Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

અમેરીકાની કેન્દ્ર સરકારના કેટલાક અગત્યના ખાતાઓમાં તાળાબંધીનો ૨૪મા દિવસમાં પ્રવેશઃ અમેરીકામાં સરહદોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ઇમરજન્સી જાહેર કરવામાં આવે તો ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓએ તેને ન્યાયની અદાલતમાં પડકારવાનો કરેલો નિર્ણય અને તે અંગેની તમામ પ્રકારની તૈયારીઓ થઇ ચુકેલ છેઃ રીપબ્લીકન પાર્ટીના મોટાભાગના ચૂંટાયેલા નેતાઓ રાષ્ટ્રીય ઇમરજન્સીના વિરોધમાં: અમેરીકન પ્રજા તાળાબંધીનો પ્રશ્ન પ્રમુખ તથા તેમની પાર્ટીના નેતાઓને શીરે મુકે છે અને તેઓ સર્વે તેમની બીછાવેલી જાળમાં ફસાયેલા

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ રીપબ્લીકન પાર્ટીના ટોચના નેતાઓએ આજે રવીવારે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક સુરમાં રાષ્ટ્રીય ઇમરજન્સી જાહેર કરવા સામે સખત શબ્દોમાં એવી ચેતવણી આપી હતી કે કેન્દ્ર સરકારના કેટલાક અગત્યના ખાતાઓ આજે ૨૪ દિવસ થયા જરૂરી ફંડના અભાવે કાર્ય કરતા બંધ થઇ ગયેલા છે અને આ અંગે સમગ્ર પ્રકરણ કોર્ટના દ્વારે પહોંચશે તો પછી તેનો અંત કેવો આવશે તે કહી શકાય તેમ નથી. આ સમગ્ર પ્રક્રિયા રીપબ્લીકન પાર્ટીના હિતમાં નથી અને તેથી આ ગુંચવાયેલા પ્રશ્નનો ઉકેલ ઝડપથી લાવવો એ રાષ્ટ્ર તેમજ પાર્ટીના હિતમાં છે એવું રીપબ્લીકન પાર્ટીના મોટાભાગના નેતાઓ માની રહ્યા છે.

આજે સીએનએનની રાષ્ટ્રીય ટી.વી. ચેનલ પર સેનેટની હોમલેન્ડ સીકયોરીટી કમિટીના ચેરમેન સેનેટર રોન જોનસને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સરહદ પર દિવાલ બાંધવા માટે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરે તે પ્રક્રિયાનો હું સખત શબ્દોમાં વિરોધ કરૂ છું અને તેને ધિક્કારૂ છું અને આપણે જો બધા મળીને તેમ કરીશું તો પછી નાછુટકે આ સમગ્ર પ્રકરણ કોર્ટના દ્વારે પહોંચશે અને તેથી સરહદે દિવાલ બાંધવા માટે જે નાણાંની જરૂરત છે તે કદાચ ન પણ મળે.

વધારામાં રીપબ્લીકન પાર્ટીના હાઉસના બે નંબરની જગ્યા ધરાવતા સ્ટીવ સ્કેલીઆએ આજે એબીસી ટેલીવીઝન ચેનલને આપેલ મુલાકાતમાં જણાવ્યું હતું કે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રીય ઇમરજન્સી જાહેર કરવાની સત્તા હોય તો પણ હું તેની તરફેણ કરતો નથી. અમેરીકાના પ્રમુખ તાજેતરમાં લાંબા સમયથી ચાલી આવેલા શટડાઉનના પ્રકરણનો અંત આવે તે માટે ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ સાથે એક મીટીંગ યોજવામાં આવી હતી. તેમાં હાજરી આપ્યા બાદ સરહદે દિવાલ અંગે જરૂરી નાણાં અંગે એકમત ન કેળવાતા તેઓ આ સભા છોડી ગયા હતા.

