Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મુંબઇ ત્રાસવાદી હુમલાના આરોપી રાણાને ભારતને સોંપવાની શકયતા

હાલ તહવ્વૂર હુસૈન રાણા અમેરિકાની જેલમાં છે

વોશિંગ્ટન તા. ૧૫ : મુંબઈમાં ૨૦૦૮માં થયેલા ત્રાસવાદી હુમલાનું કાવતરૃં ઘડવા બદલ અમેરિકામાં ૧૪ વર્ષનો કારાવાસ ભોગવી રહેલા પાકિસ્તાન - કેનેડિયન તહવ્વૂર હુસૈન રાણાની જેલસજા ૨૦૨૧માં પૂરી થાય તે પહેલાં તેનું ભારતમાં પ્રત્યર્પણ થાય એવી 'મજબૂત સંભાવના' છે, એવું માહિતગાર વર્તુળોએ અહીં જણાવ્યું હતું. શિકાગોના ૫૮ વર્ષના રહેવાસી રાણાની ૨૬મી નવેમ્બરે ત્રાસવાદી હુમલાનું કાવતરૃં ઘડવાના આરોપસર ૨૦૦૯માં ધરપકડ થઈ હતી. પાકિસ્તાનમાં જન્મેલા રાણા કેનેડાનો નાગરિક છે. ફેડરલ જયૂરીએ તેને એક ડેનિશ અખબાર સામે ત્રાસવાદી હુમલાના કાવતરાની તેની સંડોવણી તથા પાકિસ્તાનના ત્રાસવાદી જૂથ લશ્કરે તૈયબા (એલઈટી)ને ટેકો આપવા બદલ સજા ફટકારી હતી.

મુંબઈના ત્રાસવાદી હુમલામાં છ અમેરિકી નાગરિકો સહિત કુલ ૧૬૬ જણ માર્યા ગયા હતા. પાકિસ્તાન સ્થિત એલઈટીના દસ ત્રાસવાદીઓએ મુંબઈને ધમરોળ્યું હતું. આમાંના નવ ત્રાસવાદી પોલીસ અને કમાન્ડોના હાથે માર્યા ગયા હતા, જયારે એક ખૂનખાર ત્રાસવાદી અજમલ કસબને જીવતો પકડી લેવાયો હતો. ત્યારબાદ ભારતીય અદાલતે તેને ફાંસીની સજા કરી હતી.

૨૦૧૩માં રાણાને ૧૪ વર્ષની જેલ સજા કરવામાં આવી હતી.ટ્રમ્પ વહીવટીતંત્રના 'સંપૂર્ણ સહકાર' સાથે હાલ ભારત સરકાર રાણાની જેલ સજા પૂરી થાય તે પહેલાં તેને ભારત લાવવાનું જરૂરી પેપરવર્ક કરી રહી છે.અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ જે ગુનાઓ સબબ રાણા જેલ સજા ભોગવી રહ્યો છે એ જ ગુનાઓ માટે ભારત સરકાર તેના પ્રત્યર્પણની માગણી કરશે.(૨૧.૪)

(10:05 am IST)