Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

આયકર છૂટની સીમા ૫ લાખ કરવા તૈયારી

૧લી ફેબ્રુઆરીએ રજુ થનારા વચગાળાના બજેટમાં પરંપરા તોડશે મોદી સરકારઃ રાહતોનો વરસાદ વરસાવાશેઃ નોકરીયાતો અને મધ્યમવર્ગને રાજીના રેડ કરી દેવાશેઃ ૮૦-સી હેઠળ મળતી છૂટનો દાયરો વધારીને ૩ લાખ કરાશેઃ મેડીકલ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સને ફરીથી ટેક્ષ ફ્રી કરાશેઃ સ્ટાન્ડર્ડ ડીડકશન ૪૦ હજારથી વધારીને ૫૦ હજાર કરવા પણ વિચારણા

નવી દિલ્હી, તા. ૧૫ :. ચૂંટણીના વર્ષમાં જરૂરી ખર્ચ માટે લેખાનુદાન એટલે કે વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવાની સ્થાપિત પરંપરાને આ વખતે મોદી સરકાર તોડી શકે છે. મળતી માહિતી મુજબ મોદી સરકાર લોકલુભાવન જાહેરાતોવાળુ સીમીત બજેટ રજૂ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર ઈન્કમટેક્ષ અને હાઉસીંગ સેકટર માટે વચગાળાના બજેટમાં રાહતોની જાહેરાત કરી શકે છે. આ બજેટમાં દરેક વર્ગને રાજી કરવાનો પ્રયાસ થશે. નોકરીયાત અને મધ્યમવર્ગને રાહત આપવા માટે ઈન્કમટેક્ષની મુકિત મર્યાદા અઢી લાખથી પાંચ લાખ કરવામાં આવે તેવી શકયતા છે. માનવામાં આવે છે સરકાર ટેક્ષના દાયરામાં પણ ફેરફાર કરી શકે છે. આ ઉપરાંત મેડીકલ ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશન ભથ્થામા પણ રાહત આપવાની જાહેરાત થાય તેવી પણ શકયતા છે.

વચગાળાના બજેટમાં મોટા ભાગની માંગણીઓ પુરી થઈ શકે નહિ પરંતુ ભાજપની સરકાર ચૂંટણીને જોતા મધ્યમવર્ગને રાજી કરવાનો પ્રયાસ કરશે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેક્ષના સ્લેબને સુવ્યસ્થિત કરવાની યોજના પણ બનાવવામાં આવી છે.

હાલ અઢી લાખ રૂપિયા સુધીની આવક કરમુકત છે જ્યારે અઢી લાખથી પાંચ લાખ સુધીની આવક પર ૫ ટકા ટેક્ષ લાગે છે. જ્યારે પાંચથી ૧૦ લાખની વાર્ષિક આવક પર ૨૦ ટકા અને ૧૦ લાખથી વધુની વાર્ષિક આવક પર વર્ષે ૩૦ ટકા ટેક્ષ લાગે છે. ૮૦ વર્ષથી ઉપરના નાગરીકોને ૫ લાખ સુધીની આવક પર ટેક્ષ છૂટ પ્રાપ્ત છે. આ સિવાય ગયા વર્ષે પાંચ લાખ સુધીની આવક માટે વાર્ષિક ૧૫ હજાર રૂપિયા સુધીના મેડીકલ ખર્ચ અને ૧૯૨૦૦ રૂ. સુધીના પરિવહન ભથ્થાને હટાવી તેની જગ્યાએ ૨૦ હજાર રૂપિયાની માનક કટૌતી કરવામાં આવી હતી તે ફરીથી બહાલ થઈ શકે છે. જો કે આનાથી વધુ ફાયદો નહિ થાય પરંતુ મધ્યમ વર્ગનો ઉત્સાહ વધશે.

૧ લી  ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાં કોર્પોરેટ ટેક્ષમાં કોઈ ફેરફાર નહિ થાય પરંતુ સરકાર ૮૦-સી હેઠળ મળતી છૂટને વધારીને ૩ લાખ કરે તેવી શકયતા છે. ફીક્કીએ આ ભલામણ કરી છે અને કહ્યુ છે કે આનાથી વ્યકિત બચતને પ્રોત્સાહન મળશે.

ઈન્કમટેક્ષ સ્લેબનો દાયરો પણ વધારવામાં આવશે. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ડીડકશન વધારવા પણ પ્રસ્તાવ છે. હાલ ૪૦ હજાર રૂપિયાનું વાર્ષિક સ્ટાન્ડર્ડ ડીડકશન મળે છે તે ૫૦ હજાર કરાય તેવી શકયતા છે. સૂત્રોના કહેવા મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બજેટ ૫૦ ટકા વધારવામાં આવશે.(૨-૬)

વર્તમાન ટેક્સ સ્લેબ....

નવીદિલ્હી, તા. ૧૫ : મધ્યમ વર્ગને રાહત આપવા માટે નાણામંત્રી અરુણ જેટલી વચગાળાના બજેટમાં કેટલાક મોટા પગલા જાહેર કરી શકે છે. વર્તમાન ટેક્સ સ્લેબના માળખામાં નજીવા ફેરફાર કરવામાં આવી શકે છે.  વચગાળાના બજેટમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાની સાથે સાથે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાના પ્રયાસ પણ કરાશે. ડાયરેક્ટ ટેક્સ કોડની હદમાં વધુને વધુ ટેક્સ મૂલ્યાંકનને લાવવાના પ્રયાસ કરવામાં આવશે. જુદા જુદા વર્ગના કરદાતાઓને લઇને તર્કસંગત વ્યવસ્થા ઉભી કરાશે. ટેક્સ સ્લેબ હાલમાં નીચે મુજબ છે.

આવક........................................................... ટેક્સ

૨.૫ લાખ રૂપિયાની આવક............................. શૂન્ય

૨.૫થી ૫ લાખ રૂપિયાની આવક.................. ૫ ટકા

૫થી ૧૦ લાખ રૂપિયાની આવક................. ૨૦ ટકા

૧૦ લાખ રૂપિયાથી વધુની આવક.............. ૩૦ ટકા

૮૦થી ઉપરના લોકો........................ ૫ લાખની છુટ

 

(5:49 pm IST)