Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

ત્રણ રાજ્ય જીત્યા બાદ પણ રાહુલ ગાંધીએ ખોઇ દીધો સોનેરી અવસર

રાહુલ પાસે આ સૌથી સારો અવસર હતો, જ્યાં તેઓ નરસિમ્હા રાવની જેમ નિર્ણય લઇ કોંગ્રેસની લોકતાંત્રીક ચમકને વધારી શકતા હતા

નવી દિલ્હી તા. ૧૪ : બીજેપી શાસિત ત્રણ રાજયમાં કોંગ્રેસની શાનદાર જીતને લગભગ ૩૬ કલાક થઈ ગયા, પરંતુ મુખ્યમંત્રીની પસંદગીમાં થઈ રહેલા વિલંબનું કારણ જોઈ લાગી રહ્યું છે કે, પાર્ટીના યુવા અધ્યક્ષ રાહુલ ગાંધી લોકોમાં પોતાની અલગ છાપ બનાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. રાહુલ પાસે આ સૌથી સારો અવસર હતો, જયાં તેઓ નરસિમ્હા રાવની જેમ નિર્ણય લઈ કોંગ્રેસની લોકતાંત્રીક ચમકને વધારી શકતા હતા.

રાહુલ ગાંધી ભોપાલ, જયપુર અને રાયપુરમાં આના પર જોર આપીને આંતરીક પાર્ટી લોકતંત્ર અને વાસ્તવિક વિકેન્દ્રીકરણનું પ્રદર્શન કરી શકતા હતા. ૧૯૯૩માં મધ્યપ્રદેશમાં પીવી નરસિમ્હા રાવે પણ એવું કર્યું હતું.

રાવ પોતાના મિત્ર શ્યામ ચરણ શુકલાને ઉમેદવાર બનાવવા માટે ઘણા ઉત્સુક હતા. પરંતુ અર્જુન સિંહ અને કમલનાથની સામે શુકલા વધારે ટકી ન શકયા. રાવે પર્યવેક્ષક સીતીરામ કેસરી અને ગુલામ નબી આઝાદ પાસેથી સ્થિતિ સમજી યોજના બનાવવા માટે કહ્યું અને દિગ્વીજયને અગામી દસ વર્ષ સુધી રાજય ચલાવવાનું કહ્યું.

લોકોએ પોતાની ઈચ્છાના પ્રતિનિધિઓ પસંદ કરી મંશા સ્પષ્ટ કરી દીધી છે. જેથી રાજય વિધાનસભા ચૂંટણી અને પરિણામ બાદ કાર્યકર્તાની રાય માંગવી અને એવું કહેવું કે, સીએમ કોણ બનશે એ નિર્ણય પાર્ટી હાઈ કમાન કરશે, આ રીતના વિચાર અલોકતાંત્રિક છે.

આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારના ઓપિનિયન પોલ અથવા પછી સેમ્પલ સર્વેની કોઈ જરૂરત નથી. જો ટીમ રાહુલ આવું કરવા માંગતી હતી તો કમલનાથને મધ્યપ્રદેશ, સચિન પાયલટને રાજસ્થાન અને ભૂપેશ બઘેલને છત્તીસગઢ કોંગ્રેસ અધ્યક્ષની સ્થાનિક જવાબદારી આપ્યા પહેલા જ એપ-સંચાલિત સર્વે અથવા પછી આ રીતનો સર્વે કરાવી લેવો જોઈતો હતો.(૨૧.૫)

(11:55 am IST)