Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

દુનિયામાં સૌથી 'સસ્તી ઓફિસો' માટેનું પસંદગી સ્થળ ભારત

             રાજકોટ, તા. ૧૪: ભારતભરમાં વર્તમાન સમયમાં મોંઘવારીનો દોર ચાલી             રહયો છે, પરંતુ એક બાબત એવી પણ છે જેને માત્ર દેશમાં જ નહિ...દુનિયાભરમાં સસ્તી કહી શકાય એમ છે.એ છે ભારતમાં સુવિધા સાથે સસ્તા દરે ભાડે અપાતી ઓફિસો.

આ અંગે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કુશમૈન એન્ડ વેકફિલ્ડ દ્વારા હાલમાં રજૂ કરાયેલ રિપોર્ટ થકી જાણવા મળ્યાનુસાર દુનિયામાં સોૈથી વધારે ઓફિસ રાખવાનો ખર્ચો હોંગકોંગમાં થાય છે.જેમાં વર્ષે ૨૭,૪૩૧ ડોલર આપવા પડે છે...જયારે ભારતમાં સારી સુવિધા સાથે સસ્તા દરે મળી રહેલી ઓફિસોને પગલે વિશ્વની મોટી-મોટી મલ્ટીનેશનલ કંપનીઓ પણ ભારતમાં પોપ-પોતાની કચેરીઓ ખોલવા ઇચ્છુક છે.

વિશ્વના ૨૧૫ સ્થળોમાં થયેલા સર્વે થકી ભારત સોૈથી સસ્તુ હોવાનું જાણવા મળ્યુ છે ત્યારે કુશમૈન એન્ડ વેકફિલ્ડના ભારતના પ્રમુખ અંશુલ જૈનનું કહેવુ છે કે, સસ્તા દરો અને સારી સુવિધાઓને લીધે વિદેશી કંપનીઓ ભારત તરફ આકર્ષિત થઇ રહી છે.

એવી જ રીતે દેશમાં લેવાતા દરો વિશે વિગતો વર્ણવી  હતી કે, ઓફિસો લેવાની બાબતે દિલ્હી મોંઘવારીમાં દુનિયાભરમાં ૮૪માં ક્રમે આવે છે.ત્યાં ઓફિસ લેવાવાળાને વર્ષે અંદાજે ૫૩૯૨ (૩.૫ લાખ રૂપિયા) ખર્ચ થતો હોય છે...છતા પણ વિદેશ કરતા તો ભારતમાં ઓફિસ ભાડે રાખવી સસ્તી જ ગણાય છે.

દરમિયાન જાણવા મળ્યા મુજબ સ્ટાર્ટઅપ બાદ ભારતમાં ઓફિસો ભાડે આપવાનો સિલસિલો વધવા લાગ્યો છે.સાથે સાથે રોજગારીની તકો અને ઓફિસ મેન્ટેનન્સમાં પણ સ્ટાર્ટઅપનું યોગદાન પણ દિવસેને દિવસે વધવા લાગતુ જતુ હોવાનું દેખાઇ આવે છે.

જાણો...ભારતમાં ઓફિસ ખર્ચ કેટલો?

ભારતમાં અન્ય દેશો કરતા ઓફિસ સારી સુવિધા સાથે સસ્તા દરે ઉપલબ્ધ થતી હોવાનું પ્રકાશમાં આવતાની સાથે જ વિદેશની મલ્ટીનેશનલ કંપનીઓ નજર દોડાવવા લાગી છે...આવા ઉજળા સંજોગોમાં ભરાતના વિવિધ મોટા-મોટા શહેરોમાં ઓફિસનો વાર્ષિક અંદાજીત ખર્ચ કેટલો થાય છે? તે પણ જાણવુ જરૂરી છે.

જેમાં સોૈથી મોંઘુ સ્થળ દિલ્હી-એનસીઆર છે. જયાં વાર્ષિક રૂ.૩,૫૧,૦૦૮ ખર્ચ આવતો હોય છે.એવી જ રીતે મુંબઇ-બ્રાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષમાં રૂ. ૨,૦૬,૦૯૦ તથા કોલકતા-સીબીડી (સન્ટ્રલ એરિયા) ખાતે રૂ.૯૫,૦૩૬ તેમજ પુણે-સીબીડીમાં ૮૪,૯૬૩ તથા બેંગ્લોર- આઉટર રિંગ રોડ ઉપર રૂ.૭૫,૦૯૮ અને અમદાવાદ-એસ.જી.હાઇવે ઉપર પણ રૂ.૪૦,૨૧૧ જેટલો આવતો હોવાનુ સંભળાઇ રહયુ છે.

(5:04 pm IST)