Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

કોમ્પોઝિશન ડીલર્સ ગ્રાહકોને GST ચાર્જ કરી શકે નહીં

સરકારનો ગ્રાહકોના હિતમાં જાગ્રતિ ઝુંબેશનો પ્લાન

નવી દિલ્હી તા.૧૫: ગ્રાહકોને રાહત થાય એવું એક વધુ પગલું ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેકસ (જીએસટી)ના મામલે ભરાઇ રહયું છે. સરકારે કોમ્પોઝિશન ડીલર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સને સૂચના આપી છે, જે મુજબ તેમણે ફરજિયાત તેમના ઇન્વોઇસમાં પોતાનું જીએસટી રજિસ્ટ્રેશન દર્શાવવું પડશે અને બાયર્સ પાસેથી તેઓ જીએસટી ચાર્જ કરતા નથી એવું સ્પષ્ટ કરવું પડશે. આને પગલે કોમ્પોઝિશન સ્કીમ હેઠળ આવતા ડીલર્સ પર રોક આવશે. તેઓ અન્યથા બાયર્સ પાસેથી જીએસટી વસૂલ કરે છે, પરંતુ સરકારને જમા કરાવતા નથી.

રેવન્યુ વિભાગ આ વિષયમાં જાગ્રતિ ઝુંબેશ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહયો છે, જેમાં ગ્રાહકોને કોમ્પોઝિશન ડીલર્સ વિશે જાણકારી અપાશે કે તેઓ જીએસટી ચાર્જ કરી શકતા નથી. જીએસટી કોમ્પોઝિશન સ્કીમ હેઠળ ડીલર્સ માત્ર એક ટકો જીએસટી ભરે છે. તેમને ઊંચા સ્લેબમાંથી મુકિત અપાઇ છે. પરિણામે તેમને ખરીદદાર ગ્રાહકો પર જીએસટી ચાર્જ કરવાની છૂટ નથી. એમ છતાં અમુક ડીલર્સ જીએસટી ચાર્જ કરે છે અને સરકારને જમા પણ કરાવતા નથી. સરકારે આ બાબતની ગંભીર નોંધ લીધી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ એન્ડ કસ્ટમસ દ્વારા હવે એવી દરખાસ્ત વિચારાઇ રહી છે કે કોમ્પોઝિશન ડીલર્સે તેમના ઇન્વોઇસમાં પોતે જીએસટી રજિસ્ટર્ડ છે એવું ફરજિયાત દર્શાવવું પડશે અને તેમણે ગ્રાહકોને જીએસટી ચાર્જ કરવાની આવશ્યકતા નથી. (૧.૧)

(10:04 am IST)