Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

GSTના નકલી ઇન્વોઇસ દ્વારા ITCના વધેલા પ્રમાણથી કરચોરી વધતી હોવાનો અહેવાલ

GST રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રિટર્ન કે ટેક્ષ ન ભરનારની તપાસ થશે

નવી દિલ્હી તા. ૧૪ : જીએસટીના નકલી ઇન્વોઇસના વધેલા પ્રમાણથી ટેકસ અધિકારીઓ હવે રજિસ્ટ્રેશન નંબર મેળવ્યા બાદ એક પણ વખત રિટર્ન ન ભરનારા કે ટેકસ ન ભરનારા વેપારીની તપાસ કરશે. જીએસટીના સૂત્રોએ જણાવ્યું છેકે,આગામી સમયમાં જીએસટી હેઠળ ગુમ થયેલા આવા વેપારીઓને શોધવા માટે તંત્ર દ્વારા વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે. જેમાં રજિસ્ટેશન વખતે જે એડ્રેસ લખાવ્યું હોય ત્યાં પણ ફર્મની તપાસ કરવામાં આવશે.

જીએસટીની તપાસમાં એવું પણ બહાર આવ્યું છેકે, ઇનપુટ ટેકસ ક્રેડિટ કલેઇમ કરવા માટે નકલી ઇન્વોઇસનો ઉપયોગ પણ વધ્યો છે. જીએસટીના અધિકારીઓ વેપારીની ફર્મની તપાસ કરે અને જો કરચોરી ઝડપાય તો સ્ક્રુટીની પણ કરવામાં આવશે.

જીએસટીઆર ૩ બી રિટર્ન ફાઇલ ન કરનારા વેપારીઓની સંખ્યા પળ વધી રહી છે. જે ટેકસ સત્તાવાળાઓ માટે ચિંતાજનક છે. જીએસટીઆર ૩ બી સમરી ફોર્મ છે. જે જીએસટી અમલી બનાવતી વખતે દાખલ કરાયું હતું. કર્ણાટક સરકાર દ્વારા એસજીએસટીના અધિકારીઓએ એન્ફોર્સમેન્ટની કામગીરી કડક બનાવવામાં આવી હતી અને તેના ભાગરૂપે રજિસ્ટર્ડ વેપારીઓેને ત્યાં તપાસ પણ કરવામાં આવી હતી.જીએસટી કાયદા હેઠળ અધિકારીઓને સ્ક્રુટિની, તપાસ માટે રજિસ્ટર્ડ પ્રિમાઇસીસની મુલાકાત લેવાની સત્તા છે. ઉલ્લેખનીય છેકે, એપ્રિલ થી નવેમ્બરમાં રૂ.૧૨,૦૦૦ કરોડની જીએસટી ચોરી ઝડપાઇ હતી. ઇ વે બીલની વ્યવસ્થા હોવા છતાં પણ ટેકસ ચોરી વધી હતી.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અમદાવાદ અને વડોદરા સહિત મહત્વના શહેરોમાં બોગસ બિલિંગ દ્વારા જીએસટીની ચોરીના કેટલાક કેસો પણ બહાર આવ્યા હતા. કરોડો રૂપિયાની ટેકસ ચોરી આ કિસ્સાઓમાં થઇ છે જેની હાલમાં તપાસ સ્ટેટ જીએસટી દ્વારા કરવામાં આવી રહી છે.(૨૧.૮)

 

(11:59 am IST)