય સંસ્કૃતિ મુજબ આ દિવસે ગાયને ઘાસ નાખવાથી તથા ગરીબોને વસ્ત્રો-અનાજનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. વળી, આ દિવસે ભાઈનાં ઘરેથી બહેનો-દીકરીઓનાં ઘરે ખીચડો દેવા જવાનો એક રિવાજ છે.

મકરસંક્રાતિને ગુજરાતમાં ઉતરાયણ કહેવાય છે. ઉતરાયણનાં દિવસે ગુજરાતમાં લોકો વહેલી સવારથી મોડી સાંજ સુધી ધાબા-અગાસીએ ચઢીને પતંગ ચગાવે છે. શેરડી-જીંજરા-બોર-તલસાંકળી ખાય છે. ઊંધિયું પુરી જમે છે અને દાન-દક્ષિણા દ્વારા પુણ્ય પ્રાપ્ત કરે છે. જેમ ગુજરાતમાં ઉતરાયણનો તહેવાર ઉજવાઈ છે તેમ જ આ દિવસે તમિલનાડુમાં પોંગલનો તહેવાર ઉજવવામાં આવે છે. સૌર પંચાગ અનુસાર આ તહેવાર પહેલી તારીખે આવે છે. તમિલનાડુની અંદર પોંગલ ખાસ કરીને ખેડૂતોનો તહેવાર છે. પોંગલ સામાન્ય રીતે ત્રણ દિવસ સુધી ઉજવાય છે. પહેલા દિવસે કચરાને એકત્રિત કરીને સળગાવવામાં આવે છે, બીજા દિવસે લક્ષ્‍મીની પૂજા થાય છે અને ત્રીજા દિવસે પશુ ધનની પૂજા કરવામાં આવે છે. પોંગલના દિવસે સ્નાન કર્યા બાદ ખુલ્લા આંગણમાં માટીના નવા વાસણની અંદર ખીર બનાવવામાં આવે છે. જેને પોંગલ કહેવામાં આવે છે. ત્યારબાદ સૂર્ય ભગવાનને નૈવેધ ચડાવ્યા બાદ તે ખીરને બધા લોકો પ્રસાદનાં રૂપમાં ગ્રહણ કરે છે. આ દિવસે પુત્રી અને જમાઈનું ઘરે સ્વાગત કરવામાં આવે છે. ત્રીજા દિવસે ખેડૂતો પોતાના પશુઓને સુંદર રીતે શણગારીને તેમનું સરઘસ કાઢે છે.

ગુજરાતમાં ઉતરાયણ અને તમિલનાડુમાં પોંગલની જેમ જ લોહડી શીખ પરિવારો માટે મહત્વનો તહેવાર છે. લોહડી મકરસંક્રાતિના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. હર વર્ષે ૧૩ જાન્યુઆરીનાં રોજ પંજાબી પરિવારો લોહડી ઉજવે છે. આ ઉત્સાહ ત્યારે બમણો થઈ જાય છે જ્યારે આ જ દિવસે ઘરની અંદર નવી આવેલી વહુ કે નવા જન્મેલા બાળકની પહેલી લોહડી હોય. લોહડીનાં દિવસે મોડી રાત્રે ખુલ્લી જગ્યામાં આગ પેટાવવામાં આવે છે. જેને ફરતે બધા લોકો પ્રદક્ષિણા કરે છે. ત્યારબાદ સૌને તલ, ગજક, ગોળ, મગફળી અને મકાઈની ધાણીનો પ્રસાદ વહેચવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં મકરસંક્રાતિનાં દિવસે મહિલાઓ પોતાના પતિના દિર્ધાયુ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે તેમજ ઘરની સુખ શાંતિ માટે મકરસંક્રાંતિથી વસંતપંચમી તેમજ ચૈત્ર માસના આખા મહિના સુધી હલ્દી કંકુનું આયોજન કરે છે. મકરસંક્રાતિના દિવસે વિવાહીત મહિલાઓ અરસપરસ એકબીજાને હલ્દી કંકુનો ચાંલ્લો લગાવે છે, તલથી બનાવેલી મીઠાઈ ખવડાવે છે અને મહેમાન મહિલાઓને સુહાગની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપે છે. આ દિવસે દાન આપવાનું વિશેષ મહત્વ હોય દાન પણ કરવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે.

આમ, સમગ્ર ભારતમાં મકરસંક્રાતિ-ઉતરાયણનો તહેવાર વિવિધ સ્વરૂપે અલગ-અલગ રીતરીવાજ માન્યતા અનુસાર ઉજવવામાં આવે છે. દેશભરમાં સૂર્યનાં મકર રાશિમાં પ્રવેશ સમયે-સંદર્ભે ઉજવાતા તહેવારોની તૈયારીઓ ધામધૂમપૂર્વક શરૂ થઈ ચૂકી છે

(12:50 am IST)
  • આજ 15 જાન્યુઆરીના રોજ 72 મો વાર્ષિક " આર્મી ડે " : સૌપ્રથમવાર આર્મી પરેડનું નેતૃત્વ મહિલા કેપ્ટ્ન તાન્યા શેરગિલ કરશે : 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિન નિમિતે પણ આર્મી પરેડનું નેતૃત્વ તાન્યાના શિરે access_time 12:37 pm IST

  • વર્લ્ડકપ ટી-૨૦માં કમબેક કરવાની ડિવિલિયર્સની ઈચ્છા access_time 3:29 pm IST

  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયાઃ કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ જાહેર કર્યું છે કે કેરળમાં થી ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:51 am IST