Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

લાંબી મડાગાંઠનો અંત : ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે હશે

લાંબી મંત્રણા બાદ આખરે ગેહલોતના નામ ઉપર પસંદગી થઈ : સચિન પાયલોટ નાયબ મુખ્યમંત્રી તરીકે અને રાજ્યમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રહેશે : પ્રજાને અપાયેલા વચનો પૂર્ણ કરાશે : ગેહલોત અને સચિનની પ્રતિક્રિયા

જયપુર, તા. ૧૪ : રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને ચાલી રહેલી ચર્ચા અને ખેંચતાણનો આખરે અંત આવી ગયો છે. લાંબી મડાગાંઠ રહ્યા બાદ આખરે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોતે બાજી મારી લીધી છે જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સચિન પાયલોટને સોંપવામાં આવશે. કોંગ્રેસની શાંતિ સમજૂતિમાં આખરે આ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી. રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ અશોક ગહેલોત અને સચિન પાયલોટ વચ્ચે મુખ્ય સ્પર્ધા દેખાઈ રહી છે. ૬૭ વર્ષીય અશોક ગેહલોત અગાઉ પણ બે વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે રહી ચુક્યા છે. જ્યારે ૪૧ વર્ષીય

પાયલોટે આ વખતે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું નેતૃત્વ કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ બે ટ્વિટમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. એકમાં જણાવવામાં આવ્યું હતું કે, અશોક ગેહલોત અનુભવી અને દિગ્ગજ નેતા છે. બીજા ટ્વિટમાં જણાવાયું હતું કે, પાયલોટ યુવા અને સમર્પિત નેતા છે. શુક્રવારના દિવસે દિલ્હીમાં બંને નેતાઓ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મળ્યા હતા. ચૂંટણી બાદથી જ મુખ્યમંત્રીને લઇને જોરદાર મડાગાંઠની સ્થિતિ પ્રવર્તી રહી હતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંનેના ભાવિ મુખ્યમંત્રીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ઘોષણાપત્રમાં જે વચન અપાયા હતા તે તરત અમલી કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ થયા બાદ સચિને કહ્યું હતું કે, તેઓ પસંદગી માટે રાહુલ ગાંધીનો આભાર માને છે. ચૂંટણીમાં જે જનાદેશ કોંગ્રેસને મળ્યો છે તેનાથી અમે સંતુષ્ટ છે. મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા બાદ અશોક ગેહલોતે કહ્યું હતું કે, રાજસ્થાનમાં સુશાસનના મુદ્દા ઉપર કામ કરીશું. પ્રજાને આપવામાં આવેલા વચનો પૂર્ણ કરીશું. કોંગ્રેસ હેડક્વાર્ટર પર પત્રકાર પરિષદ યોજીને આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે સસ્પેન્સની સ્થિતિ પ્રવર્તી રહી હતી. ગઇકાલે અશોક ગેહલોત અને સચિન પાયલોટના સમર્થકો આમને સામને આવી ગયા હતા. ઝપાઝપી થઇ હતી. રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ સચિન પાયલોટ દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે અભિષેક મનુ સિંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગેહલોતને મુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યા બાદ તેમના સમર્થકોમાં ઉજવણીનો દોર શરૂ થઇ ગયો હતો. સચિન પાયલોટ રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ તરીકે યથાવત રહેશે. તેમને અન્ય મોટી જવાબદારીઓ પણ સોંપવામાં આવી શકે છે. સચિને કહ્યું હતું કે, અમારી આગામી પ્રાથમિકતા રાહુલના નેતૃત્વમાં ૨૦૧૯માં કોંગ્રેસની સરકાર બને તેવી રહેલી છે.

(7:27 pm IST)