Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

કાલથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભઃ રહેશે હંગામેદાર

સત્ર પ જાન્યુઆરી સુધી ચાલશેઃ ૧૪ દિવસ કામકાજના દિવસઃ રામ મંદિર, રાફેલ વિમાન ખરીદી, ખેડુતોની અવગણના, ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાનને વચ્ચે લાવવુ જેવી બાબતો ગરમા-ગરમી લાવશેઃ શાસક-વિપક્ષ આમને સામનેઃ સત્ર દરમિયાન અનેક બીલ રજુ કરવામાં આવશેઃ આજે સર્વપક્ષીય બેેઠક

નવી દિલ્હી તા.૧૪ : આવતીકાલથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. આવતીકાલથી પ જાન્યુઆરી સુધી ચાલનારા આ સત્રમાં માત્ર ૧૪ દિવસ જ કામકાજના દિવસ છે છતાં આ સત્ર ભારે હંગામેદાર રહે તેવી શકયતા છે. સંસદનું સત્ર શાંતિપુર્વક ચાલે તે માટે આજે સર્વપક્ષીય બેઠક યોજાઇ છે. સોમવારે આવનારૂ ગુજરાતનું પરિણામ પણ નક્કી કરશે કે વિપક્ષ કેટલી હદ સુધી આક્રમક થઇ શકે છે.

આ સત્ર દરમિયાન કોંગ્રેસ રાફેલ વિમાન ખરીદી, ખેડુતોની અવગણના, રામ મંદિર મામલો, ગુજરાતના ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનને વચ્ચે લાવવા સહિતની બાબતો અંગે સરકારને ભીસમાં લેવાનો પ્રયાસ કરશે. જેમાં તેને અન્ય વિપક્ષોનો સાથ મળે તેવી પણ પુરેપુરી શકયતા છે. આ સત્ર દરમિયાન શાસક અને વિપક્ષ એકબીજાને ભીસમાં લેવા માટે પ્રયાસો કરી રહ્યા છે અને રણનીતિ ઘડી રહ્યા છે.

આ સત્ર દરમિયાન સરકાર અનેક મહત્વના બીલો પસાર કરાવવા માંગે છે. સરકાર ત્રણ કલાક સંબંધિત બીલ આ સત્રમાં રજુ કરી તેને પસાર કરાવવાનો પ્રયાસ કરશે. સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારે કહ્યુ છે કે ઓબીસી સાથે જોડાયેલ ૧ર૩મું સુધારા સંશોધીત બીલ પણ આ સત્રમાં રજુ થશે. આ ઉપરાંત બેંકો-વિમા કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓના ડુબેલા પૈસાના સુચારૂ નિવારણ માટે તૈયાર ખરડો એફઆરડીઆઇ પણ રજુ થશે. આ સિવાય જીએસટીમાં ફેરફારને કાનૂની વાઘા પહેરવા માટે પણ સંશોધિત બીલ રજુ થશે. એક સાંસદના જણાવ્યા પ્રમાણે આ બધા બીલો પર વિપક્ષના તેવર આકરા રહે તેવી શકયતા છે.

(12:07 pm IST)