Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

મંદિર-ખેડૂત કે પછી પેન્શન ?

ભાજપમાં મંથનઃ કયો માસ્ટર સ્ટ્રોક ખેલવો કે ખોબલે ખોબલે મત મળેઃ બાજી પલ્ટી શકે એ બાબત ઉપર દાવ ખેલશે

નવી દિલ્હી, તા. ૧૪ :. આવતા વર્ષે થનાર લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર ઓછામાં ઓછો એક માસ્ટર સ્ટ્રોક રમવા ઈચ્છે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મળેલી હાર પછી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપા કંઈક એવું પગલુ ભરવા માગે છે જેનાથી બાજી પલ્ટાઈ જાય. સૂત્રો અનુસાર સરકાર અને પક્ષે આવા ૩ ગેમચેન્જર પર વિચાર કરવાનું શરૂ કરી દીધુ છે.

બધાને પેન્શન-પીએફ,  સાથે બેરોજગારી ભથ્થુ

એક પ્રસ્તાવિત યોજના હેઠળ સરકાર અસંગઠીત ક્ષેત્રની જેમ પેન્શન, પીએફથી માંડીને બધી સુવિધાઓ આપી શકે છે. શ્રમ મંત્રાલયના નવિનત્તમ આંકડાઓ અનુસાર આવા કામદારોની સંખ્યા લગભગ બાવન કરોડ છે. આ ઉપરાંત કેટલીક શરતો સાથે બેરોજગારી ભથ્થાનો વિકલ્પ પણ તપાસાઈ રહ્યો છે. મંત્રાલયે આ અંગેનો વિસ્તૃત રીપોર્ટ પીએમઓમાં સોંપી દીધો છે. શરૂઆતના વર્ષોમાં આના પર લગભગ ૫૦ હજાર કરોડનો વાર્ષિક ખર્ચ આવશે.

ખેડૂતોને ઋણ માફી

સરકારમાં જોઈ કોઈ બાબત ગંભીરતાથી અત્યારે વિચારવામાં આવી રહી હોય તો ખેડૂતોને ઋણ માફી છે. હમણાં જ થયેલી ચૂંટણીના પરિણામોથી ખેડૂતોની નારાજગીની વાત સાબિત થઈ છે. થોડા સમય પહેલા એમએસપી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો પણ તેનાથી ખેડૂતોની નારાજગી ઓછી નથી થઈ હવે સરકાર કદાચ એવો નિર્ણય થઈ શકે છે કે ખેડૂતોના ૧ લાખ સુધીના ઋણ માફ કરાય અથવા બે વર્ષ પહેલા સુધીની બધી લોન માફ કરી દેવાય.

મંદિર પર નિર્ણય

મોદી સરકાર પર રામ મંદિર મુદ્દે કોઈ સ્ટેન્ડ લેવાનું દબાણ વધ્યુ છે. ખાસ કરીને ભાજપાના ખાસ મતદારો આ મુદ્દા પર કાયદો બનાવવાની માગણી કરી રહ્યા છે. સૂત્રો અનુસાર સરકાર આ મુદ્દે લાખ દબાણ છતા પણ જલ્દીમાં અથવા આવેશમાં આવીને કોઈ નિર્ણય નહીં કરે. ફાયદા અને નુકસાનની પુરેપુરી ગણત્રી કરીને જ નિર્ણય લેવાશે. સરકાર માટે આદર્શ સ્થિતિ એ છે કે, જાન્યુઆરીમાં સુપ્રિમ કોર્ટ આ કેસની સુનાવણી કરે. કોર્ટમાં હસ્તક્ષેપ કરીને આ કેસની સુનાવણી રોજ થાય તેવો આગ્રહ કરે.(૨-૨)

(11:39 am IST)