Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ભારત સહિત વિશ્વભરમાં વ્યાપારક્ષેત્રે રાહતના એંધાણ : અમેરિકાએ આપ્યા ચીન સાથે ટ્રેડવોરના અંતના સંકેત

ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથેના પહેલા ચરણના વેપાર કરારને મંજૂરી આપી દીધી

નવી દિલ્હી : અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ટ્રેડ વોરના અંતનો સંકેત આપતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથેના પહેલા ચરણના વેપાર કરારને મંજૂરી આપી દીધી છે. જેના પગલે 15મી ડિસેમ્બરથી ચીનના 160 અબજ ડોલરના સામાન પર હવે અમેરિકાએ લાદેલી જકાત લાગુ થશે નહીં.

 કરારથી માહિતગાર અધિકારીઓએ જણાવ્યું હતું કે,વેપાર સલાહકારો દ્વારા ટ્રમ્પ સમક્ષ વેપાર કરાર રજૂ કરાયો હતો. કરારમાં ચીન અમેરિકાના વધુ કૃષિ ઉત્પાદનોની ખરીદી કરવા રાજી થયો છે. તે ઉપરાંત ચીની ઉત્પાદનો પર હાલની અમેરિકી જકાતમાં સંભવિત ઘટાડા માટે પણ અધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ છે. અમેરિકા અને ચીન વેપાર શરતો પર સંમત થયાં છે પરંતુ કરારના કાયદેસરના લખાણને હજુ અંતિમ સ્વરૂપ અપાયું નથી. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ આ મામલા પર કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

સરકારી તંત્ર અમેરિકી સંસદ અને બિઝનેસ કોમ્યુનિટીમાં તેના સહયોગીઓ સાથે આ મામલે મંત્રણા કરી રહ્યું છે અને એકવાર જાહેરાત કરાયે સમર્થનનાં નિવેદનો જારી કરાશે. પોતાના વેપાર સલાહકારો સાથે મંત્રણા કરતાં પહેલાં ટ્રમ્પે અમેરિકાની મોટી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અમેરિકા અને ચીન મોટો વેપાર કરાર કરવાની ઘણી નજીક પહોંચી ગયા છે. જેના પગલે વિશ્વભરના શેરબજારોમાં વ્યાપક તેજી જોવા મળી હતી. ચીનના યુઆનમાં વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ન્યૂયોર્કમાં શેરબજારો ખુલે તેની પાંચ મિનિટ પહેલાં ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે, તેઓ ઇચ્છતા હતા તેથી અમે આ કરાર કરી રહ્યાં છીએ.

(12:03 am IST)