Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ફિક્કીએ સરકારને કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરવાની ભલામણ કરી

વ્યકિતગત કરદાતા માટેનો વાર્ષિક ર૦ લાખથી અધિકની આવક માટેનો ટેકસ-સ્લેબ સુધારીને ૩૦ લાખનો રાખવાનું સૂચન પણ કર્યુ

નવી દિલ્હી તા. ૧પ : ઉદ્યોગોના સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન  ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઇસીસીઆઇ-ફિકકી) એ આગામી બજેટમાં ટર્ન ઓવરના સંબંધ વિના બધી ચીજો માટેનો કોર્પોરેટર ટેકસ ઘટાડીને પચીસ ટકા કરવાનું સૂચન સરકારને કર્યુ છે. ચેમ્બરે વ્યકિતગત કરદાતા માટેનો વાર્ષિર ર૦ લાખથી અધિકની આવક માટેનો ટેકસ-સ્લેબ સુધારીને ૩૦ લાખનો રાખવાનું સુચન પણ કર્યુ છે.

અત્યારે વેપારો પર ઊંચો કરબોજ છે જેને કારણે ઉત્પાદન ખર્ચ વધે છે અને એટલે પુનઃ મૂડીરોકાણ કે વિસ્તરણ માટે બહુ ઓછું ભંડોળ સરપ્લસ રહે છે એમ ફિકકીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

વિશ્વનાં મુખ્ય અર્થતંત્રો વેરામાં નોંધપાત્ર ઘટાડો કરી રહ્યાં છે ત્યારે ભારતે સમગ્ર વેપારના વેરામાં ઘટાડો કરવાની જરૂર છે.

મીનીમમ ઓલ્ટરનેટ ટેકસ (એમએટી) ૧૮.પ ટકા ઘણો ઊંચો છે એને ઘટાડવાની જરૂર છે. વેરામુકિતઓ અને પ્રોત્સાહનોને તબકકાવાર પાછા ખેંચી લેવા એમાં ઘટાડો કરવો જોઇએ.

એકંદર ડીડકશન લીમીટ ઓછામાં ઓછી ત્રણ લાખ રૂપિયા સુધીની કરવાની, વિવિધ માર્ગે સાયન્ટિફિક રિસર્ચ ખર્ચ માટે વેઇટેડ ડીડકશન્સની છૂટ આપવાની અને સોશ્યલ રિસ્પોન્સિબીલીટી ખર્ચ માટેના ડીડકશનની છૂટ આપવાની ભલામણ ફિકકી દ્વારા કરવામાં આવી છે.ફુગાવાને આવરી લઇ શકાય એ માટે કર્મચારીઓને ભોજન પુરું પાડવાની ખર્ચ મર્યાદા પ૦ રૂપિયાથી વધારીને ર૦૦ રૂપિયા કરવાની ભલામણ પણ કરવામાં આવી છે. પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન અરુણ જેટલી દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે.

(3:13 pm IST)