ડેમોક્રેટીક પાર્ટીના ઇલીનોઇ રાજ્યના સેનેટર ડીક ડર્બીને આજે એબીસી ટીવી ચેનલ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે હાલના પ્રમુખ કોંગ્રેસના નેતાઓ સાથેના સૂચન સાથે સહમત ન થતા હોવાથી તેઓ નેશનલ ઇમરજન્સીનો આશરો લેવામાં માને છે જે સાથે હું સહમત નથી અને તેનો વિરોધી છું. તેમણે આ વખતે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને છેલ્લા ૨૪ દિવસથી સરકારની કેટલીક સમિતિઓમાં તાળાબંધી છે અને કર્મચારીઓ પારાવાર મુશ્કેલીઓ અનુભવી રહેલ છે તો તે ખાતર તુરત અસરથી કાર્યવંત બને તે રીતના પગલા ભરવા વિનંતી કરી હતી અને આ અંગે જ તમામ જે પ્રશ્નો હોય તો તે ટેબલ પર મુકવા નમ્ર વિનંતી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જેમ જેમ પક્ષીય રાજકારણ આ સમગ્ર પ્રશ્નમાં સંડોવાયેલુ છે તે હવે સ્પષ્ટપણે બહાર આવી રહેલ છે અને અમેરીકાની સમગ્ર પ્રજા આ દોષનો ટોપલો અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રીપબ્લીકન પાર્ટીના નેતાઓને માથે નાખે છે. મોટાભાગના રાજકીય નેતાઓ સોમવારે પાટનગરમાં આવી રહ્યા છે અને પોતાના વિસ્તારના મતદારોના થયેલા અનુભવ પ્રમાણે તેઓ વર્તન કરશે એમ હાલના વાતાવરણ પરથી લાગી રહ્યું છે.

આ અંગે જાહેર પોલ પણ લેવામાં આવ્યા છે. તેમાં જનતા ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓએ લીધેલા પગલાને આવકારે છે જ્યારે રીપબ્લીકન પાર્ટીનો ગ્રાફ ઘણો નીચે જાય છે. આથી આ પાર્ટીના નેતાઓ સતત પ્રમાણમાં ચિંતિત રહેતા હોય તેવો અનુભવ સર્વત્ર જગ્યાએ દેખાઇ રહ્યો છે. કેન્દ્ર સરકારના આઠ લાખ કર્મચારીઓ ગયા ડીસેમ્બર માસની ૨૨મી તારીખથી તાળાબંધીનો શિકાર બનેલા છે અને આજે તેમનો ૨૪મો દિવસ છે.

રીપબ્લીકન પાર્ટીના નેતાઓને આ તાળાબંધીથી ભારે નુકશાન વેઠવાનો સમય આવશે એવું લાગતા રીપબ્લીકન પાર્ટીના સાઉથ કેરોલીનાના સેનેટર લીન્ડસી ગ્રેહામે ફોક્ષ ટીવી ચેનલ પર જણાવ્યું હતું કે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વિનંતી કરૃં છું કે તેઓ ત્રણેક અઠવાડીયા તાળાબંધીનો અમલ મોકુફ રાખે અને ત્યાર પછી તેમને જે ઠીક લાગે તે પ્રમાણે કરે.

સોમવારે રાજકીય નેતાઓ પાટનગરમાં આવી પહોંચવાના છે અને તેઓ તાળાબંધી અંગે કેવા પગલા ભરે છે તે તરફ સૌનું ધ્યાન કેન્દ્રિત થયેલું જોવા મળે છે. આ અંગેની તમામ માહિતીઓ અમો અમારા વાંચક વર્ગ માટે અત્રે પ્રસિદ્ધ કરતા રહીશું તેની સૌથ નોંધ લે. આ અંગે લેવામાં આવેલ ઓપીનિયન પોલમાં તાળાબંધી માટે રીપબ્લીકન પાર્ટીના નેતાઓ જવાબદાર છે એવું જાણવા મળે છે અને તેમણે બીછાવેલી જાળમાં તેઓ સર્વે પોતે જ ફસાઇ ગયા હોય એવું તેમને હાલમાં લાગી રહ્યું છે.

(6:11 pm IST)