Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

બ્રિટન ચૂંટણી : રેકોર્ડ ૧૫ ભારતીય સાંસદનો વિજય

બોરિસ જોન્સનની પાર્ટીને સ્પષ્ટ બહુમતિ મળી : નવા ચહેરાની સાથે સાથે ૧૨ સાંસદો સીટ જાળવી શક્યા

લંડન, તા. ૧૩ : બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન બોરિશ જોન્સનની કન્ઝર્વેટિવ પાર્ટીએ શાનદાર જીત મેળવીને બહુમતિનો જાદુઇ આંકડો ૩૨૬નો મેળવી લીધો છે. ચૂંટણી મુખ્ય હરીફ પાર્ટી કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટીના ભારતીય મૂળના ઉમેદવારોનો પણ શાનદાર દેખાવ રહ્યો છે. આ વખતે રેકોર્ડ સંખ્યામાં ૧૫ ભારતીય લોકો સાંસદ બનીને ચૂંટાઈ આવ્યા છે. કેટલાક નવા ચહેરાની પણ એન્ટ્રી થઇ છે. ૧૨ સાંસદોએ પોતાની સીટ જાળવી રાખી છે. પૂર્વની સંસદમાં ભારતીય મૂળના તમામ સાંસદો પોતપોતાની સીટ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

                 કન્ઝર્વેટિવ પાર્ટીના ગગન મોહિન્દ્રા અને ક્લીયર કોટિન્હો તથા લેબર પાર્ટીના નવેન્દ્ર મિશ્રા પ્રથમ વખત સાંસદ બન્યા છે. ગોવા મૂળના કોટિન્હો ૩૫૬૨૪ મત સાથે સુરેઇસ્ટ સીટ પરથી જીતી ગયા છે. મહિન્દ્રા હર્ટફોર્ડશાયર સાઉથમાંથી જીતી ગયા છે. વિપક્ષી લેબર પાર્ટી માટે આ પરિણામ ખુબ જ નિરાશાજનક રહ્યા છે પરંતુ છેલ્લી સંસદમાં તેના ભારતીય મૂળના તમામ સાંસદો જીતી ગયા છે. લેબર પાર્ટીના નવેન્દ્ર મિશ્રાએ સ્કોટફોર્ટ બેઠક પરથી જીત મેળવી છે. તેઓ પ્રથમ વખત સંસદમાં પહોંચનાર છે. છેલ્લી ચૂંટણીમાં પ્રથમ બ્રિટિશ શીખ મહિલા સાંસદ બનીને ઇતિહાસ સર્જનાર પ્રિત કૌર બર્ગિમ્હામ સીટ પરથી જીતી ગયા છે જ્યારે શીખ સાંસદ તનમનજીત પણ જીતી ગયા છે. વિરેન્દ્ર શર્માએ ઇલિંગ સાઉથ હોલ સીટ પરથી જીત મેળવી છે. બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બોરિસ જોન્સનની શાનદાર જીત થતાં તેમને હવે વચનો પૂર્ણ કરવાની તક મળશે. તેઓએ યુરોપિયન યુનિયનથી બ્રિટનને અલગ કરવાની જાહેરાત કરી હતી.

(9:28 pm IST)