Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

મહારાષ્‍ટ્ર ફુડ અેન્ડ ડ્રગ અેડમિનિસ્‍ટ્રેશન દ્વારા કરવામાં આવેલ ચકાસણીમાં લોનાવાલાની ચિકી આરોગ્ય માટે હાનિકારક હોવાનું ખુલ્યુ

મહારાષ્ટ્રનું અને ખાસ કરીને મુંબઈગરાનું ફેવરિટ હિલ સ્ટેશન લોનાવાલા પોતાના નૈસર્ગિત સૌંદર્ય ઉપરાંત વધુ એક વસ્તુ માટે જાણીતું છે. તે છે લોનાવાલાની ચિક્કી, કોઈ લોનાવાલા ફરવા ગયું હોવ કે મુંબઈ આપણે તેમને લોનાવાલાની ચિક્કી લઈ આવવા જરુર કહીએ છીએ. પરંતુ હવે સમાચાર જાણીને ફરીવાર આવી ચિક્કી ખાતા પહેલા 100 વાર વિચાર કરશો.

આરોગ્ય માટે ખૂબ હાનિકારક

આમ તો લોનાવાલામાં ઘણા ચિક્કીવાળા છે. પરંતુ બધામાં સૌથી પોપ્યુલર બ્રાન્ડ છે મગનલાલ ચિક્કી. પરંતુ આશ્ચર્યની વાત છે કે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડિમિનિસ્ટ્રેશન(FDA) દ્વારા કરવામાં આવેલ ફૂડ ની ચકાસણીમાં ચિક્કીઓને આરોગ્ય માટે ખૂબ હાનિકારક ગણાવવામાં આવી છે.

રોજ પ્લાન્ટમાં બનતી હતી 2000 કિલો ચિક્કી

લોનાવાલાની પ્રખ્યાત મગનલાલ ચિક્કના નાગરગાંવ પ્લાન્ટ ખાતે રોજ 2 હજાર કિલો ચિક્કી બનતી હતી. પરંતુ મંગળવારે અહીં ચિક્કી બનવાનું બંધ થઈ ગયું છે. હકીકતમાં મહારાષ્ટ્ર સરકારના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના રુટિન ચેકિંગમાં ફેક્ટરીમાં ઘણી બધી અનિયમિતતા અને ખામી મળી છે. FDA દ્વારા કહેવામાં આવ્યું કે પ્લાન્ટમાં ખૂબ લાંબા સમયથી સુરક્ષા અને આરોગ્યના ધારાધોરણોની અવગણના કરવામાં આવતી હતી.

FSSAIના નિર્દેશનું ઉલ્લંઘન

ચિક્કી બનાવવાની જગ્યા ખૂબ ગંદકીથી ભરેલી હતી અને ચિક્કી બનાવવા માટે ઉપયોગમાં લેવાતું પાણી પીવા લાયક છે કે નહીં તે અંગે પણ અધિકારીઓએ શંકા વ્યક્ત કરી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI) દ્વારા સ્પષ્ટ નિર્દેશ મુજબ કોઈપણ ફૂડ આઇટમ બનાવતા યુનિટ પાસે NABL દ્વારા પ્રમાણિત ટેસ્ટિંગ લેબ હોવી જરુરી છે. જેથી થોડા થોડા સમયે ત્યાં બનતી પ્રોડક્ટની તપાસ કરી શકાય. પરંતુ 100 કરોડથી પણ વધારેનું ટર્નઓવર ધાવતા મગનલાલ ચિક્કી પાસે તો પોતાની આવી કોઈ લેબ છે તો અહીં બનતી ચિક્કીઓના ટેસ્ટિંગ માટે કોઈ સર્ટિફાઇડ લેબમાં મોકલવામાં આવતી હતી.

100 વર્ષ જેટલી જૂની બ્રાન્ડ છે મગનલાલ ચિક્કી

મગનલાલ બ્રાન્ડના નામથી ચિક્કી ઉપરાંત જેલી અને ફજ કેક પણ બનાવવામાં આવતી હતી. હાલમાં કંપનીએ પોતાની પ્રોડક્ટની ઓનલાઇન ડિલિવરીનું પણ કામ શરુ કર્યું હતું. પરંતુ હાલ તો રેડ બાદ એજન્સીના નિર્દેશ પછી તમામ ઉત્પાદન કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે. લગભગ 100 વર્ષ જૂની મગનલાલ ચિક્કીમાં જોવામાં આવેલ ખામીઓને દૂર કરવા સુધી તમામ પ્રકારનું ઉત્પાદન અને વેચાણ બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.

(4:40 pm IST)