Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

બજેટ કાઉન્ટડાઉન

હોમલોન ઉપર વધુ ટેક્સ છૂટ મળે તેવી સંભાવના

રિયલ એસ્ટેટ સેકટરમાં પ્રાણ ફૂંકવાના પ્રયાસ : નોટબંધી-જીએસટી બાદથી પ્રતિકુળ અસર થતા બજેટમાં પહેલ કરીને જુદા જુદા સેકટરનો રાહત આપવાના પ્રયાસો

નવી દિલ્હી, તા.૧૫ : આ વર્ષના બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે નોટબંધી અને જીએસટીની તમામ વર્ગને પ્રતિકુળ અસર થયા પછી  હવે સરકારની જાહેરાતો ઉપર તમામની નજર રહેશે. સરકાર આ બજેટમાં હોમલોન ઉપર ટેક્સમાં મળનાર છૂટછાટની હદને વધારી શકે છે. નોટબંધીના કારણે રિયલ એસ્ટેટ સેકટર ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત છે. આવી સ્થિતિમાં રિયલ એસ્ટેટ સેકટરને પણ નવી ગતિ આપવા માટેના પ્રયાસો કરવામાં આવી શકે છે. સૂત્રોએ આ અંગેની માહિતી આપતા કહ્યું છે કે કરદાતાને ખુશ કરવા માટે કેન્દ્રિય બજેટમાં વ્યાજની ચૂકવણી પર વધુ છૂટછાટ આપવામાં આવી શકે છે.  બેંકોમાં ખૂબ વધુ પ્રમાણમાં પૈસા જમા થવાના કારણે હોમ લોન અને ટેક્સના દરોમાં છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવી ચુક્યો છે. અલબત્ત સરકાર હજુ સુધી ટેક્સ સ્લેબને નવેસરથી રજુ કરવાના પાસા ઉપર વિચારી રહી છે. પહેલા પણ સરકાર કન્સ્ટ્રકશન સેકટરમાં રોજગારની તકો ઉભી કરવા, સીમેન્ટ, સ્ટીલ અને અન્ય કન્સ્ટ્રકશન સાથે જોડાયેલા મુદ્દાને લઈને રિયલ એસ્ટેટને પ્રોત્સાહન આપવા ઈચ્છુક છે. ઉંચા વ્યાજદરોના પરિણામ સ્વરૂપે ગયા વર્ષે સેકટરોમાં અપેક્ષા મુજબની તેજી જોવા મળી ન હતી. જીએસટી અને  નોટબંધીના નિર્ણય પછી રિયલ એસ્ટેટ સેકટર પર ખૂબ માઠી અસર થઈ હતી. અલબત્ત કન્સલ્ટીંગ ફર્મ નાઈટ ટ્રેન્ક દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ માંગમાં ૪૪ ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે.રિયલ એસ્ટેટ સેક્ટરમાં નવા પ્રાણ ફુંકવા માટે અન્ય તમામ પ્રયાસો કરવામાં આવી શકે છે. મોદી સરકારના છેલ્લા બજેટમાં કેટલાક પગલા લઇને પોતાની સ્થિતીને મજબુત કરવાના પ્રયાસ કરવામાં આવી શકે છે.

(5:50 pm IST)