Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

દેશમાં આવી સોંઘવારીઃ હોલસેલ અને રીટેલ બન્ને પ્રકારના ફુગાવાના દર ઘટયા

WPI આધારિત ફુગાવાનો દર ડીસેમ્બરમાં ૩.૮૦ ટકાની ૮ મહિનાની નીચી સપાટીએ રહ્યો

નવી દિલ્હી તા.૧૫: દેશમાં હોલસેલની સાથે-સાથે રીટેલ ફુગાવાનો દર પણ ઘટયો છે. ગયા ડીસેમ્બરમાં કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેકસ પર આધારિત ફુગાવાનો દર ૨.૧૯ ટકા હતો, જે ૧૮ મહિનાની નીચલી સપાટી હતી. ફળ, શાકભાજી અને ઇંધણના ભાવમાં ઘટાડો થવાને કારણે મોંઘવારી ઘટી હતી.

નોંધનીય છે કે ડીસેમ્બર ૨૦૧૭માં આ દર ૫.૨૧ ટકા હતો. ગયા નવેમ્બરમાં એનું પ્રમાણ ૨.૩૩ ટકા હતું.

આ પહેલા જુન ૨૦૧૭માં નીચલી સપાટી આવી હતી, જે ૧.૪૬ ટકાની હતી.

સ્ટેટિસ્ટિકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ખાદ્ય પદાર્થોના ભાવ ડીસેમ્બરમાં ૨.૫૧ ટકા ઘટયા હતા. નવેમ્બરમાં આ ઘટાડો ૨.૬૧ ટકા હતો.

જથ્થાબંધ ભાવો પર આધારિત ફુગાવાનો દર ડીસેમ્બર ૨૦૧૮માં ૩.૮૦ ટકાના આઠ મહિનાના તળિયે પહોંચ્યો હતો. ઇંધણ અને કેટલાક ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

હોલસેલ પ્રાઇસ ઇન્ડેકસ (ડબલ્યુ પીઆઇ) આધારિત ફુગાવાનો દર નવેમ્બર ૨૦૧૮માં ૪.૬૪ ટકા અને ડીસેમ્બર ૨૦૧૭માં ૩.૫૮ ટકા હતો.

સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર ડિસેમ્બરમાં ૩.૩૧ ટકાની સામે ડીસેમ્બરમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ડીફલેશન ૦.૦૭ ટકા હતું.

શાકભાજીના ભાવ પણ ડીસેમ્બરમાં ૧૭.પપ ટકા ઘટયા હતા, જે પાછલા મહિનામાં ૨૬.૯૮ ટકા ઘટયા હતા.

ડીસેમ્બરમાં ઇંધણ અને વીજ શ્રેણીમાં ફુગાવો ઘટીને ૮.૩૮ ટકા થયો હતો, જે નવેમ્બરમાં ૧૬.૨૮ ટકા હતો. ડીસેમ્બરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને કારણે આ ફરક પડયો હતો.

પેટ્રોલ અને ડીઝલનો ફુગાવો અનુક્રમે ૧.૫૭ ટકા અને ૮.૬૧ ટકા હતો. લિકિવફાઇડ પેટ્રોલિયમ ગેસનો ભાવ ડીસેમ્બરમાં ૬.૮૭ ટકા વધ્યો હતો.

ખાદ્ય ચીજોમાં બટાટાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. એનો ફુગાવો નવેબરનાં ૮૬.૪૫ ટકાની સામે ડીસેમ્બરમાં ૪૮.૬૮ ટકા હતો.

કઠોળમાં ફુગાવો ૨.૧૧ ટકા, જયારે ઇંડા, માંસ અને માછલી શ્રેણીમાં ૪.પપ ટકા હતો.

નવેમ્બરમાં ડુંગળીના ભાવમાં ૬૩.૮૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે નવેમ્બરમાં ૪૭.૬૦ ટકા હતો.(૧.ર)

(10:03 am IST)