Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ગુજરાત ચૂંટણીને લઇ એકઝીટ પોલ તારણોને કોંગ્રેસે ફગાવ્યા

૧૮મીએ મતગણતરીના દિવસે જ આખરી ફૈંસલો : લોકોએ કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું હોઇ કોંગ્રેસની જ સરકાર સત્તામાં આવશે : ભરતસિંહ અને મોઢવાડિયા

અમદાવાદ, તા.૧૪ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ વિવિધ રાષ્ટ્રીય ચેનલોના એક્ઝીટ પોલમાં ભાજપને વિજયી બતાવતા અને ગુજરાતમાં ફરી એકવાર સરકાર રચવાનું જાહેર કરતાં તારણોને મોડી સાંજે કોંગ્રેસે ફગાવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુનભાઇ મોઢવાડિયા, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓએ એક્ઝીટ પોલના તારણોને ફગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે, ગુજરાતમાં આ વખતે લોકોએ કોંગ્રેસની તરફેણમાં મોટાપાયે મતદાન કર્યું છે અને તેથી કોંગ્રેસની સરકાર સત્તામાં આવે છે. કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે.

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિકાસને પાછળ છોડી દીધો હતો અને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ત્રાસવાદ સહિતના બીજા મુદ્દાઓને ચગાવીને મતો મેળવવાનું રાજકારણ કર્યું હતું. છેલ્લે વડાપ્રધાન સી-પ્લેનમાં ફરવાની વાત લાવ્યા પરંતુ ગુજરાતના પ્રાણપ્રશ્નોની કોઇ વાત કરી શકયા નહી. નોટબંધી, જીએસટી સહિતના અત્યાચારી નિર્ણયોને લઇ ગુજરાતની જનતાએ આ વખતની ચૂંટણીમાં ભાજપનો હિસાબ કરી નાંખ્યો છે અને પોતાનો બદલો લઇ લીધો છે. ભાજપનો આ વિધાનસભા ચૂંટણીમાં કારમો પરાજય થવાનો છે તે નક્કી છે. મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપની નીતિ હંમેશા દમનકારી રહી છે. છેલ્લા ૨૨ વર્ષોમાં ગુજરાતની જનતાનું દમન કરનાર ભાજપે તાજેતરમાં ચૂંટણી આચારસંહિતાના ભંગના ઓઠા હેઠળ ગુજરાતના મીડિયાને દબાવવાનો અને દમન કરવાનો હીન પ્રયાસ કર્યો છે. ભાજપ ગુજરાતની જનતાની વાત કરવાને બદલે મૂળ મુદ્દાઓથી ભટકીને વાત કરતી હતી અને તેથી પ્રજાએ આ વખતે ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે. તા.૧૮મી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો પરથી જનમત સ્પષ્ટ થઇ જશે.

(8:42 pm IST)