Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

બીજા ચરણમાં પણ 'બંબાટ' મતદાનથી રાજકિય 'કૂકરી' ગાંડી

લગ્નોત્સવનો અંતિમ દિવસ અને સખત ઠંડી છતાં સવારથી ઉત્સાહપૂર્ણ મતદાનઃ પરિણામ અંગે ઉત્તેજના વધી

રાજકોટ તા. ૧૪ : આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા ચરણમાં મધ્ય અને ઉત્તર ગુજરાતની ૮૯ બેઠકો માટે સવારે ૮ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્ર - કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનના ૬૬.૭૫ ટકા મતદાન થયેલ. આજે બીજા તબક્કાના મતદાનમાંપણ આવો ટ્રેન્ડ જળવાઇ રહે તેવું સવારના મતદાનના પ્રમાણ પરથી દેખાય છે.

પ્રથમ બે કલાકમાં સરેરાશ ૧૦ ટકાથી વધુ મતદાન નોંધાયું છે. સાંજ સુધીમાં ૬૦ ટકાથી વધુ મતદાન થઇ જવાની ધારણા છે. પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ બંબાટ મતદાનની શરૂઆત થતાં રાજકિય કૂકરી ગાંડી ગઇ છે.

આજે લગ્નોત્સવની મોસમનો અંતિમ દિવસ છે. મોસમના લગ્નોત્સવના સૌથી વધુ મૂહુર્ત પૈકીનો દિવસ છે તેમજ ઠંડીએ પણ જોરદાર ચમકારો બતાવ્યો છે. મતદાનમાં અવરોધરૂપ ગણાતા બંને કારણો છતાં મતદારો સવારથી ઉત્સાહપૂર્વક નીકળી પડયા છે. ૯૩ મતક્ષેત્રો પૈકી મોટાભાગનામાં પ્રથમ બે કલાકમાં ૧૦ થી ૧૫ ટકા મતદાન થઇ ગયાનો અંદાજ છે. તમામ બેઠકોનો સરેરાશ સત્તાવાર આંકડો ૧૦ ટકા આસપાસનો છે.

ભૂતકાળમાં ગુજરાતમાં ૪૦ ટકા કે તેથી ઓછું મતદાન થયાના દાખલા છે. તેની સરખામણીએ આ વખતે ઉત્સાહવર્ધક મતદાન થઇ ગયું છે. ૨૦૧૨માં બંને તબક્કાનું મળી ૭૧ ટકા મતદાન થયેલ. આ વખતે તેટલું મતદાન થવા સામે પ્રશ્નાર્થ છે છતાં જેટલું થયું છે તેટલું નોંધપાત્ર સારૂ છે.

ઉત્સાહપૂર્વકના મતદાનને રાબેતા મુજબ ભાજપ - કોંગ્રેસ પોતાના તરફી મતદાન ગણાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં મળી અઢી કરોડ જેટલા લોકો મતદાન કરશે. મતદાનના વધેલા પ્રમાણે રાજકીય ઉત્તેજના વધારી છે.

(12:39 pm IST)