Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

કોંગ્રેસની 'ભારત બચાવ' રેલીઃ મોદી સરકાર ઉપર પ્રહારો

દિલ્હીના રામલીલા મેદાનમાં 'મોદી હૈ તો મંદી હૈ' ના નારા લાગ્યાઃ દેશભરમાંથી મોટા પ્રમાણમાં કોંગી જનો ઉમટયો : સોનિયા-રાહુલ-પ્રિયંકા-મનમોહન-કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરઃ વિવિધ મુદદે સરકારને આડે હાથ લીધી

નવી દિલ્હી,તા.૧૪: કોંગ્રેસ આજે અહિના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે 'ભારત બચાવ' રેલી યોજી કેન્દ્રની મોદી સરકાર વિરૃધ્ધ લડતનો પ્રારંભ કર્યો છેે. દેશભરમાંથી આવેલા કોંગી જનો આ રેલીમાં ઉમટી પડયા છે. કોંગ્રેસના કાર્યવાહી પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધી પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, યુપીના ઇન્ચાર્જ પ્રિયંકા ગાંધી (વાઢરા), પૂવે વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, યુવા નેતા જયોતિરાદીત્ય સિંધિયા વગેરેએ સંબોધન કર્યું હતું.

આ રેલીમાં ભાગ લેવા માટે દેશના ખૂણે-ખૂણેથી લાખો કોંગ્રેસ કાર્યકર્તા રામલીલા મેદાન પહોંચી રહ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મંચ પર હાજર છે. રેલીનો ઉદ્દેશ્ય ભાજપ સરકારની 'વિભાજનકારી' નીતિઓને ઉજાગર કરવાનો છે. પાર્ટીના ટોચના નેતા રેલીને સંબોધિત કરી મોદી સરકારની નિષ્ફળતાઓ અને દેશના નાગરિકોને વહેંચવાના પ્રયત્નોને ઉજાગર કરી રહ્યા છે.

રેલીમાં દેશની નબળતી થતી અર્થવ્યવસ્થા, વધતી બેરોજગારી જેવા મુદ્દા મુખ્ય રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, મરી જઈશ પણ માફી નહીં માંગુ.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટીમ રાહુલનો પ્રયાસ છે કે તે રેલીમાં ફરી એક વખત રાહુલને પ્રોજેકટ કરવા અને તે માટે માહોલ તૈયાર કરવાની યોજના છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯માં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ પક્ષના અધ્યક્ષ તરીકે રાજીનામુ આપી દીધુ હતું. એવી પણ સંભાવના છે કે રેલીમાં રાહુલ ગાંધીને ફરી એક વખત પક્ષના અધ્યક્ષ બનાવવા માટે માંગ ઉઠી શકે છે.પક્ષના નેતાઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે રેલીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રાહુલ ગાંધીના માસ્ક સાથે દેખાશે. યુથ કોંગ્રેસ અને NSUI રેલીમાં સંપૂર્ણપણે રાહુલનું સમર્થન કરતા દેખાશે. કાર્યકર્તાઓના હાથમાં બેનર, પોસ્ટર, ઝંડા હશે, જેઓ પક્ષના નેતૃત્વ માટે રાહુલના પક્ષમાં માહોલ તૈયાર કરશે.

સોનિયા ગાંધી પક્ષના વચગાળાના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત આ મોટાપાયે રેલી યોજાઈ રહી છે. જોકે તેનો ઉદ્દેશ કોંગ્રેસ પક્ષમાં ટીમ રાહુલનું શકિત પ્રદર્શન કરવાનું પણ છે. અગાઉ આ રેલી ૩૦મી નવેમ્બરના રોજ યોજાવાની હતી, પરંતુ બાદમાં સંસદના શિયાળુ સત્રને ધ્યાનમાં રાખી તેનો સમય ૧૪મી ડિસેમ્બર કરવામાં આવ્યો હતો.

(3:04 pm IST)