Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

મોદીની સી-પ્લેન ઉડાન પાછળ થયો ૪૨ લાખનો ખર્ચ?

કરાચીથી આવ્યું સી-પ્લેન?: ભાડુ ૪૨ લાખ : કોણ ઉઠાવશે ખર્ચ?

નવી દિલ્હી તા. ૧૪ : ગુજરાતમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇએ જે સી પ્લેનમાં ઉડાન ભરી હતી તે પાકિસ્તાનના કરાચીથી આવ્યુ હોવાનું મનાય છે. પાકિસ્તાનના હાઈ કમિશનરની હાજરીમાં ગુજરાત ઈલેકશનની ચર્ચા થઈ હોવાના મોદીના આક્ષેપો બાદ મોદીના સી પ્લેન અંગે આવેલી આ વિગતોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.

એરક્રાફટના ફલાઈટ પાથમાં દર્શાવ્યું છે કે એરક્રાઈફટ ૩ ડિસેમ્બરના રોજ આ એરક્રાફટ કરાંચીથી મુંબઈ આવ્યુ હતુ. છેલ્લા ૯૦ દિવસમાં ગ્રીસથી માંડીને સાઉદી અરેબિયા અને ન્યુઝીલેન્ડ સુધી આખી દુનિયામાં ફરી ચૂકયુ છે. આ પછી સોશિયલ મીડિયા પર મોદીએ ટ્રિપ માટે ભાડે લીધેલા આ એરક્રાફટ ની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ છે. રિપોર્ટ અનુસાર અમદાવાદ-ધરોઈની આ ટ્રિપ માટે એરક્રાફટનું ભાડુ ૪૨ લાખ રૂપિયા હોઈ શકે છે.

ગુજરાત ભાજપના પ્રવકતા યમલ વ્યાસે જણાવ્યું, 'મને એરક્રાફટના એકઝેટ ભાડાનો અંદાજ નથી. પરંતુ જે પણ રકમ હશે તે ભાજપ જ ચૂકવશે. આ ટ્રિપના ખર્ચની વિગતો ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવશે.'

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ મોદી પર પ્રહાર કરતા કહ્યું, 'વડાપ્રધાન ૧૦ લાખનો કોટ પહેરે કે સી પ્લેન યુઝ કરે તે અમારી ચિંતાનો વિષય નથી. અમે ઈચ્છીએ છીએ કે તે ૩૦ લાખ બેરોજગારો, ખેડૂતોને મળતા તળિયાના ભાવ, ફૂગાવા અને રોજગારી ગુમાવનારા નાના-મધ્યમ વેપારીઓને નડતી સમસ્યાઓનું સમાધાન લાવે.' ભારતમાં આ ખાનગી એરક્રાફટે ટ્રાયલ ફલાઈટ્સ કરી હતી. તેમણે ૧૦ ડિસેમ્બરે પ્રથમ ટ્રાયલ રન મુંબઈમાં પૂર્ણ કર્યું હતું. તેના પાઈલટ જહોન ગુલેટે કન્ફર્મ કર્યું હતુ કે કંપનીને અમદાવાદમાં પણ ટ્રાયલ કરવા જણાવાયુ હતુ. આ પ્લેન ગ્રીસથી માંડીને ન્યુઝીલેન્ડ સુધી દુનિયાના અનેક દેશમાં ફરીને આવ્યુ હતુ.

વડાપ્રધાન મોદીની સી પ્લેન ઉડાનમાં અનેક વીવીઆઈપી નિયમોનો ભંગ થવાના સમાચાર મંગળવારે પ્રકાશમાં આવ્યા હતા. નિયમ પ્રમાણે વડાપ્રધાને બે જેટ એન્જિન ધરાવતા એરક્રાફટમાં જ પ્રવાસ કરવો પડે છે. મોદી જે સીપ્લેનમાં ઉડ્યા તેમાં સિંગલ પ્રોપેલર એન્જિન જ હતુ. આ ઉડાનને કારણે ભાજપના ઉમેદવારોની ઉમેદવારી રદ થઈ શકે છે કારણ કે તેમણે ચૂંટણીમાં ખર્ચની મર્યાદા વટાવી દીધી છે. ગોવાના કોંગ્રેસના પ્રમુખ શાંતારામ નાયકે જણાવ્યું, 'આ ખર્ચને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એકટ અંતર્ગત ખર્ચમાં માફી નથી મળતી. તેને સ્ટાર કેમ્પેઈનરના ટ્રાવેલ ખર્ચ તરીકે ગણવામાં આવે છે.'

(11:55 am IST)