Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

રર મીએ GST કાઉન્સીલની બેઠકઃ ૩ રાજયોના પરિણામ બાદ ચિત્ર ફર્યુઃ પ્રસ્તાવ પાસ કરવા થશે અગ્નિ પરીક્ષા

કોઇ પ્રસ્તાવ પાસ કરવા ર૦ રાજયોનાં ટેકાની જરૂર પડેઃ ૩ રાજયો ગુમાવ્યા બાદ NDA પાસે ૧૭ રાજયો રહી ગયાઃ ૩ બીન કોંગી સરકારો શોધવી પડશેઃ જો મતદાનની નોબત આવે તો પ.બંગાળ, આંધ્ર, કેરળ, દિલ્હી વિરૂધ્ધમાં જશેઃ સરકારનો આધાર ઓડીશા, તામિલનાડુ, તેલંગણા પર રહેશે

નવી દિલ્હી તા. ૧૪ :.. નાણામંત્રી અરૂણ જેટલીની આમ સહમતી બનાવવાની કળાની અસલી પરિક્ષા જીએસટીની આવનારી બેઠકોમાં થશે. હવે આ બેઠકોમાં કોંગ્રેસના ત્રણ વધારાના રાજયોના પ્રતિનિધી સામેલ થશે. હવે પછીની બેઠક રર ડીસેમ્બરે થવાની છે. અત્યાર સુધી બધા નિર્ણયો આમ સહમતીથી લેવાયા છે અને કયારેય મતદાનની જરૂર નથી પડી પણ હવે જો કોઇ પ્રસ્તાવ પર મતદાનની જરૂર પડશે તો એનડીએને પ્રસ્તાવ પાસ કરાવવા માટે જયાં તેની સરકાર નથી એવા ત્રણ રાજયોને પોતાના પક્ષમાં લાવવા પડશે. મતદાનની સ્થિતીમાં કેન્દ્ર કોઇપણ પ્રસ્તાવને રોકી શકે છે. કારણ કે તેની પાસે ૩૩.૩ ટકા મત છે. જયારે ૩૧ રાજયોમાં દરેકની પાસે ર.૧પ ટકા મત છે કેમ કે ૬૬.૭ ટકા મત દરેક રાજયો વચ્ચે સરખા હિસ્સે વહેંચવામાં આવ્યા છે.

કોઇપણ પ્રસ્તાવ પાસ કરવા માટે ૭પ ટકા મતની જરૂર પડે છે એટલે કેન્દ્રનું સમર્થન ન હોય તેવો પ્રસ્તાવ બધા રાજયો મળીને પણ પસાર ન કરી શકે. જયારે ૧ર રાજયો ભેગા મળીને કોઇ પ્રસ્તાવને રોકી શકે છે. કોઇપણ પ્રસ્તાવ પસાર કરવા માટે કેન્દ્રને ર૦ રાજયોના ટેકાની જરૂર પડે છે. ત્રણ રાજયોમાં થયેલી હાર પછી એનડીએ પાસે ૧૭ રાજયો છે. એનડીએની સાથીદાર મીઝો નેશનલ ફ્રન્ટે મિઝોરમમાં બહુમતી મેળવી છે. ૬ રાજયોમાં કોંગ્રેસનું શાસન છે. એટલે મતદાનની સ્થિતિમાં સાત બીજા રાજયો- ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગાણા અને દિલ્હીના વલણની પ્રસ્તાવ પસાર કરવામાં મુખ્ય ભૂમિકા રહેશે.

હાલમાં જમ્મુ-કાશ્મીરમાં રાજયપાલનું શાસન છે. આ સાત રાજયોમાંથી પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કેરળ અને દિલ્હી એનડીએ વિરોધી છાવણીમાં જઇ શકે છે એટલે બાકી ૩ રાજયોનું વલણ મહત્વ પુર્ણ બનશે.

કેન્દ્રએ કોઇ પ્રસ્તાવ પસાર કરાવવા માટે આ ત્રણ રાજયોના ટેકાની જરૂર પડશે, જો કોંગ્રેસ કોઇ પ્રસ્તાવને રોકવા માંગે તો તેણે આ ૭ માંથી ૬ રાજયોને પોતાની તરફ કરવા પડશે. સુત્રો અનુસાર કોંગ્રેસી નાણામંત્રીઓ રર ડીસેમ્બરની બેઠક પહેલા પોતાની બેઠક કરશે. જો કે નિષ્ણાતો આશા રાખી રહ્યા છે કે કેન્દ્ર અને રાજયો ઉદ્યોગકારોને રાહત આપવા સાથે મળીને કામ કરશે. ખેતાન એન્ડ કંપનીના ભાગીદાર અભિષેક રસ્તોગીએ કહયું 'જીએસટી પરિષદમાં નવા ચહેરાઓ આવવાથી નવા વિચારો આવશે. જો કે રાજકીય પક્ષો વેપારી સમુદાયને રાહતો આપવા માટે કેવી રીતે મળીને કામ કરશે. તે સવાલ મહત્વનો છે.'

સીમેન્ટ પર જીએસટી ઘટાડવાની તૈયારીઃ રર મીએ મળનારી બેઠકમાં લેવાશે નિર્ણય

નવી દિલ્હી તા. ૧૪ :.. જીએસટી પરિષદની આવતા અઠવાડીયે મળનારી બેઠકમાં સીમેન્ટ અને બાંધકામમાં ઉપયોગી વસ્તુઓ પર જીએસટી ઘટાડવાની તૈયારી છે. કેટલાક ઉત્પાદનોને ર૮ ટકા જીએસટીમાંથી બહાર કાઢવામાં આવશે.

નાણામંત્રી અરૂણ જેટલીના અધ્યક્ષ પદ વાળી જીએસટી પરિષદે ગયા દોઢ વર્ષમાં ૧૯૧ વસ્તુઓને ર૮ ટકાના કરમાળખામાં બહાર કાઢી છે. હવે ફકત ૩પ વસ્તુઓ પર ર૮ ટકા જીએસટી છે.

એક અધિકારીએ જણાવ્યું કે જે વસ્તુઓ ભોગ વિલાસ માટે વપરાય છે અથવા નુકસાનકારક છે તેવી વસ્તુઓને જ ર૮ ટકા જીએસટીમાં રાખવા બાબતે વિચાર થઇ રહ્યો છે. ઉચ્ચ કરની શ્રેણીમાં આવતા ઉત્પાદનોમાં અત્યારે સીમેન્ટ, વાહનોની એસેસરીઝ, ટાયર, મોટર કાર, વિમાન, સટ્ટો અને તમાકુના ઉત્પાદનો જેવી વસ્તુઓ સામેલ છે. અધિકારીએ કહયું કે સીમેન્ટ પર જીએસટી ઘટવાથી મકાન અને બાંધકામ ઉદ્યોગમાં ગતિ આવશે. તેના કારણે રોજગાર વધારવામાં મદદ થશે.

(11:36 am IST)