Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

વિકાસ કે નવસર્જન ? પાટીદારો - ઓબીસી કઇ તરફ ? શહેરી મતદારો કોનાથી નારાજ ? ગુજરાતમાં કોણ કરશે રાજ ? ફેંસલો EVMમાં કેદ

ગુજરાત વિધાનસભાની બીજા અને અંતિમ તબક્કાની ૯૩ બેઠકો માટે બીજા તબક્કાનું ધીંગુ મતદાનઃ ઠેર-ઠેર મતદારોની લાઇનોઃ ઉત્સવ જેવો માહોલઃ અનેક મહારથીઓની પ્રતિષ્ઠા દાવ ઉપરઃ ર.રર કરોડ મતદારોએ ૮પ૧ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ કર્યુઃ મોદી, અડવાણી, શાહ, આનંદીબેન, નીતિનભાઇ પટેલ, હીરાબા સહિતના દિગ્ગજોએ કર્યુ મતદાનઃ મોદીના વડનગર તથા અલ્પેશ અને જીજ્ઞેશ ઉપર સૌનુ ધ્યાન

નવી દિલ્હી તા.૧૪ : ગુજરાતમાં સત્તાના સિંહાસને કોણ બીરાજમાન થશે ? વિકાસ કે નવસર્જન મહત્વનું પાસુ બનશે ? પાટીદારો અને ઓબીસી કયા પક્ષ તરફ ઢળ્યા ? શહેરી વોટર્સ કોનાથી નારાજ ? મોદી મેજીક ચાલ્યો કે પછી રાહુલનો કરિશ્મા છવાયો ? આ બધા પ્રશ્નોનો જવાબ આજે ર.રર કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન થકી આપી રહ્યા છે. આજે ગુજરાત વિધાનસભાની બીજા અને અંતિમ તબક્કાની ૯૩ બેઠકો માટે સવારે ૮ વાગ્યાથી મતદાન શરૂ થયુ છે જે સાંજે પ વાગ્યા સુધી ચાલશે. આજે અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી છે. સાંજે મતદાન પુરૂ થયા બાદ એકઝીટ પોલ જારી થશે અને એ સાથે પરિણામનું કાઉન્ટ-ડાઉન શરૂ થશે. ૧૮મીએ મત ગણતરી થવાની છે.

 

ગુજરાત વિધાનસભાની આજે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં સૌનુ ધ્યાન ઓબીસી અને પાટીદાર મતદાર તરફ કેન્દ્રીત થયુ છે. આ બંનેનો પ૦ ટકાથી વધુ બેઠકો ઉપર દબદબો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લામાં મતદાન થઇ રહ્યુ છે જેમાં મોદીના ગૃહનગર વડનગર ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મહેસાણા અને અલ્પેશ ઠાકોરની વાવ બેઠક પણ સામેલ છે. ર૦૧રની ચૂંટણીમાં ભાજપને ૯૩માંથી (બાવન) પર અને કોંગ્રેસને ૩૯ બેઠકો મળી હતી. આજે જયાં જયાં મતદાન થઇ રહ્યુ છે ત્યાં લાંબા સમયથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર આંદોલન અને રેલી કરતા હતા. ૯૩માંથી ૩૩ બેઠકો ઓબીસી અને ૧પ બેઠકો પાટીદાર બહુમતીવાળી છે.

 

આજે મતદાન શરૂ થતા જ અમદાવાદ સહિતના શહેરો અને ગામોમાં સવારથી જ લાંબી-લાંબી લાઇનો જોવા મળી હતી. મતદારોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે જોતા ઉંચુ મતદાન થવાની શકયતા છે. વડાપ્રધાન મોદીએ રાણીપની નિશાન સ્કુલમાં તો લાલકૃષ્ણ અડવાણીએ શાહપુરની હિન્દી વિદ્યાલયમાં, નાણામંત્રી જેટલીએ વેજલપુરમાં અને ભાજપ અધ્યક્ષ શાહે નારણપુરામાં મતદાન કર્યુ હતુ. વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ પણ આજે મતદાન કરી ગુજરાતનું ભલુ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ આજે સવારે ઘાટલોડીયામાં મતદાન કર્યુ હતુ.

આજે બીજા તબક્કામાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં મતદાન થઇ રહ્યુ છે. જેમાં ૭૮ર પુરૂષ ઉમેદવારો ૬૯ મહિલા ઉમેદવારોનું ભાવિ ઘડાઇ રહ્યુ છે. ૯૩માંથી પ૩ બેઠકો ઉત્તર અને ૪૦ બેઠકો મ.ગુજરાતની છે. જેના પર ઓબીસી, પાટીદાર, રાજપુત, આદિવાસી મતદારો મહત્વની ભુમિકા ભજવે છે. ૯૩માંથી ૩૩ બેઠકો ઓબીસી અને ૧પ બેઠકો પાટીદાર બહુમતીવાળી છે. આ તબક્કામાં ૧૪ બેઠકો એસટી અને છ બેઠકો એસસી માટે અનામત છે. ૩૮ બેઠકો શહેરી છે.

મોદીના ગૃહ જિલ્લા મહેસાણાની ૭ બેઠકો છે. જેમાં પાંચ બેઠકો ભાજપ પાસે છે અને ર૮ ટકા પટેલ મતદારો છે. આ ઉપરાંત આજે જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની બેઠક ઉપર પણ સૌનુ ધ્યાન કેન્દ્રીત થયુ છે. મધ્ય ગુજરાતમાં ગત ચૂંટણીમાં ભાજપે મોટાભાગની શહેરી અને કોંગ્રેસે ગ્રામીણ વિસ્તારની બેઠકો મેળવી હતી. વડોદરા અને અમદાવાદની કુલ ૩૪ બેઠકોમાં ર૭ બેઠકોમાં ભાજપે બાજી મારી હતી પરંતુ આજે માહોલ જુદો છે. નોટબંધી અને જીએસટી બાદ વેપારીઓમાં નારાજગી જોવા મળી છે. જો આ મુદાની અસર વોટીંગ ઉપર પડી તો ચૂંટણી પરિણામો ભાજપની ઇચ્છાની વિરૂધ્ધ આવી શકે છે. આજના મતદાનમાં હાર્દિક પટેલનું ફેકટર જોવા મળે છે. પીએમ મોદીએ ઇમોશ્નલ કાર્ડ અને પાકિસ્તાન કાર્ડ રમતા તેની અસર પણ કેટલી પડે છે તે જોવાનુ રહ્યુ. સેમી અર્બન બેઠકો ઉપર પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે સ્પર્ધા છે. પાટીદારો અને ઓબીસીને પોતાની તરફ લાવવા બંને પક્ષોએ પુરેપુરી તાકાત લગાવી હતી.

(10:55 am IST)